વલસાડમાં મેઘતાંડવ: ઔરંગા અને સ્વર્ગવાહિની નદીઓ ઓવરફ્લો; 12,754 લોકોનું સ્થળાંતર, 352 નાગરિકોનું રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain In Valsad: વલસાડ જિલ્લામાં પવનના સુસવાટા સાથે પડી રહેલા મુશળધાર વરસાદને પગલે દિવસભર ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ કટોકટી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
12,754 લોકો શેલ્ટર હોમમાં ખસેડાયા
વલસાડ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ છે. જેમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા અંદાજે 12,754 લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના રહેવા અને જમવા સહિતની તમામ સુવિધાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી.

નદીઓ અને તળાવ ઓવરફ્લો, NDRF-SDRF તૈનાત
વલસાડની ઔરંગા નદી અને ધરમપુરની સ્વર્ગવાહિની નદી ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. આ ઉપરાંત વલસાડ શહેરનું હાલરનું તળાવ પણ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી.
પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા વિવિધ તાલુકાઓમાં પાણી વચ્ચે ફસાયેલા 352 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ કપરી સ્થિતિમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ પણ મદદે આવી હતી, જેમની તરફથી 300 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
6 વૃક્ષો ધરાશાયી, 18 પશુઓના મોત
ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે 6 જેટલા મોટા વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો, જેને વન વિભાગની ટીમે તાત્કાલિક ટ્રી કટિંગ હાથ ધરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. કુદરતી આફતમાં ગુરુવારે(23 જુલાઈ) 18 પશુઓના મોત નીપજ્યા છે. આ સિવાય 27 કાચા મકાન, 11 પાકા મકાન અને 1 કેટલ શેડને નુકસાન પહોંચ્યું છે.
નાનાપોંઢામાં પૂરના પાણીમાં બસ ફસાઈ, 35 મુસાફરોનુ રેસ્ક્યૂ
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં કોપરલી ગામે મુસાફરો ભરેલી ખાનગી બસ પૂરના પાણીમાં ફસાય જતા તમામ 35 મુસાફરોને NDRF ટીમ દ્વારા રેસક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
હિંગળાજ ગામે 20થી 25 લોકોને બચાવાયા
વલસાડના હિંગળાજ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં ફસાયેલા 20થી 25 લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું. પાણીમાં ફસાયેલા લોકોને બોટ મારફતે સુરક્ષિત સ્થળે ખસેડાતા સૌએ રાહતના શ્વાસ લીધા હતા.
વાપીમાં હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન
વલસાડ જિલ્લામાં પૂરના સ્થિતિ ગંભીર બનતા જ્યાં NDRFની બોટ પણ પહોંચી શકે તેમ નથી તેવા વિસ્તારો માટે તંત્ર દ્વારા દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે. હેલિકોપ્ટર મારફતે સૌથી પહેલું રેસ્ક્યૂ વાપીના સલવાવ ખાતે હ્યુન્ડાઈ શો-રૂમ નજીક કરવામાં આવ્યું હતું. અહીં એક યુવક ગઈકાલથી જ પોતાનો જીવ બચાવવા ઈલેક્ટ્રિક વીજ પોલ પર ચડીને તંત્રની રાહ જોઈ રહ્યો હતો. વાપી મામલતદાર કે.પી. કટારીયાની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલા આ ઓપરેશનમાં યુવકને સહીસલામત એરલિફ્ટ કરી લેવાયો હતો.

ખેડામાં અમદાવાદના એક પરિવારની કાર ગરનાળામાં ખાબકી, 4ના મોત
ખેડામાં ધોધમાર વરસાદી માહોલ વચ્ચે માર્ગ અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના એક પરિવારની કાર બેકાબૂ થતાં ગરનાળામાં ખાબકી હતી. કારમાં સવાર કુલ 6 લોકો માંથી 4ના મોત નીપજ્યા હોવાનું જણાય છે. જ્યારે 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસિ્પટલ ખસેડવામાં આવ્યા હતા.









