'નોકરી છોડી દો કાં બીજા દેશમાં જતા રહો...', IBMએ H-1B વિઝાધારકોને આપ્યા ફક્ત બે વિકલ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IBM visa sponsorship ended: IBM (International Business Machines Corporation) એ અમેરિકાની અગ્રણી મલ્ટીનેશનલ ટેક્નોલોજી અને કન્સલ્ટિંગ કંપની છે, જે બિઝનેસ તથા સંસ્થાઓને સોફ્ટવેર, ક્લાઉડ અને કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે. આ કંપનીએ પોતાના કન્સલ્ટિંગ વિભાગની મોટાભાગની જગ્યાઓ માટે US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરી દીધી છે. આ નિર્ણયથી અસરગ્રસ્ત કર્મચારીઓ સામે માત્ર બે જ વિકલ્પ રહ્યા છે કે તેઓ અન્ય કોઈ દેશમાં ટ્રાન્સફર લઈને સ્થાયી થાય અથવા કંપની છોડી દે.
અહેવાલો મુજબ, કર્મચારીઓને આ નિર્ણય લેવા માટે માત્ર 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. H-1B વિઝા ભારતીય પ્રોફેશનલ્સ અને અન્ય વિદેશીઓને અમેરિકામાં કામ કરવાની તક તો આપે છે, પરંતુ ત્યાં કાયમી સ્થાયી થવાની ખાતરી આપતા નથી. IBMના કેટલાક કર્મચારીઓ માટે આ અનિશ્ચિતતા હવે એવા નિર્ણયમાં ફેરવાઈ ગઈ છે, જે થોડા જ અઠવાડિયામાં લેવો પડશે.
શું છે કર્મચારીઓ સામેના વિકલ્પો અને આર્થિક અસર?
બ્લૂમબર્ગના તાજેતરના રિપોર્ટ બાદ હવે 'રેસ્ટ ઑફ વર્લ્ડ' (Rest of World)ના નવા અહેવાલમાં જણાવાયું છે કે વિઝા અથવા ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ પર નિર્ભર વિદેશી કર્મચારીઓ સહિત અસરગ્રસ્ત કર્મચારીઓને અન્ય દેશમાં કંપનીમાં નવી જગ્યા શોધવા અથવા નોકરી છોડવાનો વિકલ્પ અપાયો છે. જે કર્મચારીઓ અન્ય દેશમાં જવા માંગતા નથી, તેમને 3 મહિનાનું સેવરન્સ પે (Severance pay) મળશે, પરંતુ 31 ડિસેમ્બરના રોજ તેમની નોકરી સમાપ્ત થઈ જશે.
અમેરિકામાં લાંબા ગાળાનું કરિયર બનાવવાના સપના સાથે આવેલા ભારતીય કર્મચારીઓ માટે પાછા ફરવું એટલું સરળ નથી. આર્થિક રીતે પણ મોટો ફટકો પડી શકે છે. અનામી વર્કપ્લેસ ફોરમ 'બ્લાઈન્ડ' પર એક IBM કર્મચારીએ દાવો કર્યો છે કે અમેરિકાથી ભારત આવવાથી પગારમાં અંદાજે 80 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. આનો અર્થ એ થાય કે કર્મચારીઓએ ખૂબ ઓછા પગારે નોકરી જાળવી રાખવા અથવા નોકરી ગુમાવવા વચ્ચે પસંદગી કરવી પડશે. કર્મચારીઓને આ અંગે મેનેજરો સાથેની વ્યક્તિગત બેઠકોમાં જાણ કરવામાં આવી હતી, જેને કરિયર ડિસ્કશન કહેવામાં આવ્યું હતું.
IBMનું શું કહેવું છે?
IBMનું કહેવું છે કે આ નિર્ણય કુશળ પ્રોફેશનલ્સની જરૂરિયાત અચાનક ખતમ થવાને કારણે નહીં, પરંતુ બદલાતી હાયરિંગ જરૂરિયાતોને કારણે લેવાયો છે. કંપનીના કન્સલ્ટિંગ બિઝનેસે અમેરિકામાં ટેલેન્ટની અછત પૂરી કરવા માટે હાઈ-સ્કિલ્ડ ઇમિગ્રેશન પ્રોગ્રામ્સનો ઉપયોગ કર્યો છે, જોકે સમય જતાં આ કાર્યક્રમો પર તેની નિર્ભરતા ઘટી રહી છે. IBMના પ્રવક્તાએ 'રેસ્ટ ઑફ વર્લ્ડ'ને જણાવ્યું કે કંપની સ્કિલની અછત દૂર કરવા માટે US હાઈ-સ્કિલ્ડ વિઝા પ્રોગ્રામ્સમાં ભાગ લે છે, પરંતુ બદલાતી સ્કિલ ઉપલબ્ધતા અને ક્લાયન્ટની જરૂરિયાતોને કારણે મોટાભાગની જગ્યાઓ માટે સ્પોન્સરશિપ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
અમેરિકામાં વિદેશી કર્મચારીઓ માટે વધતી મુશ્કેલીઓ
અમેરિકામાં કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સ માટે આ મુશ્કેલ સમય છે. ટ્રમ્પ પ્રશાસને વિદેશી કર્મચારીઓને નોકરી આપતી કંપનીઓ પર તપાસ અને કડકાઈ વધારી છે, જ્યારે વિઝા નીતિઓમાં ફેરફારોથી લાંબા ગાળાની નોકરીની અનિશ્ચિતતા વધી છે. ગયા મહિને અમેરિકા સરકારે માઈક્રોસોફ્ટ, એડોબ તેમજ ઇન્ફોસિસ, TCS અને કોગ્નિઝન્ટ સહિતની અનેક IT આઉટસોર્સિંગ કંપનીઓને પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી હતી, જે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ અરજીની મહત્ત્વની પ્રક્રિયા છે.
આ ઉપરાંત અમેરિકાએ ગયા વર્ષે નવી H-1B વિઝા અરજીઓ પર 1,00,000 ડૉલરની વન-ટાઈમ ફી પણ જાહેર કરી હતી. ગ્રીન કાર્ડના વિશાળ બેકલોગને કારણે ભારતીય પ્રોફેશનલ્સ પર આ ફેરફારોની સૌથી વધુ અસર પડે છે, કારણ કે રોજગાર આધારિત કાયમી નિવાસની રાહ જોનારાઓમાં ભારતીયો સૌથી વધુ છે અને આ રાહ દાયકાઓ સુધી લાંબી ચાલી શકે છે.




