Explainer: ભારતમાં રોજગારીનું સંકટ, જાણો કેમ 100માંથી માંડ 8 યુવાનોને જ લાયકાત પ્રમાણે નોકરી મળે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Job crisis in India: તમે વર્ષો સુધી મહેનત કરીને કોલેજની ડિગ્રી મેળવો છો, પણ જ્યારે તમે નોકરી શોધવા જાઓ છો ત્યારે તમને કહેવાય છે કે તમારી ડિગ્રીની કંપનીઓને કોઈ જરૂર જ નથી! આજના સમયમાં કરોડો ભારતીય યુવાનો આ કડવી વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે. એક તરફ શૈક્ષણિક સંસ્થાઓ દર વર્ષે લાખો યુવાનોને ડિગ્રીઓ આપી રહી છે, તો બીજી તરફ કંપનીઓ કહે છે કે તેમને યોગ્ય કામ કરી શકે તેવા 'કુશળ' (Skilled) ઉમેદવારો મળતા નથી. આખરે આ ખામી ક્યાં છે? નીતિ આયોગના તાજેતરના અહેવાલે આ અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
100માંથી માત્ર 8 યુવાનોને જ યોગ્ય નોકરી!
નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રિપોર્ટ ‘Reimagining Skilling for a Viksit Bharat @ 2047’ અને આર્થિક સર્વેક્ષણ 2024-25 ના આંકડા મુજબ, ભારતમાં માત્ર 8.25% સ્નાતકોને જ તેમના શિક્ષણ અને લાયકાત અનુસાર નોકરી મળે છે. આનો સીધો અર્થ એ છે કે બાકીના યુવાનો કાં તો બેરોજગાર છે અથવા તો તેમની લાયકાત કરતાં ઘણું નીચું કામ કરવા મજબૂર છે.
- હાલમાં દેશમાં આશરે 4.34 કરોડ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે.
- આ ઉપરાંત 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને ITI કરી રહ્યા છે.
- દેશનો એકંદર બેરોજગારી દર માત્ર 3.2% છે, પરંતુ સ્નાતક થયેલા યુવાનોમાં આ દર ઘણો ઊંચો એટલે કે 13% છે.
- મહિલાઓમાં તો આ સ્થિતિ વધુ ચિંતાજનક છે. સ્નાતક મહિલાઓનો બેરોજગારી દર 20.4% છે.
સામાન્ય ડિગ્રીઓનો રાફડો અને આંધળી દોટ
આ સમસ્યાનું સૌથી મોટું કારણ સામાન્ય ડિગ્રીઓ પાછળની આંધળી દોટ છે.
- દેશમાં અન્ડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં ભણતા 3.4 કરોડ વિદ્યાર્થીઓમાંથી 1.13 કરોડ યુવાનો માત્ર BA (બેચલર ઓફ આર્ટસ) કરી રહ્યા છે.
- BA, BSc અને BCom ના વિદ્યાર્થીઓને ભેગા કરીએ, તો આ આંકડો 2 કરોડને પાર કરી જાય છે.
ફક્ત લઘુતમ લાયકાત માટે જ ડિગ્રી લેવાનું ચલણ
આ રિપોર્ટ મુજબ, મોટા ભાગના યુવાનો માત્ર સરકારી નોકરીની પરીક્ષા આપવા માટેની લઘુતમ લાયકાત (Minimum Qualification) મેળવવા જ આ કોર્સ કરે છે. આ વાતનો પુરાવો એ છે કે નવેમ્બર 2024થી જુલાઈ 2025 વચ્ચે માત્ર 55,000 સરકારી હોદ્દા માટે 1.86 કરોડથી વધુ અરજી આવી હતી! આમ, આટલી મોટી સંખ્યામાં યુવાનો ડિગ્રી કોર્સ કરે છે, પરંતુ તેનું કારણ ફક્ત ને ફક્ત લઘુતમ લાયકાત જ છે.
પુસ્તકિયું જ્ઞાન નોકરી મેળવવામાં સહાયરૂપ થતું નથી
નીતિ આયોગના મતે, દેશની કોલેજોમાં જે ભણાવાય છે અને બજારમાં કંપનીઓને જે કામની જરૂર છે, તે બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. ઘણાં અભ્યાસક્રમ જૂના થઈ ગયા છે. મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન આપે છે, પરંતુ પ્રેક્ટિકલ ટ્રેનિંગ, હેન્ડ્સ-ઓન પ્રોજેક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના અનુભવનો તેમાં સાવ અભાવ છે. પરિણામે, યુવાનો પાસે ડિગ્રી તો હોય છે, પરંતુ કંપનીમાં કામ કરવા માટે જરૂરી બેઝિક સોફ્ટવેર અન્ય સ્કિલ્સ પણ હોતી નથી.
તો પછી આ સમસ્યાનો ઉકેલ શું છે?
રોજગાર સંકટને દૂર કરવા માટે નીતિ આયોગે કેટલાક નક્કર સૂચનો કર્યા છે.
- રોજગારલક્ષી નવા કોર્સ: સામાન્ય BA, BSc કે BCom ને બદલે બજારની માંગ મુજબના સ્પેશિયલાઇઝ્ડ કોર્સ શરૂ કરવા જોઈએ. જેમ કે, 'BA Hospitality', 'BCom Analytics' અને 'BSc Applied Technology'.
- ઉદ્યોગો સાથે ભાગીદારી: સરકારી અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી (PPP મોડેલ) વધારવી જોઈએ, જેથી ઉદ્યોગજગતના નિષ્ણાતો સીધા જ કોલેજના અભ્યાસક્રમ તૈયાર કરવામાં મદદ કરી શકે.
- અર્ન વિથ લર્ન (AEDPs): એપ્રેન્ટિસશીપ-સક્ષમ ડિગ્રી કાર્યક્રમો (AEDPs- Apprenticeship-embedded degree programs) ને પ્રોત્સાહન આપવું જોઈએ. આનાથી વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે કંપનીઓમાં કામ કરીને પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકશે.
- ફ્લેક્સિબલ શિક્ષણ પદ્ધતિ: ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોડ્યુલ-આધારિત શિક્ષણ, પાર્ટ-ટાઇમ કોર્સ અને હાઇબ્રિડ શિક્ષણ વિકલ્પો આપવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ કામની સાથે ભણી પણ શકે અથવા અન્ય કૌશલ્યો શીખી શકે.
ડિગ્રીઓ ભેગી કરવાની માનસિકતા બદલવાની જરૂર
હવે સમય આવી ગયો છે કે માત્ર ડિગ્રીઓ ભેગી કરવાની માનસિકતા બદલવામાં આવે. જ્યાં સુધી આપણી શિક્ષણ પ્રણાલી અને ઉદ્યોગો એકબીજા સાથે મળીને કામ નહીં કરે, ત્યાં સુધી યુવાનોની બેરોજગારીની સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય નથી. ભારતના યુવાનો પાસે ક્ષમતા છે, બસ તેમને હવે યોગ્ય દિશા અને વાસ્તવિક દુનિયામાં કામ આવે તેવા કૌશલ્યો આપવાની સખત જરૂર છે.




