બૅન્ક ખાતામાંથી અચાનક પૈસા કપાઈ ગયા? ગભરાશો નહીં: RBIના આ નિયમથી પાછો મળશે એક-એક રૂપિયો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Know Your RBI Fraud Rights: ડિજિટલ બેંકિંગના આ યુગમાં ઓનલાઇન ફ્રોડ અને ખાતામાંથી અનધિકૃત નાણાકીય ઉપાડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં ગ્રેટર નોઇડામાં પંજાબ નેશનલ બેંક (PNB)ની એક શાખામાં ગ્રાહકોના બેંક એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માંથી કરોડો રૂપિયા ગાયબ થઈ જવાની ઘટનાએ સૌની ચિંતા વધારી દીધી છે. જોકે, ખાતામાંથી તમારી જાણ બહાર મહેનતના નાણાં કપાઈ જાય તો સમગ્ર નુકસાન તમારે જ ભોગવવું પડશે તેવું નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અનધિકૃત ઇલેક્ટ્રોનિક બેંકિંગ વ્યવહારોના કેસમાં ગ્રાહકોના નાણાકીય હિતોના રક્ષણ માટે સ્પષ્ટ ગાઇડલાઇન્સ નક્કી કરી છે.
ખાતામાંથી પૈસા કપાઈ જાય તો તાત્કાલિક કરો આ 3 કામ
● બેંકમાં ફરિયાદ અને એકાઉન્ટ બ્લોક: કોઈ અનધિકૃત ટ્રાન્ઝેક્શન થાય તો તરત જ સત્તાવાર કસ્ટમર કેર નંબર, મોબાઈલ એપ, નેટ બેંકિંગ કે બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવો. ભવિષ્યમાં વધુ નાણાં ન ઉપડી જાય તે માટે ઓનલાઇન ડેબિટ અને કાર્ડ ટ્રાન્ઝેક્શન તાત્કાલિક બ્લોક કરાવો.
● રેફરન્સ નંબર અને પુરાવા સાચવો: બેંક તરફથી મળતો ફરિયાદ રેફરન્સ નંબર ચોક્કસ મેળવી લો. આ ઉપરાંત ટ્રાન્ઝેક્શનનો SMS, ઈમેલ, બેંક સ્ટેટમેન્ટ અને સ્ક્રીનશોટ પણ સુરક્ષિત રાખો, જે તપાસ અને રિફંડ સમયે ઉપયોગી સાબિત થશે.
● સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ: જો છેતરપિંડી ડિજિટલ પેમેન્ટ કે સાયબર ફ્રોડ દ્વારા થઈ હોય, તો તરત જ 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને અથવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ પોર્ટલ (cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવો.
ક્યારે બેંકે પરત કરવા પડશે તમારા પૂરેપૂરા નાણાં?
RBIના નિયમો અનુસાર, અનધિકૃત વ્યવહારોમાં ગ્રાહકની જવાબદારી છેતરપિંડીના પ્રકાર અને ફરિયાદ કરવાના સમય પર આધારિત છે:
● બેંકની ભૂલ હોય તો ઝીરો લાયાબિલિટી: જો અનધિકૃત ટ્રાન્ઝેક્શન બેંકની બેદરકારી, ભૂલ કે સિસ્ટમની ખામીના કારણે થયું હોય, તો ગ્રાહકની જવાબદારી શૂન્ય રહેશે અને સમગ્ર નુકસાન બેંકે ભોગવવું પડશે.
● થર્ડ પાર્ટી ફ્રોડમાં 3 દિવસમાં ફરિયાદ: જો છેતરપિંડીમાં ન તો બેંકની ભૂલ હોય કે ન ગ્રાહકની, પરંતુ સિસ્ટમમાં ઘૂસણખોરીથી પૈસા કપાયા હોય, તો ટ્રાન્ઝેક્શનની જાણ થયાના 3 વર્કિંગ દિવસમાં ફરિયાદ કરવાથી ગ્રાહકની જવાબદારી શૂન્ય ગણાશે અને પૂરી રકમ પરત મળશે.
