Updated: May 25th, 2023
![]() |
pixabay |
વલસાડઃ શહેરની એક હોટલના રૂમમાં જિલ્લા પંચાયત ભાજપી સભ્ય અને જિલ્લા ભાજપના એક મહિલા સભ્ય એકાંતની પળો માણતા હોવાની જાણ થતાં ભાજપના હોદ્દેદારો હોટલ પર ઘૂસી ગયા હતાં. જો કે, બંનેને હોટલ માલિકે પોતાની ખાનગી કારમાં બેસાડી રવાના કરી દીધા હોવાની ચર્ચા સાથે મામલો ભાજપમાં ચર્ચાસ્પદ બન્યો હતો.
ભાજપી સભ્ય અને મહિલાને પરસેવો વળી ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વલસાડ જિલ્લા પંચાયતના એક ભાજપી સભ્ય જિલ્લા ભાજપના એક મહિલા સભ્ય સાથે પોતાની કારમાં વલસાડની એક હોટલના રૂમમાં એકાંતની પળો માણતા હોવાની જિલ્લા પંચાયતના સભ્યના વિરોધી એવા ભાજપના જ કેટલાક હોદ્દેદારોને જાણ થઈ ગઈ હતી. જેથી તેઓ હોટલ પર પહોંચી ગયા હતાં. હોટલની બહાર ભાજપના સભ્યોના ટોળા પહોંચી જતાં ભાજપી સભ્ય અને મહિલાને પરસેવો વળી ગયો હતો.
સભ્યની પત્ની પણ હોટલ દોડી ગઈ હતી
આ અંગેની જાણ હોટલ માલિકને થતાં બંને નેતાઓને પોતાની કારમાં બેસાડી વલસાડ એસટી ડેપો પર છોડી આવ્યા હોવાની ચર્ચા ઉઠી છે. આ ઘટના અંગે સભ્યની પત્નીને જાણ થતાં તેઓ પણ વલસાડની હોટલ પર દોડી આવ્યા હોવાની ચર્ચા સાથે આખો મામલો ભાજપમાં ચર્ચાસ્પદ બની ગયો હતો. આ સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.