India

હવામાનનો મિજાજ બદલાયો, 28 રાજ્યોમાં વરસાદથી લઈને હિમવર્ષા સુધીનું ઍલર્ટ, ગુજરાતને રાહત

By GS Team
6 Oct 20264 mins read
TukuTouch Logo
IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 7 ઑક્ટોબરથી ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતમાં હવામાન પલટાશે. દિલ્હી-NCR, હિમાચલ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ UPમાં 40-60 કિમી/કલાકની ઝડપે પવન અને વરસાદની શક્યતા છે. બિહાર, પૂર્વી MP, છત્તીસગઢમાં પણ તોફાની પવન અને વીજળી સાથે વરસાદની ચેતવણી છે. જોકે, ગુજરાતમાં ચોમાસાની વિદાય થતા 7થી 12 ઑક્ટોબર સુધી વરસાદની કોઈ શક્યતા નથી, હવામાન શુષ્ક રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવામાનનો મિજાજ બદલાયો, 28 રાજ્યોમાં વરસાદથી લઈને હિમવર્ષા સુધીનું ઍલર્ટ, ગુજરાતને રાહત

IMD Weather Alert : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આવતીકાલે 7 ઑક્ટોબરથી દેશના ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ(IMD) અનુસાર દિલ્હી-NCR, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આવતીકાલે 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન, ગાજવીજ અને વરસાદનું જોખમ છે. પૂર્વ ભારતમાં બિહાર અને મધ્ય ભારતમાં પૂર્વી મધ્ય પ્રદેશ તથા છત્તીસગઢમાં તોફાની પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી હોવાથી આવતીકાલથી રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને હવામાન મોટેભાગે શુષ્ક રહેશે.

ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્, બપોરે ગરમી અને બફારો વધશે

ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં વરસાદ લાવે તેવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. આવતીકાલે 7 ઑક્ટોબરથી લઈને 12 ઑક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં હવામાન મોટેભાગે કોરું અને શુષ્ક રહેશે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર વરસાદ સ્વરૂપે કોઈ અસર જોવા મળશે નહીં. સવારના અને મોડી રાતના સમયે વાતાવરણમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ બપોરે સૂર્યના આકરા તાપ અને ભેજને કારણે લોકોને ગરમી તથા ઉકળાટ સહન કરવો પડશે.

દિલ્હી-NCRમાં આવતીકાલે વાદળછાયું આકાશ, પવનની દિશા બદલાશે

દિલ્હી અને આસપાસના NCR વિસ્તારોમાં આવતીકાલે 7 ઑક્ટોબરે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. મહત્તમ તાપમાન 33°Cથી 35°C અને લઘુતમ તાપમાન 21°Cથી 23°C વચ્ચે રહેવાનો અંદાજ છે, જે સામાન્ય આસપાસ છે. દિવસ દરમિયાન હવાની દિશા ઉત્તર-પશ્ચિમથી દક્ષિણ-પૂર્વ તરફ બદલાશે અને પવનની ઝડપ 15થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ તેમજ હિમવર્ષાની ચેતવણી

પહાડી વિસ્તારોમાં આવતીકાલથી હવામાન વધુ તોફાની બનશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદાખના ઊંચાણવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષા અને અન્ય ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અહીં પવનની ઝડપ 40થી 50 કિલોમીટરથી વધીને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના પગલે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

ઉત્તરાખંડમાં પશ્ચિમી વિક્ષોભથી વાતાવરણ પલટાશે, યલો ઍલર્ટ જારી

ચોમાસું પૂરું થયા બાદ ઉત્તરાખંડમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન ફરી પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ વરસવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને ખુલ્લા અને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ

મેદાની વિસ્તારો પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આવતીકાલે 7 ઑક્ટોબરથી 12 ઑક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ અને તેજ પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.

ઉત્તર પ્રદેશમાં પશ્ચિમથી પૂર્વ સુધી વરસાદી પવન ફૂંકાશે

પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં આવતીકાલે જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાશે. આ સાથે પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ વાદળોની ગર્જના સાથે હળવા ઝાપટાં પડી શકે છે. સમગ્ર રાજ્યમાં 12 ઑક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે.

બિહાર અને ઝારખંડમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

બિહારમાં આવતીકાલે 7 ઑક્ટોબરે આકાશમાં વીજળીના કડાકા સાથે 40થી 50 કિલોમીટર અને કેટલાક સ્થળોએ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ 8 અને 9 ઑક્ટોબરે પવનની ઝડપ 30થી 50 કિમી સુધી રહેશે. ઝારખંડમાં પણ 9 ઑક્ટોબર સુધી 30થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે.

પશ્ચિમ બંગાળ, ઓડિશા અને સિક્કિમમાં આગામી પાંચ દિવસ વરસાદ

કોલકાતા હવામાન કેન્દ્ર મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલુ હોવા છતાં આગામી 5 દિવસ પશ્ચિમ બંગાળમાં વરસાદી ગતિવિધિ જારી રહેશે. ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગંગાના મેદાની વિસ્તારો, ઓડિશા અને સિક્કિમમાં 30 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી અને તોફાનનું જોખમ

પૂર્વી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આવતીકાલે 7 ઑક્ટોબરે હવામાન તોફાની બની શકે છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે વીજળી પડવાની આશંકા દર્શાવી છે, જેના કારણે સ્થાનિક લોકોને ખરાબ હવામાન દરમિયાન સતર્ક રહેવા જણાવાયું છે.

રાજસ્થાનમાં વીકેન્ડમાં વરસાદની શક્યતા

રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં આગામી 3થી 4 દિવસ હવામાન મોટેભાગે સૂકું રહેશે. જોકે સપ્તાહના અંતે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાથી 10થી 12 ઑક્ટોબર દરમિયાન બીકાનેર વિભાગ અને શેખાવટી પંથકમાં વાદળો ઘેરાશે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડશે.

દક્ષિણ ભારત, પૂર્વોત્તર રાજ્યો અને ટાપુઓમાં વરસાદની શક્યતા

આવતીકાલે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા તેમજ અંદમાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, પુડુચેરી તેમજ મહારાષ્ટ્રના કોંકણ અને ગોવા પંથકમાં પણ પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.