Valsad

વલસાડના મોરદહાડ ગામે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો એ પણ એક જંગ જીતવા સમાન, તંત્રની ઉદાસીનતાથી કંટાળી ગ્રામજનોએ સ્વખર્ચે શરૂ કરી કામગીરી

By GS Team
14 Nov 20263 mins read
TukuTouch Logo
વલસાડના ધરમપુર તાલુકાના મોરદહાડ ગામના પાતાળ ફળિયામાં સ્મશાન સુધી જવા રસ્તો ન હોવાથી ગ્રામજનોએ સ્વખર્ચે રસ્તો બનાવ્યો છે. તંત્રની બેદરકારીથી કંટાળી ગ્રામજનોએ ફાળો ઉઘરાવી JCB મશીન ભાડે રાખી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરી છે. આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડના મોરદહાડ ગામે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો એ પણ એક જંગ જીતવા સમાન, તંત્રની ઉદાસીનતાથી કંટાળી ગ્રામજનોએ સ્વખર્ચે શરૂ કરી કામગીરી

Valsad News : એક તરફ સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે મોટી-મોટી વાતો અને લોકહિતની યોજનાઓના દાવા કરે છે, પરંતુ જમીની હકીકત આ દાવાઓની પોલ ખોલી નાખતી હોય છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોરદહાડ ગામેથી વિકાસના મોટા દાવાઓની વાસ્તવિકતા છતી કરતી એક અત્યંત શરમજનક અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીંના પાતાળ ફળિયામાં સ્મશાનભૂમિ સુધી જવા માટેનો પાકો કે કાચો રસ્તો પણ ન હોવાથી આખરે ગામલોકોએ તંત્રની લાપરવાહી સામે બળવો પોકારીને સ્વખર્ચે રસ્તો બનાવવાની અનોખી અને મજબૂર પહેલ હાથ ધરી છે.

મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો એ પણ એક જંગ જીતવા સમાન

ધરમપુર તાલુકાના મોરદહાડ ગામના પાતાળ ફળિયામાં ગ્રામજનોના સ્વજનોના અવસાન બાદ તેમની અંતિમવિધિ કરવા માટે સ્મશાનભૂમિ આવેલી છે. પરંતુ કમનસીબી એ છે કે આ સ્મશાનભૂમિ સુધી પહોંચવા માટે આજદિન સુધી કોઈ યોગ્ય રસ્તો બનાવવામાં આવ્યો નથી. ગામમાં જ્યારે પણ કોઈ દુર્ઘટના કે વડીલનું અવસાન થાય છે, ત્યારે શોકમગ્ન પરિવારજનો અને સગા-સંબંધીઓએ મૃતદેહને કાચા રસ્તા, ખાડા-ટેકરા અને ઝાડી-ઝાંખરામાંથી પાર કરીને સ્મશાન સુધી લઈ જવો પડે છે. ચોમાસાની ઋતુમાં તો આ સ્થિતિ વધુ વિકટ બની જાય છે, જ્યાં કીચડ અને પાણી ભરાવાના કારણે અંતિમયાત્રા કાઢવી એ મૃતકના પરિવારજનો માટે અસહ્ય પીડા સમાન બની જાય છે.

વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને નેતાઓની ઘોર બેદરકારી

ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેક વખત સ્થાનિક ગ્રામ પંચાયત, વહીવટી તંત્ર, જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને રૂબરૂ અને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. માત્ર સ્મશાનભૂમિનો રસ્તો જ નહીં, પરંતુ ગામમાં પીવાના પાણી માટે બોર સહિતની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે પણ આજીજી કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી વખતે મોટા-મોટા વાયદાઓ કરનાર નેતાઓ અને અધિકારીઓ દ્વારા આ મામલે માત્ર 'ઘોર અસહકાર' અને લાંબી ચૂપકીદી જ દાખવવામાં આવી હતી. કોઈ પણ સત્તાધીશ કે પંચાયતના પદાધિકારીએ આ ગંભીર સમસ્યા તરફ ધ્યાન આપવાની તસ્દી સુદ્ધાં લીધી ન હતી.

આખરે ગ્રામજનોએ જાતે જ કમર કસી, ફાળો એકત્ર કરી શરૂ કરી કામગીરી

તંત્ર અને નેતાઓની લાંબી ઉદાસીનતા અને ખાતરીઓથી નિરાશ થઈ ગયેલા મોરદહાડ ગામના આદિવાસી પરિવારોએ હવે લાચાર બની બેસી રહેવાને બદલે જાતે જ પોતાના પ્રશ્નનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું હતું. ગ્રામજનોએ એકબીજાના સહયોગથી ફાળો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ગામના યુવાનો અને વડીલોએ મળીને અંદાજે રૂ. 9 હજારથી વધુનો લોકફાળો ભેગો કર્યો હતો અને ખાનગી ધોરણે જેસીબી મશીન ભાડે મગાવીને સ્મશાનભૂમિ સુધીનો રસ્તો સાફ કરી માર્ગ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો.

મહિલાઓ પણ શ્રમદાનમાં જોડાઈ

આ કામગીરી દરમિયાન ગામના યુવાનોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉત્સાહભેર જોડાઈ હતી અને શ્રમદાન કરી સહયોગ આપ્યો હતો. ગામલોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અશરુસભર નયને અંતિમયાત્રા કાઢવાની હોય છે, પરંતુ રસ્તાના અભાવે અમારે મૃતદેહને ઊંચકીને લઈ જવામાં નવનેજા પાણી આવી જાય છે. સરકાર કરોડો રૂપિયાના વિકાસના બણગા ફૂંકે છે, પરંતુ અમારા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં સાદી સ્મશાનની વાટ પણ નથી મળતી. તંત્રના પાપે અમારે જાતે પૈસા ભેગા કરીને રસ્તો બનાવવો પડે, તેનાથી શરમજનક બીજું શું હોઈ શકે?

મોરદહાડ ગામના આદિવાસીઓની આ આપવીતીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અને નેતાઓની પોકળ વિકાસની વાતોનો પર્દાફાશ કરી દીધો છે.