પારડી-નાસિક હાઇવે પર કરપાડાના સુથારપાડામાં લકઝરી બસ 30 ફૂટ ઉડી ખીણમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત : 25 મુસાફરોને ઇજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad Bus Accident : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામની સીમમાં નાશિકથી અમદાવાદ મુસાફર ભરી જતી બસ 30 ફૂટ ઉડી ખીણમાં લકઝરી બસ ખાબકતા ગમખ્વાર અકસ્માત થયો હતો. ગામલોકો અને પોલીસ દોડી ગયા બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢયા હતા. 25થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ચાર મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રના નાસિકથી અમદાવાદ મુસાફરો ભરી જતી લક્ઝરી બસ (નં.એઆર-01-વી-1006) વલસાડ જિલ્લાના કપરાડા પંથકમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે સુથારપાડા ગામ પાસે આવેલા એક અત્યંત ખતરનાક અને ભયાનક યુ-ટર્ન પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અનિયંત્રિત થઈને રોડની બાજુમાં આવેલી આશરે 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. વ્હીકલમાં ફસાયેલા અને દબાઈ ગયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવી હતી. અંધકાર અને કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રામજનોએ માનવતાની મહેક ફેલાવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા.
તંત્રની ત્વરિત કામગીરી
અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો અને 7 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બસમાં સવાર આશરે 25 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેમાંથી 4 મુસાફરોને ગંભીર ઈજાઓ થતા તેઓને વધુ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. આ જ સ્થળ પર અગાઉ પણ સમયાંતરે અકસ્માતના બનાવો બન્યા હતા.




