વધતા જતાં ફુગાવાનો સામનો કરવા SIP શ્રેષ્ઠ વિકલ્પ, છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 13 ટકા રિટર્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mutual Fund Seminar: ગુજરાત સમાચાર અને આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી વડોદરાની ગ્રાન્ડ મરક્યોર સૂર્યા પેલેસ હોટલ ખાતે મ્યુચ્યુઅલ ફંડ રોકાણને લગતી સચોટ અને અસરકારક માહિતી માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું હતું.
SIPમાં છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 13 ટકા રિટર્ન મળ્યું
જેમાં આદિત્ય બિરલા સન લાઇફના ઇન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ ડિસ્ટ્રિબ્યુટર ડેવલપમેન્ટના ઝોનલ હેડ શૈલેન્દ્ર દીક્ષિતે કહ્યું હતું કે, નાના રોકાણકારો માટે ફુગાવાનો સામનો કરવા ઓટો એસેટ એલોકેશનની સાથે એસઆઇપી શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણકે છેલ્લા 10 વર્ષમાં એસઆઇપીમાં રોકાણ કરનારાને સરેરાશ 13 ટકા રિટર્ન મળ્યું છે. વધારેને વધારે રોકાણકારો એસઆઇપી તરફ વળી રહ્યા છે. દર મહિને એસઆઇપી થકી 31000 કરોડ રૂપિયા માર્કેટમાં ઠલવાઈ રહ્યા છે.
ભારતમાં આગામી 3 વર્ષમાં SIPમાં રૂ. 12 લાખ કરોડના રોકાણનું અનુમાન
ભારત સહિત અન્ય શેરબજારમાંથી ભલે વિદેશી રોકાણકારોએ પૈસા પાછા ખેંચ્યા હોય પણ એસઆઇપીના કારણે ભારતના શેર બજાર પર તેની વધારે અસર પડી નથી. આગામી 3 વર્ષમાં ભારતમાં એસઆઇપીમાં થનારું રોકાણ 12 લાખ કરોડ રૂપિયા પર પહોંચે તેવું અનુમાન છે. વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પણ એસઆઇપીમાં નાણા રોકનારને ફાયદો તો થયો જ છે અને સાથે સાથે મને રોકાણમાં નુકસાન નથી થયું તેવી એક માનસિક રાહત પણ મળી છે.
આ સાથે તેમણે કહ્યું કે, એસઆઇપીની સાથે સાથે એસડબલ્યુપી એટલે કે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન પણ મહત્ત્વનો છે. જેના માટે ડાયનેમિક એલોકેશન મલ્ટી એસેટ ફંડમાં રોકાણ કરી શકાય છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને નિવૃત્તિ પછી નિયમિત આવકની જરૂર પડતી હોય છે ત્યારે એસડબલ્યુપી થકી તેમની આ જરૂરિયાત પૂરી થઈ શકે છે.
લોભ, ભય અને લાલચને પગલે લોકો સાયબર ક્રિમિનલ્સની જાળમાં ફસાય છે
વડોદરા રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ડીવાયએસપી એમ. કે. મોટવાણીએ લોકોને ભેજાબાજો કયા-કયા પ્રકારે સાયબર ક્રાઇમ આચરતા હોય છે, તેની પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, લોકો ડર, લોભ, લાલચ અને નાણાકીય જાગૃતિના અભાવ જેવા પરિબળોને કારણે લોકો સાયબર ગુનેગારોની જાળમાં ફસાઈ જાય છે.
આજકાલ લોકોને તેમના બોસના અવાજમાં કોલ કરીને પૈસાની માંગણી કરીને છેતરવાનું બોસ સ્કેમ ચાલી રહ્યું છે. આ ઉપરાંત શેર બજારમાં રોકેલા પૈસાનું માત્ર એક કે બે દિવસમાં અનેકગણું વળતર આપવાની લાલચ આપીને ઓનલાઇન છેતરપિંડીના પણ ઘણા કિસ્સા બની રહ્યા છે. જો તમે સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય તો હિંમત રાખીને તરત સાયબર ક્રાઇમની હેલ્પલાઇન 1930 પર ફોન કરવો જોઈએ.









