ધરમપુરની નિવૃત્ત શિક્ષિકા પાસે સાણંદના ચાર શખ્સોએ 180 તોલા દાગીના મેળવી 62 તોલા પચાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : વલસાડ જિલ્લાના નિવૃત્ત શિક્ષિકા સાથે સામાજિક સંબંધોનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરવાનો કિસ્સો બહાર આવ્યો છે. સાણંદના ભૂતપૂર્વ વિદ્યાર્થીનીના લગ્ન પ્રસંગમાં સામાજિક રિતરિવાજો, શોભા અને માન-સન્માન જાળવવા શિક્ષિકા પાસે 180 તોલા સોના દાગીના લીધા બાદ 118 તોલા પરત કર્યા હતા. જો કે ચાર શખ્સોએ 62 તોલા દાગીના પચાવી ફાયનાન્સ કંપનીમાં ગીરો મુકી લોન લઇ લીધી હતી. કોર્ટના આદેશ બાદ ગુનો નોંધાયો છે.
ધરમપુરના હાથીખાના વિસ્તારમાં આવેલ શ્રીજી નિવાસમાં રહેતા 53 વર્ષીય ભારતીબેન ભીખુભાઈ પટેલ અગાઉ વર્ષ 1999માં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોડડ ગામ ખાતે આવેલી સ્વામિનારાયણ ગુરુકુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે શાળામાં અભ્યાસ કરતા સાણંદના જુડા ગામની આરજુ અને ચાઇના નામની વિદ્યાર્થીની મારફતે તેમના પિતા દિનેશભાઈ વાલાભાઈ ગલીયા સાથે પારિવારિક સંબંધો બંધાયા હતા. વર્ષ 2018-19માં ચાઇનાના લગ્ન થયા બાદ દીકરીને સાસરે વળાવતી વખતે સમાજમાં દાગીના બતાવવાના રિવાજનો હવાલો આપી દિનેશભાઈ ગલીયાએ ભારતીબેન પાસે સોનાના દાગીનાની માંગણી કરી હતી. ગત તા.25-07-2020ના રોજ દિનેશભાઈ ગલીયા, શંકરભાઈ ભીમાભાઈ રબારી, આરજુ અને ચાઇના ફોર્ચ્યુનર કાર (નં.જીજે-01-એચવી-1611)માં ધરમપુર ભારતીબેનના ઘરે આવ્યા હતા. પરિવારની હાજરીમાં ભારતીબેને સોનાના દાગીના બતાવતાં કુલ 180 તોલા સોનાના અલગ-અલગ દાગીના અને સોનાના 2 બિસ્કિટ સાદા કાગળ પર સહી કરીને મેળવી લીધા હતા.
પ્રસંગ પૂરો થયા બાદ ભારતીબેને અવારનવાર માંગણી કરવા છતાં આરોપીઓએ ટુકડે-ટુકડે માત્ર 118 તોલા સોનું જ સાણંદ હાઇવે પર એક હોટલ ખાતે પરત આપ્યું હતું. જ્યારે બાકી નીકળતું 62 તોલા સોનું અને 2 સોનાના બિસ્કિટ પરત આપવા બાબતે ઉડાવ જવાબો આપ્યા હતા. ભારતીબેને તપાસ કરતાં શંકર રબારી 62 તોલા સોનું આઇઆઇએફએલ ફાઇનાન્સ કંપનીમાં ગીરો મૂકીને લોન લઈ લીધી હતી. ભારતીબેને વારંવાર માંગણી કરવા છતાં સોનું પરત ન મળતાં અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં ભારતીબેન પટેલે ધરમપુર નામદાર કોર્ટમાં ઘા નાંખી હતી. કોર્ટે આ મામલે ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેને પગલે ધરમપુર પોલીસે ચારેય આરોપી દિનેશભાઈ વાલાભાઈ ગલીયા, આરજુ દિનેશભાઈ ગલીયા, ચાઇના દિનેશભાઈ ગલીયા (તમામ રહે. જુડા, સાણંદ, અમદાવાદ) અને શંકરભાઈ ભીમાભાઈ રબારી (રહે. વડગાસ, વિરમગામ, અમદાવાદ) સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.









