દર મહિને મળતી મિનિમમ પેન્શનમાં થશે સીધો 3 ગણો વધારો? ગીરમાં EPFOની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO Minimum Pension Increase : નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ મળતા લઘુત્તમ માસિક પેન્શનમાં ત્રણ ગણો વધારો કરવાની વિચારણા થઈ શકે છે. હાલમાં પેન્શનર્સને ઓછામાં ઓછા 1,000 રૂપિયા પેન્શન મળે છે, જેને વધારીને 3,000 રૂપિયા કરવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક 19 નવેમ્બરે ગુજરાતના ગીરમાં યોજાવાની છે. આ બેઠકમાં લઘુત્તમ માસિક પેન્શન વધારવાના મુદ્દે ચર્ચા થઈ શકે છે. જોકે, પેન્શનમાં વધારો કરવાનો અંતિમ નિર્ણય લેવાયો નથી. એક અહેવાલ પ્રમાણે દેશમાં આશરે 81.48 લાખ પેન્શનર્સ છે, જેમને આ નિર્ણયથી લાભ થઈ શકે છે.
12 વર્ષથી પેન્શનમાં વધારો થયો નથી
EPFOની લઘુત્તમ પેન્શનમાં છેલ્લે વર્ષ 2014માં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે લઘુત્તમ પેન્શન 250 રૂપિયાથી વધારીને 1,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. સાથે જ વેતન મર્યાદા પણ 6,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી. તે સમયે આશરે 80 ટકા પેન્શનર્સને 1,000 રૂપિયાથી ઓછી પેન્શન મળતી હતી. હવે લઘુત્તમ વેતન મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાની ચર્ચા વચ્ચે પેન્શનની રકમમાં પણ વધારો કરવાની માગ તેજ બની છે. ટ્રેડ યુનિયનો લાંબા સમયથી લઘુત્તમ પેન્શન વધારવાની માગ કરી રહ્યાં છે.
કર્મચારી અને કંપની કેટલું PF જમા કરાવે છે?
ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારીઓના PF ખાતામાં કર્મચારી અને કંપની બંને મૂળ પગારના 12-12 ટકા યોગદાન આપે છે. કંપનીના 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા રકમ કર્મચારી પેન્શન યોજના (EPS)માં જમા થાય છે, જ્યારે બાકીના 3.67 ટકા PF ખાતામાં જાય છે. નવી વેતન મર્યાદા 25,000 રૂપિયા પ્રમાણે EPSમાં કંપનીનું મહત્તમ માસિક યોગદાન આશરે 2,083 રૂપિયા થાય છે. કર્મચારીનો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું મળીને 50,000 રૂપિયા હોય તો પણ યોગદાનની ગણતરી 25,000 રૂપિયાની વેતન મર્યાદા પ્રમાણે કરવામાં આવે છે.
આ રીતે થાય છે પેન્શનની ગણતરી
EPFO પેન્શનની ગણતરી માટે એક નિશ્ચિત ફોર્મ્યુલા છે. તેમાં પેન્શનપાત્ર પગારને પેન્શનપાત્ર નોકરીના વર્ષો સાથે ગુણાકાર કરીને 70 વડે ભાગવામાં આવે છે.
પેન્શનનું ફોર્મ્યુલા:
પેન્શન = (પેન્શનપાત્ર પગાર × પેન્શનપાત્ર નોકરીનાં વર્ષ) ÷ 70
પેન્શનપાત્ર પગાર એટલે નોકરીના છેલ્લા 60 મહિનાના સરેરાશ પગારની ગણતરી. EPFO હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછાં 10 વર્ષનું યોગદાન જરૂરી છે.
ઉદાહરણ તરીકે, કોઈ કર્મચારીનો પેન્શનપાત્ર પગાર 15,000 રૂપિયા હોય અને તેણે 10 વર્ષ નોકરી કરી હોય તો ફોર્મ્યુલા પ્રમાણે તેની માસિક પેન્શન આશરે 2,143 રૂપિયા થાય છે.




