India

FD પર હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે બેન્કો મનમાની રીતે વ્યાજ ઘટાડી નહીં શકે

By GS Team
6 Oct 20263 mins read
TukuTouch Logo
દિલ્હી હાઈકોર્ટે બેંકોને FD પર વ્યાજ દર મનસ્વી રીતે ઘટાડવા સામે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, જો FD કોર્ટના આદેશ પર બની હોય, તો બેંક યોગ્ય કારણ વિના તેના વ્યાજ દરમાં ઘટાડો કરી શકશે નહીં. આ નિર્ણય 5.89 કરોડની FD ના કેસમાં આવ્યો છે, જ્યાં બેંકે વ્યાજ 7.75% થી ઘટાડીને 3.5% કર્યું હતું. હાઈકોર્ટે બેંકની અપીલ ફગાવી વધુ વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FD પર હાઈકોર્ટનો મોટો નિર્ણય, હવે બેન્કો મનમાની રીતે વ્યાજ ઘટાડી નહીં શકે

Delhi High Court FD Interest Rate Ruling: દિલ્હી હાઈકોર્ટે ફિક્સ ડિપોઝિટ (FD) ને લઈને એક મોટો નિર્ણય લીધો છે, જેને લઈને હવે બેંકો મનસ્વી રીતે FD પર વ્યાજ દર ઘટાડી શકશે નહીં. આ નિર્ણય અનુસાર બેંકોએ આવું કરવા માટે યોગ્ય અને માન્ય કારણ આપવું પડશે. દિલ્હી હાઈકોર્ટે આ નિર્ણય FD પર મળતા વ્યાજને લઈને આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ FD કોર્ટના આદેશ પર બનાવવામાં આવી હોય, તો બેંક તેના પર મળતા વ્યાજને પોતાની મરજીથી ઘટાડી શકે નહીં. વ્યાજ ઓછું કરવા માટે બેંક પાસે યોગ્ય કારણ હોવું જરૂરી છે. આ મામલો 5.89 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટનો છે. હીરો એક્સપોર્ટ્સ અને ટિફિન્સ બેરીટ્સ, એસ્બેસ્ટોસ એન્ડ પેઇન્ટ્સ લિમિટેડ વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન કોર્ટના આદેશથી આ FD બનાવવામાં આવી હતી. જેને લઈને નાટવેસ્ટ માર્કેટ્સ PLC (NatWest Markets PLC) એ કોર્ટમાં અપીલ કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

આ મામલો બેંક દ્વારા મનસ્વી રીતે વ્યાજ દર ઘટાડવાનો છે. હીરો એક્સપોર્ટ્સ અને ટિફિન્સ બેરીટ્સ વચ્ચેના વિવાદના કારણે, જુલાઈ 2008 માં હાઈકોર્ટે ટિફિન્સ બેરીટ્સના બેંક ખાતામાં રહેલા 8.5 કરોડ રૂપિયા સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. જેમાંથી 5.89 કરોડ રૂપિયા ABN એમ્બ્રો બેંકમાં હતા. બાદમાં આ બેંક રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ અને પછી નાટવેસ્ટ માર્કેટ્સ PLC બની ગઈ હતી.ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો હતો કે, 5.89 કરોડ રૂપિયાને એવી FD માં રાખવામાં આવે જેમાં તે સમયે ઉપલબ્ધ સૌથી વધુ વ્યાજ દર મળતો હોય. પરંતુ બાદમાં બેંકે પોતાની મરજીથી FD પરના વ્યાજ દરો ઘટાડી દીધા હતા.

બેંકે વ્યાજ દર ઘટાડ્યો
શરૂઆતમાં આ FD પર 7.75%, ત્યારબાદ 8.25% અને ફરીથી 7.75% વ્યાજ મળતું રહ્યું. પરંતુ 30 જાન્યુઆરી 2018 થી બેંકે વ્યાજ દર ઘટાડીને 3.5% કરી દીધો. હીરો એક્સપોર્ટ્સ દ્વારા વ્યાજ દરમાં કરાયેલા આ ઘટાડાનો વિરોધ કરવામાં આવ્યો અને કોર્ટમાં મામલો ઉઠાવવામાં આવ્યો. ત્યારબાદ મે 2019 માં હાઈકોર્ટના સિંગલ જજની બેંચે બેંકને આખી રકમ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જમા કરાવવાનો આદેશ આપ્યો. સાથે જ કોર્ટે કહ્યું કે 30 જાન્યુઆરી 2018 થી મળતા વ્યાજની ગણતરી છેલ્લા ત્રણ વર્ષમાં લાગુ રહેલા સરેરાશ વ્યાજ દરના આધારે કરવામાં આવે. ત્યારબાદ નાટવેસ્ટે આ ચુકાદાને હાઈકોર્ટની બે જજોની બેંચ સમક્ષ પડકાર્યો હતો.

બેંકે આપી સ્પષ્ટતા
નાટવેસ્ટે પોતાની સ્પષ્ટતા આપતાં કહ્યું કે, RBI ના નિયમો હેઠળ કોમર્શિયલ બેંકોને ડોમેસ્ટિક ટર્મ ડિપોઝિટ એટલે કે FD ના વ્યાજ દર નક્કી કરવાની સ્વતંત્રતા છે. બેંકે એવું પણ કહ્યું કે જો FD ની મુદત પૂરી થઈ જાય અને તેને ફરીથી લંબાવવામાં ન આવે, તો તે પછી તે રકમ પર સેવિંગ્સ એકાઉન્ટનો વ્યાજ દર મળી શકે છે. પરંતુ હાઈકોર્ટે બેંકની આ દલીલો સ્વીકારી ન હતી.

હાઈકોર્ટનો ચુકાદો
જ્યારે આ મામલો બે જજોની બેંચ સમક્ષ આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, સિંગલ જજના નિર્ણયમાં કોઈ કાનૂની કે તથ્યાત્મક ભૂલ નથી. આ જ આધારે જસ્ટિસ અવનીશ ઝિંગન અને જસ્ટિસ શૈલ જૈનની બેંચે નાટવેસ્ટની અપીલ ફગાવી દીધી હતી. કોર્ટે બેંકને નિર્દેશ આપ્યો હતો કે 5.89 કરોડ રૂપિયાની FD પર વધુ વ્યાજ આપવું પડશે.