Valsad

Gen Zમાં વધી રહી છે આધ્યાત્મિકતા? ધર્મ અંગે સવાલ ઉઠાવવો એ અશ્રદ્ધા નહીં પણ સાચી સમજણની શરૂઆત, વાપીમાં યોજાયું અનોખુ મંથન

By GS Team
26 Aug 20262 mins read
TukuTouch Logo
વાપીમાં 'સ્પંદન' સંસ્થા દ્વારા 'મોન્ક ઍન્ડ સાયન્સ' કાર્યક્રમ યોજાયો. ધાર્મિક ગુરુઓએ Gen Z યુવાનોની જિજ્ઞાસાને બિરદાવી. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી અને વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજીએ જણાવ્યું કે, યુવાનોને ઉપદેશ નહીં, પણ લોજિકલ સંવાદ અને જીવંત અનુભવ જોઈએ છે. ધર્મને વિજ્ઞાન અને તર્કથી સમજાવવાથી તે આંતરિક વિકાસનો માર્ગ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

Gen Zમાં વધી રહી છે આધ્યાત્મિકતા? ધર્મ અંગે સવાલ ઉઠાવવો એ અશ્રદ્ધા નહીં પણ સાચી સમજણની શરૂઆત, વાપીમાં યોજાયું અનોખુ મંથન

Valsad News: આજના 'Gen Z'(આધુનિક યુવા પેઢી) પાસે જ્ઞાન, ક્રિએટિવિટી અને ટૅક્નોલૉજીની અપરંપાર શક્તિ છે. પરંતુ, શું આજના યુવાનો ધર્મ અને આધ્યાત્મિકતાથી દૂર થઈ રહ્યા છે? વાપીમાં આયોજિત એક અનોખા કાર્યક્રમે આ માન્યતાને સાવ ખોટી ઠેરવી છે. યુવાનોની વિચારસરણી અને સવાલ કરવાની ટેવને ધર્મ સાથે જોડવાના હેતુથી વાપીમાં સ્પંદન સંસ્થા દ્વારા 'મોન્ક ઍન્ડ સાયન્સ' વિષય પર ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમિટમાં ઉપસ્થિત ધાર્મિક ગુરુઓએ સ્પષ્ટ સૂર ઉચ્ચાર્યો હતો કે આજના યુવાનોને ધર્મના નામે ઉપદેશ કે કમાન્ડ નથી જોઈતા, પરંતુ લોજિકલ સંવાદ અને જીવંત અનુભવ જોઈએ છે.

યુવાનો સવાલ પૂછે તો એ અશ્રદ્ધા નથી, પણ જિજ્ઞાસા છે!

કાર્યક્રમમાં ઉપસ્થિત સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી તથા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી ગોવિંદરાયજીએ યુવાનોની સાયન્ટિફિક માનસિકતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે કોઈ યુવાન ધર્મ કે પરંપરા પર સવાલ કરે છે, ત્યારે સમાજે એવું ન માનવું જોઈએ કે તેનામાં શ્રદ્ધા નથી. હકીકતમાં, આ સવાલો જ તેને ઊંડી અને સાચી શ્રદ્ધા તરફ લઈ જવાનો માર્ગ બને છે. આજના યુવાનોને જડતા કરતાં જીવંત આધ્યાત્મિક અનુભવ અને અંધ અનુસરણ કરતાં સાચી સમજણ જોઈએ છે."

સજ્જડ નિયમો નહીં, 'સાઇન્સ + સાયકોલૉજી'થી સમજાવાશે આધ્યાત્મિકતા

આજના સમયમાં જબરજસ્તી કે જક્કી વલણ અપનાવીને યુવાનો પર કોઈ પરંપરા ઠોપી શકાય નહીં. જો ધર્મ પાછળનું તત્ત્વજ્ઞાન, જીવનમાં તેની પ્રોસેસ અને માનસિક શાંતિ સાથેનો તેનો સંબંધ વિજ્ઞાન અને તર્કની ભાષામાં સમજાવવામાં આવે તો આધ્યાત્મિકતા યુવાનો માટે બોરિંગ પરંપરા નહીં, પણ સેલ્ફ-ગ્રોથ એટલે કે આંતરિક વિકાસનો મોડર્ન રસ્તો બની શકે છે.

ફેમિલી અને સોસાયટીની જવાબદારી

મહાનુભાવોએ ભારપૂર્વક જણાવ્યું કે, ટૅક્નોલૉજીથી ઘેરાયેલી નવી પેઢીમાં પોતાની જિજ્ઞાસાથી જ આધ્યાત્મિકતા પ્રત્યે રુચિ વધી રહી છે. આ જિજ્ઞાસાને યોગ્ય દિશા આપવાની શરૂઆત સૌથી પહેલાં ઘર કે પરિવારમાંથી થવી જોઈએ. જો આજના યુવાનોની ટેકનિકલ શક્તિ સાથે ભારતીય સંસ્કૃતિ અને વેદાંતનું જ્ઞાન જોડાઈ જાય, તો દેશને એક અતિ વિચારશીલ અને મૂલ્યનિષ્ઠ યુવા પેઢી મળશે.