Valsad

વાપી: દમણગંગા નદી કિનારે પિતૃ શ્રાદ્ધ વિધિ દરમિયાન 2 બાળકો નદીમાં ખાબક્યા, એકનો બચાવ, બીજાની શોધખોળ

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
વાપીમાં દમણગંગા નદી કિનારે પિતૃ તર્પણ વિધિ દરમિયાન કરુણ ઘટના બની. શનિવારે સાંજે પરિવારના 2 બાળકોનો પગ લપસતા નદીમાં પડ્યા. એક બાળકને બચાવી લેવાયો, પરંતુ 10 વર્ષીય નાગેશકુમાર ઊંડા પાણીમાં ડૂબી ગયો. પોલીસ અને ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી, પરંતુ અંધારાને કારણે મોડી સાંજે અટકાવવી પડી. રવિવારે સવારથી ફરી શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ બાળકનો પત્તો નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપી: દમણગંગા નદી કિનારે પિતૃ શ્રાદ્ધ વિધિ દરમિયાન  2 બાળકો નદીમાં ખાબક્યા, એકનો બચાવ, બીજાની શોધખોળ

2 Children Fall into Daman Ganga River Vapi: વાપીમાં દમણગંગા નદી કિનારે પિતૃ તર્પણની વિધિ કરતી વખતે એક કરુણ ઘટના સામે આવી છે. વિધિ દરમિયાન અચાનક પગ લપસી જતાં પરિવારના બે બાળકો એક પછી એક નદીમાં ખાબક્યા હતા. જોકે, એક બાળકને બચાવી લેવાયો હતો, પરંતુ 10 વર્ષીય બાળક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી શોધખોળ આદરી છે.

વિધિ દરમિયાન અચાનક પગ લપસ્યો

મળતી માહિતી અનુસાર, વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા લુણારામ પરિવાર સાથે શનિવારે (ત્રીજી ઓક્ટોમ્બર) સાંજે વાપી હાઈવે પર આવેલા મુક્તિધામ નજીક દમણગંગા નદી કિનારે પિતૃ શ્રાદ્ધ વિધિ કરવા ગયા હતા. પરિવારજનો નદી કિનારે વિધિ કરી રહ્યા હતા, આ દરમિયાન અચાનક રમતાં-રમતાં બે બાળકોનો પગ સ્લીપ થતાં તે નદીના પાણીમાં પડ્યા હતા. એક બાળકને સહીસલામત બહાર કાઢી લેવાયો હતો, પરંતુ 10 વર્ષીય નાગેશકુમાર પાણીના વહેણમાં ડૂબી જતાં પરિવારજનોમાં ભારે અફરાતફરી અને આક્રંદ છવાઈ ગયો હતો.

બાળક ડૂબવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ અને નોટિફાઈડ ફાયર વિભાગનો કાફલો તાબડતોબ દમણગંગા નદી કિનારે દોડી આવ્યો હતો. શનિવારે મોડી સાંજે અંધારું થઈ જતાં શોધખોળની કામગીરી અટકાવવી પડી હતી. ત્યારબાદ રવિવારે (ચોથી ઓક્ટોબર) વહેલી સવારથી જ ફાયર ફાઈટરો દ્વારા નદીના પાણીમાં બાળક નાગેશની શોધખોળ પુનઃ શરૂ કરવામાં આવી છે. જોકે, કલાકોની જહેમત બાદ પણ હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી નથી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ પણ વાપીના ડુંગરા વિસ્તારનો એક તરુણ નદીમાં નાહવા જતાં ડૂબી ગયો હતો, જેનો મૃતદેહ શનિવારે જ બહાર કઢાયો હતો. ત્યાં જ સાંજે વધુ એક માસુમ ડૂબવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.