વલસાડ: 'મધુબન ડેમ તૂટ્યો' હોવાની અફવાથી વાપી, દમણ અને સેલવાસમાં દોડધામ! લોકોએ હિજરત શરૂ કરતા તંત્રએ અફવાઓ ફગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Madhuban Dam Collapse Fake News: વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ભંગાણ પડ્યું હોવાની અને ડેમ તૂટ્યો હોવાની એક પાયાવિહોણી અફવા વાયુવેગે પ્રસરી જતાં વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને સેલવાસમાં ભારે ભાગદોડ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે દિવસથી પૂરની વિકટ સ્થિતિનો સામનો કરી રહેલા લોકો અફવાથી ગભરાઈને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે હિજરત કરવા લાગ્યા હતા.
ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત, અસમાજિક તત્ત્વોએ ફેલાવી અફવા
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ડેમમાં કે તેની દિવાલોમાં કોઈપણ પ્રકારની તિરાડ પડી નથી કે કોઈ નુકસાન થયું નથી. કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા ડેમ તૂટ્યો હોવાની પાયાવિહોણી અને ભ્રામક અફવા ફેલાવવામાં આવી હતી.
ટાઉનશિપના રહીશો અને ગ્રામજનો જીવ બચાવવા ભાગ્યા
ડેમ તૂટ્યાની અફવા ફેલાતાં વાપી, પારડી સહિતના વિસ્તારોમાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પારડીના ટુકવાડા સ્થિત 'અવધ યુટોપિયા ટાઉનશિપ'માં પૂરના પાણી ભરાવાના કારણે રહીશો પહેલેથી જ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા, ત્યાં ડેમ ભંગાણની વાત ફેલાતાં બંગલાઓમાં રહેતા લોકો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક સામાન લઈને ભાગવા લાગ્યા હતા.
પોલીસે વાહનો અને માઈકથી સતત એનાઉન્સમેન્ટ કરવું પડ્યું
પરિસ્થિતિ ગંભીર બનતાં જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. લોકો અફવાઓથી ન દોરાય અને ભયમુક્ત બને તે માટે પોલીસ, ફાયર બ્રિગેડ અને ટ્રાફિક વિભાગના વાહનો દ્વારા વાપી, દમણ, સેલવાસ અને આસપાસના ગામડાઓમાં માઈકથી સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને ધીરજ રાખવા અને ઘરે પરત ફરવા વિનંતી કરવામાં આવી હતી.
કલેક્ટરની સ્પષ્ટતા અને SPની કડક ચીમકી
ઘટના અંગે વલસાડ કલેક્ટરે વિડીયો મેસેજ જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે, "મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે, ડેમમાં કોઈ ભંગાણ થયું નથી. લોકોએ સહેજ પણ ગભરાવાની કે હિજરત કરવાની જરૂર નથી."
બીજી તરફ, વલસાડ જિલ્લા પોલીસવડા (SP)એ જણાવ્યું હતું કે, આ માત્ર અસમાજિક તત્વો દ્વારા ફેલાવાયેલી ભ્રામક અફવા છે. આવી ગંભીર અફવા ફેલાવી લોકોમાં દહેશત ઊભી કરનારા તત્વો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ડેમ સુરક્ષિત, તબક્કાવાર પાણી છોડાઈ રહ્યું છે
તંત્રના સત્તાવાર ખુલાસા મુજબ, ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારો જેવા કે કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે. ડેમની સુરક્ષા જાળવવા અને જળસપાટી નિયંત્રિત કરવા માટે નિયમ મુજબ તબક્કાવાર ગેટ ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તંત્રએ નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે.









