વલસાડ: કપરાડામાં DGVCLના વીજપોલ ઉભા કરવાની કામગીરીમાં 5 શ્રમિકોને વીજકરંટ લાગ્યો, 2ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Kaprada Vavar DGVCL Electricity Pole Accident: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાવર ગામે ગુરુવારે(24 સપ્ટેમ્બર) ડીજીવીસીએલના વીજપોલ ઉભા કરવાની કામગીરી વેળા ગંભીર અકસ્માત થયો હતો. પોલ હાઇટેન્શન વીજ લાઇનને અડી જતા પાંચ મજૂરોને જોરદાર કરંટ લાગતા બેના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ મજૂરોને સારવાર માટે ખસેડાયા હતા. આ કામગીરી વેળા શટડાઉન લેવાયો હતો કે કેમ? તે સહિતના સવાલો પણ ઉભા થયા છે.
કપરાડામાં 5 શ્રમિકોને વીજકરંટ લાગ્યો
પ્રાપ્ત માહિતિ અનુસાર કપરાડા તાલુકાના વાવર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મજૂરો મારફતે વીજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. મજૂરો વીજપોલ ઉભા કરી રહ્યા હતા. તે દરમિયાન વીજપોલ નજીકથી પસાર થતી હાઇટેન્શન લાઇન સાથે અથડાતા જ ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કામગીરી કરતા પાંચ મજૂરોને જોરદાર વીજ કરંટ લાગતા જમીન પર ઢળી ગયા હતા.
2ના મોત
ઘટનાને લઇ ગામના આગેવાનો સહિત લોકો દોડી ગયા હતા. બાદમાં કપરાડા પોલીસના અધિકારી, વીજ કંપનીના અધિકારી સહિત કાફલો દોડી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં બે મજૂરો સુરેશ કુસનાભાઇ પવાર (ઉં.વ.45, રહે વાવર-રીઠમાળ, કપરાડા) અને સાગર આંબાદાસ સરનાયક (ઉં.વ.30, રહે. ઘરટાપાડા, વાવર, કપરાડા)ના મોત થયા હતા.
ત્રણને હોસ્પિટલમાં ખસેડાયા
જ્યારે અન્ય ત્રણ મજૂરો સુભાષ મનુભાઇ દોડકા, ભગવાન લક્ષ્મણભાઇ લાંડા અને હેમેશ ભાવુરામ સરનાયકને હોસ્પિટલમાં ખસેડાયા હતા. વીજપોલ ઉભા કરવાની કામગીરી વેળા શટડાઉન લેવાયો હતો કે કેમ?, મજૂરોની સલામતી માટે સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરાયા કે કેમ? તે સહિત સવાલો ઉભા થયા છે. આ ગંભીર મામલે નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે.




