Valsad

પાવરગ્રીડ વિજ લાઈનથી પ્રભાવિત ખેડૂતોના વળતર મુદ્દે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
વલસાડના નાનાપોંઢા અને કપરાડા તાલુકામાંથી પસાર થતી પાવરગ્રીડની લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને સુધારેલા પરિપત્ર મુજબ વળતર ન મળતાં રોષ વ્યાપ્યો છે. કાજલી ગ્રામ પંચાયતના સરપંચ અને લોકોએ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાવરગ્રીડ કંપની સામે રજૂઆત કરી છે. ખેડૂતો 200 ટકા વળતર અને નુકસાન ભરપાઈની માગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાવરગ્રીડ વિજ લાઈનથી પ્રભાવિત ખેડૂતોના વળતર મુદ્દે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Valsad News : વલસાડ જિલ્લાના નાનાપોંઢા અને કપરાડા તાલુકા વિસ્તારમાંથી પસાર થતી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની સ્વાન્શિન વિશ્વ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકારના સુધારેલા પરિપત્ર મુજબ વળતર ન મળતાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આ અંગે કાજલી ગ્રામ પંચાયતના સરપંચ અને લોકોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાવરગ્રીડ કંપની સામે રજૂઆત કરવામાં આવી છે અને ખેડુતોને ન્યાય અપાવવા માંગ કરાઈ છે.
નાનાપોંઢા તાલુકાના કાજલી પંચાયતના સરપંચ અને લોકોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 04-07-2026 બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ વિજ ટાવર-પોલના કેચમેન્ટ એરિયા (ચારેય બાજુ 1-1 મીટર વધારાનો વિસ્તાર) માટે જમીનની વર્તમાન બજાર કિંમતનું 200 ટકા વળતર અને રાઈટ ઓફ વે કોરિડોર માટે પણ સુધારેલા દરો મુજબ વળતર ચૂકવવાની જોગવાઈ છે. પરંતુ પાવરગ્રીડ કંપનીના અધિકારીઓ આ નવો પરિપત્ર પોતાને લાગુ પડતો નથી તેમ કહી ખેડૂતોને પૂરેપૂરું વળતર આપવાનો ઈન્કાર કરી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાઈટેન્શન લાઈન પસાર થવાના કારણે ખેડૂતો પોતાની જમીન પર કાયમી ધોરણે બાંધકામ, સબ-પ્લોટિંગ કે આંબાની કલમ બનાવી શકતા નથી, જેનાથી જમીનની કિંમતમાં કાયમી ઘટાડો થયો છે. આ ઉપરાંત, વીજ લાઈન નાખતી વખતે ખેડૂતોના 20 વર્ષ જૂના સાગના કિંમતી ઝાડ, બાગાયતી પાક, બોરવેલ અને સિંચાઈ પદ્ધતિઓને મોટું નુકસાન થયું છે, જેનું 100% મૂલ્યાંકન કરી હજુ સુધી ચૂકવણું કરાયું નથી. વળી, ચોમાસા દરમિયાન વીજ લાઈન નીચે શોર્ટ સર્કિટ અને કરંટ લાગવાના ભયથી ખેડૂતો, ખેતમજુરો અને પશુઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
કામગીરી દરમિયાન પાવરગ્રીડ કંપનીના ભારે મશીનરી અને વાહનોની અવરજવરથી ગ્રામ પંચાયત હસ્તકના ડામર રસ્તાઓ તૂટી ગયા છે. કંપનીએ આ રસ્તાઓ રીપેર કરી આપવાની બાંહેધરી આપી હોવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી કે નુક્સાનીનું વળતર અપાયું નથી. આ ઉપરાંત સરકારી નિયમ મુજબ પાવરગ્રીડ કંપની દ્વારા ગામમાં સીએસઆર ફંડ હેઠળ કરવા પાત્ર લોકઉપયોગી વિકાસ કાર્યો પણ કરવામાં આવ્યા નથી. આ તમામ મુદ્દે તાત્કાલિક યોગ્ય નિકાલ લાવી ખેડૂતોને યોગ્ય વળતર અપાવવામાં આવે એવી માંગ કરી છે.