● 4થી 7 દિવસમાં ફરિયાદ પર મર્યાદિત જવાબદારી: જો 4થી 7 વર્કિંગ દિવસમાં જાણ કરવામાં આવે, તો ખાતાના પ્રકાર મુજબ ગ્રાહકની જવાબદારી મર્યાદિત રહેશે. ફ્રોડની રકમ અથવા નિર્ધારિત મર્યાદા—જે ઓછી હોય તેટલું જ નુકસાન ગ્રાહકે ભોગવવું પડે છે. બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ ખાતામાં મહત્તમ જવાબદારી ₹5,000, સામાન્ય સેવિંગ્સ ખાતામાં ₹10,000 અને કેટલાક કરન્ટ એકાઉન્ટ્સમાં આ મર્યાદા ₹25,000 સુધીની હોય છે.
● OTP કે PIN શેર કર્યો હોય તો: જો ગ્રાહકે પોતાની બેદરકારીથી OTP, PIN કે પાસવર્ડ શેર કર્યો હોય, તો બેંકમાં ફરિયાદ નોંધાય ત્યાં સુધીનું સમગ્ર નુકસાન ગ્રાહકે ઉઠાવવું પડશે, પરંતુ ફરિયાદ નોંધાયા પછીના કોઈપણ અનધિકૃત ટ્રાન્ઝેક્શનની જવાબદારી બેંકની રહેશે.
● 7 દિવસ પછી ફરિયાદ: જો 7 વર્કિંગ દિવસ બાદ માહિતી આપવામાં આવે, તો જવાબદારી બેંકના બોર્ડ દ્વારા માન્ય પોલિસી અનુસાર નક્કી કરવામાં આવે છે.
કેટલા દિવસમાં મળશે ફ્રોડના પૈસાનું રિફંડ?
RBI એ શૂન્ય કે મર્યાદિત જવાબદારીવાળા કેસોમાં રિફંડ ચૂકવવા માટે સમયમર્યાદા નિર્ધારિત કરી છે:
● 10 દિવસમાં પ્રોવિઝનલ ક્રેડિટ: ફરિયાદ મળ્યાના 10 વર્કિંગ દિવસની અંદર બેંકે અનધિકૃત ટ્રાન્ઝેક્શનની રકમ ગ્રાહકના ખાતામાં કામચલાઉ ધોરણે જમા કરવી પડશે, જેના માટે વીમા ક્લેમના નિકાલની રાહ જોઈ શકાતી નથી. તેની વેલ્યુ ડેટ તે જ દિવસની રહેશે જે દિવસે ખાતામાંથી નાણાં કપાયા હતા.
● 90 દિવસમાં અંતિમ નિકાલ: બેંકે મહત્તમ 90 દિવસની અંદર સમગ્ર તપાસ પૂર્ણ કરીને નિર્ણય લેવો પડશે. જો નિર્ધારિત સમયમાં સમાધાન ન થાય, તો RBIના નિયમો મુજબ ગ્રાહકને વળતર ચૂકવવું પડશે.
● વ્યાજનું નુકસાન નહીં: સેવિંગ્સ એકાઉન્ટ કે ડેબિટ કાર્ડના કેસમાં ગ્રાહકને વ્યાજનું નુકસાન ન થાય અને ક્રેડિટ કાર્ડના કેસમાં વધારાના વ્યાજનો બોજ ન પડે તે જોવાની જવાબદારી પણ બેંકની રહેશે.
બેંક ફરિયાદ ન સાંભળે તો ક્યાં કરવો સંપર્ક?
જો બેંકમાં ફરિયાદ કર્યા છતાં ઉકેલ ન આવે અથવા 30 દિવસમાં સંતોષકારક જવાબ ન મળે, તો ગ્રાહક RBIના કમ્પ્લેઇન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ (cms.rbi.org.in) પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે છે. RBIની ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ હેઠળ બેંકિંગ સેવાઓને લગતા વિવાદોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.




