વલસાડ: પારડી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં સાસુ-વહુના મોત, ખરીદી કરી મોપેડ પર પાછા ફરતા સમયે કન્ટેઇનરે ટક્કર મારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Pardi Highway Fatal Accident: વલસાડના પારડી હાઇવે પર શુક્રવારે(25 સપ્ટેમ્બર) સમીસાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વલસાડના મોટી ચણવઇના સાસુ-વહુના મોત થયા હતા. પૂરઝડપે દોડી રહેલા કન્ટેઇનરે મોપેડને ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ચાલક વાહન લઇ ભાગી જતા લોકોએ અતુલ હાઇવે પર કન્ટેઇનર પકડી પાડયું હતું. મૃતક સાસુ-વહુ પારડીથી ખરીદી કરી પરત જતી વેળા કરૂણાંતિકા સર્જાઇ હતી.
પારડી હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં સાસુ-વહુના મોત
પ્રાપ્ત અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડના મોટી ચણવઇ ગામે રહેતા ચેતનાબહેન રાકેશભાઈ મૈસુરીયા(ઉં.વ.35) અને સાસુ શારદાબહેન રમણભાઇ મૈસુરીયા(ઉં.વ.65) શુક્રવારે ઘરેથી પારડી ખરીદી કરવા મોપેડ પર નિકળ્યા હતા. સમીસાંજે સાસુ-વહુ ખરીદી કર્યા બાદ પારડીથી પરત ઘરે જવા નિકળ્યા હતા. તે દરમિયાન પારડી હાઇવે પર વલ્લભ આશ્રમ નજીક પુરઝડપે દોડી રહેલા કન્ટેઇનરે મોપેડને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતો.
ગમખ્વાર અકસ્માત બાદ લોકો દોડી ગયા હતા. જો કે ચાલક કન્ટેઇનર લઇ ભાગી જતા લોકોએ પીછો કરી અતુલ હાઈવે પર કન્ટેઇનર પકડી પાડ્યું હતું. બીજી તરફ ચેતનાબહેન અને શારદાબહેનને માથા અને શરીરે ગંભીર ઇજા થતા બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.
ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસે બંને લાશનો કબજો લઇ પી.એમ માટે મોકલી દીધી હતી. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. સાસુ-વહુના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે, ગામમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ હતી. પોલીસે કન્ટેઇનર ચાલક સામે ગુનો નોંધવા કવાયત હાથ ધરી છે.




