Valsad

વલસાડ: બોગસ દસ્તાવેજના આધારે રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર આરોપીને 3 વર્ષ કેદની સજા, 10 હજારનો દંડ

By GS Team
17 Nov 20262 mins read
TukuTouch Logo
વલસાડના કપરાડામાં વર્ષ 2011માં રોકાણકારો સાથે બોગસ દસ્તાવેજોના આધારે રૂ. 1.97 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આરોપી ઓમપ્રકાશ રાજપૂરોહિતને 3 વર્ષની કેદ અને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરે તો વધુ 2 માસની કેદની સજા થશે. આ કેસમાં અન્ય આરોપી નિમેષ હજુ ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડ: બોગસ દસ્તાવેજના આધારે રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર આરોપીને 3 વર્ષ કેદની સજા, 10 હજારનો દંડ

Valsad Kaprada Investment Fraud Case: વલસાડ જીલ્લાના કપરાડામાં વર્ષ 2011 માં બોગસ દસ્તાવેજના આધારે રોકાણકારો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના કેસમાં કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે.

રોકાણ કરવાના બહાને રૂ.1.97 લાખ લીધા હતા

કેસની વિગત પર નજર કરીએ તો કપરાડા તાલુકાના મોટાપોઢા ખાતે આવેલી ભારત ઈન્વેસ્ટમેન્ટ મારવાડી નામક ઓફિસના સંચાલકોએ કપરાડા તાલુકાના લોકોને લોભામણી જાહેરાત આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો. સંચાલકે કૃપાલ જગનભાઈ પટેલ તથા અન્ય લોકો પાસેથી રોકાણ કરવાના બહાને રૂ.1.97 લાખ લીધા હતા. લાલચમાં આવી જાય તે માટે લોકોને સંચાલકોએ બોગસ દસ્તાવેજો રજુ કર્યા હતા.

પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ હતી

આખો મામલો બહાર આવતા કૃપાલ સહિતના લોકોએ નાણાં પરત કરવા માંગણી કરી હતી. તે દરમિયાન ઓમપ્રકાશ કામસિંગ રાજપૂરોહિત અને નિમેષ ચંદ્રકાંતે બિભત્સ ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે મામલો કપરાડા પોલીસ મથકમાં પહોંચતા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ઓમપ્રકાશ રામપુરોહિતની ધરપકડ કરી હતી. આરોપી સામે સજ્જડ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

કપરાડા કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલે પોલીસ અધિકારી સહિત અનેક વ્યક્તિઓની જુબાની અને પુરાવા સાથે અનેક પાસા પર દલીલો કરી હતી. આ કેસમાં કોર્ટે આરોપી ઓમપ્રકાશ રાજપૂરોહિતને દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચૂકાદો આપ્યો છે. જયારે દંડની રકમ નહી ભરે તો વધુ બે માસની કેદની સજાની જોગવાઈ કરી છે. જો કે આ ગુનામાં અન્ય આરોપી નિમેષ પોલીસને હાથ લાગ્યો નથી.