Valsad

વલસાડમાં મુશળધાર વરસાદ: 2 કલાકમાં 6 ઇંચથી શહેર જળબંબોળ, આજે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
વલસાડ જિલ્લામાં ગુરુવારે મધરાતથી શુક્રવારે સવાર સુધીમાં ભારે વરસાદથી જળબંબાકાર થયો. માત્ર 6 કલાકમાં 4.2 ઇંચ અને વલસાડમાં 2 કલાકમાં 6.2 ઇંચ વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને વાહનોમાં પાણી ઘૂસી ગયા, 14 માર્ગો બંધ થયા. શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડમાં મુશળધાર વરસાદ: 2 કલાકમાં 6 ઇંચથી શહેર જળબંબોળ, આજે સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર

Valsad Heavy Rainfall: વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક રમત અપનાવતા ગુરુવારે (બીજી જુલાઈ) મધરાતે 2 વાગ્યાથી શુક્રવારે (ત્રીજી જુલાઈ) સવારે 6 વાગ્યા સુધી મુશળધાર વરસાદ પડતા જળબંબાકાર થઇ ગયો હતો. જિલ્લામાં માત્ર 6 કલાકમાં જ 4.2 ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડમાં તો માત્ર બે કલાકમાં જ 6.2 ઇંચ વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદને કારણે જિલ્લાના 14 માર્ગો બંધ થઇ ગયા હતા.

શહેરમાં પૂર જેવી સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસ્યા

વલસાડ જિલ્લામાં લાંબા વિલંબ બાદ મેઘરાજાની પધરામણી થતા લોકોએ રાહત અનુભવી હતી. મેઘરાજાએ આક્રમક રમત અપનાવતા ગુરુવારે રાત્રે 2 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધી માત્ર 6 કલાકમાં જ 4.2 ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના વલસાડમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં સવારે 6થી 8 વાગ્યા સુધી માત્ર બે કલાકમાં જ 6.2 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં ઠેરઠેર પાણી પાણી ભરાયા હતા. ખાસ કરીને એમ જી રોડ, ખત્રીવાડ, છીપવાડ દાણાબજાર વગેરે વિસ્તારમાં પાણી ભરાયા હતા. તિથલ રોડની હાલત કફોડી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો ફસાયા હતા.

સ્ટેટ હાઈવે અને 36 જિલ્લા પંચાયતના રસ્તાઓ બંધ

અતિભારે વરસાદ વરસતા ઓવરટેપીંગના કારણે ત્રણ સ્ટેટ હાઈવે (1) વલસાડ-ગુંદલાવ, ખેરગામ, આછવણી અને પાણી ખડક રોડ, (2) પારડી તાલુકામાં પારડી વેલપરવા, આમલી, તરમાલિયા રોડ અને પારડી તાલુકામાં જ ઉમરસાડી દેસાઈવાડ રોડ બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય જિલ્લા પંચાયતના 36 રોડ ઓવરટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ઓવરટેપિંગના કારણે જે કોઝવે ડૂબાણમાં ગયા છે, ત્યાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેરીકેટ મુકવા તથા પોલીસ બંદોબસ્ત રાખવા સંબંધિત અધિકારીને જાણ કરવામાં આવી છે.

વલસાડમાં શાળા કોલેજમાં રજા જાહેર કરાઇ

વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને કારણે વલસાડમાં શાળા કોલેજમાં રજા જાહેર કરાઇ હતી. વલસાડ શહેરમાં પડેલા દેમાર વરસાદને કારણે નિંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા કેટલીક કારો ડુબી ગઇ હતી તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભાગડાવાડામાં પણ પાણી ભરાયા હતા. આ ઉપરાંત કપરાડામાં 4.5 ઇંચ, ધરમપુરમાં 3.2 ઇંચ, પારડીમાં 5.1 ઇંચ, ઉમરગામમાં 2.5 ઇંચ, વાપીમાં 3.3 ઇંચ અને નાનાપોઢામાં 2.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામા ભારે વરસાદને કારણે વલસાડ તાલુકાના 11 અને પારડી તાલુકાના 3 મળી 14 માર્ગો બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.