વલસાડમાં જળબંબાકાર, સૌથી વધુ કપરાડામાં 15.63 ઈંચ વરસાદ, 24 કલાકમાં 173 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાની જામત બારસ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 21 જુલાઈ સવારે 6 વાગ્યાથી 22 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લામાં આફતનો વરસાદ વરસ્યો છે.
વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે તબાહી
વલસાડ જિલ્લો વરસાદનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. કપરાડા તાલુકામાં સૌથી વધુ 15.63 ઈંચ (397 મિમી) વરસાદ ઝીંકાતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય વલસાડના નાનાપોંઢામાં 11.02 ઈંચ, પારડીમાં 9.37 ઈંચ, વલસાડ શહેરમાં 8.31 ઈંચ અને વાપીમાં 7.28 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદે વિરામ લીધો નથી. ચીખલીમાં 9.61 ઈંચ, વાંસદામાં 9.25 ઈંચ, ખેરગામમાં 7.91 ઈંચ અને ગણદેવીમાં 4.72 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વાઘઈમાં 7.20 ઈંચ અને આહવા-ડાંગમાં 5.04 ઈંચ વરસાદ વરસ્યો છે.
સુરત અને અન્ય જિલ્લાઓની સ્થિતિ
સુરત જિલ્લાના બારડોલીમાં 5.39 ઈંચ, પલસાણામાં 4.69 ઈંચ અને સુરત શહેરમાં 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે. તાપીના ડોલવણમાં 3.90 ઈંચ અને ઉકાઈમાં 3.03 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને મોરબી સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાઈ જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહાર ખોરવાવાની સમસ્યાઓ સર્જાઈ છે.

વલસાડમાં મેઘતાંડવ
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે સાંજે 4 થી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના વિતેલા 16 કલાકમાં જિલ્લામાં સરેરાશ 8.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આખી રાત વરસાદ શરૂ રહેતા સવાર સુધીમાં આ આંકડો સરેરાશ 15.63 ઇંચ સુધી પહોંચી ગયો હતો. દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ 15.63 ઈંચ વરસાદ ઝીંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે જિલ્લાના નીચાણવાળા કોઝવે સહિત 150 થી વધુ માર્ગો બંધ થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. વલસાડના જ નાનાપોંધામાં 11 ઈંચ, પારડીમાં 9.37 ઈંચ અને વલસાડ શહેરમાં 8.31 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડના જ વાપીમાં 7.28 ઈંચ મેઘમહેર નોંધાઈ હતી.

વાપીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, ગરનાળા બંધ
વાપી શહેરમાં પડેલાં દેમાર વરસાદને કારણે જગનપાર્કના અનેક રો-હાઉસમાં પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત જીઆઈડીસીની સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી, હરિયા હોસ્પિટલ રોડ, કસ્ટમ રોડ અને સ્વામિનારાયણ ગુરુકુલ રોડ જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના બંને મહત્વના રેલવે ગરનાળામાં પાણી ભરાતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી અને ગટર સફાઈના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ગટર યોજનાઓ નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું
કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. બુધવારે સવારે 7 વાગ્યે ડેમમાં 1,02,166 ક્યુસેક પાણીની આવક નોંધાતાં સપાટી 74.35 મીટરે પહોંચી હતી. સ્થિતિને પહોંચી વળવા ડેમના 7 દરવાજા 3.10 મીટર અને 1 દરવાજો 1.40 મીટર ખોલીને દમણગંગા નદીમાં 99,808 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે દમણગંગા નદી બંને કાંઠે વહી રહી છે.










