ઉમરગામના સંજાણ ગામે જવેલર્સના દુકાનમાં ચોરી કરવા આવેલા બે તસ્કરોને લોકોએ પૂરી દીધા : ચોરોએ જ પોલીસ બોલાવવી પડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : ઉમરગામ તાલુકાના સંજાણ ગામે ગઇકાલે મંગળવારે મધરાતે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘુસેલા બે તસ્કરો અંજામ આપે તે પહેલા લોકોએ સર્તકતા દાખવી પકડી પાડયા હતા. લોકો દોડી ગયા બાદ દુકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. જો કે તસ્કરોએ જાતે જ ફોન કરી પોલીસને બોલાવતા લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયું હતું. લોકોની સર્તકતાને કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે બી.જે.જ્વેલર્સ નામક સોના ચાંદીની દુકાન આવેલી છે. ગઇકાલે મંગળવારે મધરાતે બે તસ્કરો દુકાનમાં ઘુસ્યા હતા. જો કે બે શખ્સો દુકાનમાં ઘુસ્યા હોવાનું ધ્યાને આવતા યુવાન સહિત લોકો એકત્રિત થઇ ગયા હતા. જવેલર્સને પણ જાણ કરી દીધી હતી. લોકોએ દુકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. લોકો એકત્રિત થઇ જતા બન્ને તસ્કરો ગભરાય ગયા હતા. તસ્કરોએ જ 112 પર ફોન કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
પોલીસ બન્ને આરોપીને પોલીસ મથકે લઇ ગઇ હતી. લોકોની સર્તકતાને કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આરોપી પાસેથી ચોરીના સાધનો મળી આવ્યા હતા. મધરાતે પોલીસે કરેલી પ્રાથમિક પુછપરછમાં શરૂઆતમાં બન્નેએ પોતાના નામો ખોટા જણાવ્યા હતા. કડકાઇ વાપરતા નામો જણાવતા પોલીસે આરોપી સામે અગાઉ ગુના નોંધાયા છે કે નહી ? અને આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે સઘન તપાસ શરૂ કરી ગુનો નોંધવા કવાયત આદરી છે.









