Valsad

વિધાનસભા લડી ચુકેલા દિગ્ગજ નેતાની ગાડીમાંથી દારૂ મળી આવતા ચકચાર, પોલીસે ધરપકડ કરી

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
વલસાડના ધરમપુર તાલુકા પંચાયત મહિલા સભ્યના પતિ અને માજી તા.પં. સભ્ય કલ્પેશ પટેલ દમણથી દારૂની 3 બોટલ સાથે ઝડપાયા. પારડીની કલસર ચેકપોસ્ટ પરથી પોલીસે GJ-01-CB-3771 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી દારૂ જપ્ત કરી, કલ્પેશ પટેલ સહિત 3 આરોપીઓની નશાની હાલતમાં ધરપકડ કરી. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિધાનસભા લડી ચુકેલા દિગ્ગજ નેતાની ગાડીમાંથી દારૂ મળી આવતા ચકચાર, પોલીસે ધરપકડ કરી

Valsad News : વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયતના મહિલા સભ્યના પતિ અને માજી તાલુકા પંચાયત સભ્ય દારૂના જથ્થા સાથે પોલીસના હાથે ઝડપાઈ જતા ભારે ચકચાર મચી ગઈ છે. પારડીની કલસર ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ કારમાં દારૂ લઈને દમણથી પરત ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

કલસર ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી

પ્રાપ્ત વિગતો અનુસાર, ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય સુનિતાબેન પટેલના પતિ અને માજી તા.પં. સભ્ય કલ્પેશ પટેલ પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર (GJ-01-CB-3771)માં બે મિત્રો સાથે દમણ ગયા હતા. દમણથી પરત ધરમપુર તરફ જતી વેળાએ પારડીની કલસર ચેકપોસ્ટ પર પોલીસે શંકાના આધારે આ કારને અટકાવી હતી. પોલીસે કારની તલાશી લેતા અંદરથી દારૂની 3 બોટલ મળી આવી હતી, જેને પોલીસે તુરંત જપ્ત કરી લીધી હતી.

ત્રણેય આરોપીઓ નશાની હાલતમાં ઝડપાયા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કલ્પેશ પટેલ સહિત કારમાં સવાર ત્રણેય શખ્સો દારૂ પીધેલી (નશાની) હાલતમાં હતા. પોલીસે દારૂ અને કાર કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં કલ્પેશ અમૃતભાઈ પટેલ (રહે. મોટી ઢોલડુંગરી, ધરમપુર - માજી તા.પં. સભ્ય), હેમંતકુમાર પટેલ (કારચાલક), કુલદીપસિંહ પઢિયારનો સમાવેશ થાય છે.

વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા નેતા સામે ગુનો નોંધાતા ચર્ચા

મહિલા સભ્યના પતિ અને માજી તા.પં. સભ્ય સામે દારૂબંધીના રાજ્યમાં આ પ્રકારે દારૂ સાથે પકડાવાના કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આરોપી કલ્પેશ પટેલે પણ ઉમેદવારી કરી હતી. જેમાં તેનો પરાજય થયો હતો. હાલ પોલીસે આ મામલે આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.