પેની સ્ટૉક ખરીદીને કરોડપતિ બનવાનું વિચારતા હોવ, તો આ વાંચી લો... નહીં તો મહેનતની કમાણી ગુમાવશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Penny Stocks Demand Strict Discipline: શેરબજારમાં પ્રવેશતાની સાથે જ નવા રોકાણકારોનું ધ્યાન સૌથી પહેલાં 1થી 10 રૂપિયાની ઓછી કિંમત ધરાવતા પેની સ્ટોક્સ પર પડે છે. સામાન્ય રીતે લોકો એવું ગણિત લગાવતા હોય છે કે 5 રૂપિયાનો શેર 10 રૂપિયા થશે તો નાણાં બમણા થઈ જશે. ટૂંકા ગાળામાં મળતા મલ્ટીબેગર રિટર્નની લાલચમાં ઘણા રોકાણકારો ઊંડાણપૂર્વક વિચાર્યા વિના રોકાણ કરી બેસે છે. જોકે, ઓછી કિંમતનો અર્થ એ નથી કે શેર સસ્તો છે; ઘણીવાર કંપનીની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાને કારણે ભાવ તળિયે બેસી ગયો હોય છે. પેની સ્ટોક્સમાં રોકાણ કરતાં પહેલાં આ 5 મહત્ત્વપૂર્ણ ફંડામેન્ટલ બાબતો તપાસવી અનિવાર્ય છે.
1. સેલ્સ ગ્રોથ અને નેટ પ્રોફિટની વાસ્તવિકતા
કોઈપણ કંપનીનો શેર ખરીદતાં પહેલાં તેનું ફંડામેન્ટલ એનાલિસિસ કરવું પ્રથમ પગલું છે. જો કંપનીનો મૂળ બિઝનેસ જ ન ચાલતો હોય, તો શેરનો ભાવ 1 રૂપિયો હોય કે 50 રૂપિયા, તેમાં રોકાણ કરવું નાણાં ગુમાવવા સમાન છે.
- કંપનીનું વાર્ષિક વેચાણ અને ચોખ્ખો નફો વર્ષ-દર-વર્ષ વધી રહ્યો છે કે નહીં તે ચકાસો.
- ફક્ત કાગળ પરના નફાને બદલે કંપની પોતાના મૂળ કામકાજમાંથી વાસ્તવિક રોકડ કમાઈ રહી છે કે નહીં તેની ખાતરી કરો.
- સતત ખોટ કરતી કંપનીઓથી તરત જ અંતર બનાવી લેવું જોઈએ.
2. પ્રમોટર્સ હોલ્ડિંગ અને ગિરવે મૂકેલા શેર્સ
કંપનીના માલિકો પોતાની કંપનીમાં કેટલો હિસ્સો ધરાવે છે, તે કંપનીના ભવિષ્ય પ્રત્યેના તેમના વિશ્વાસનું સીધું માપદંડ છે.
- જે કંપનીમાં પ્રમોટર્સની પોતાની ભાગીદારી 50% કે તેથી વધુ હોય તેને જ પ્રાથમિકતા આપવી જોઈએ.
- પ્રમોટર્સે પોતાના શેર્સ બૅંકમાં ગિરવે મૂકીને લોન લીધી છે કે નહીં તે અચૂક તપાસો.
- જો પ્રમોટર હોલ્ડિંગ સતત ઘટતી હોય અથવા મોટા પાયે શેર્સ ગિરવે પડેલા હોય, તો તેવા સ્ટોકમાંથી તાત્કાલિક બહાર નીકળી જવું હિતાવહ છે.
3. ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો
મોટાભાગના પેની સ્ટોક્સ ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા હોય છે. જ્યારે કંપનીની કમાણી કરતાં વ્યાજનો બોજ વધી જાય ત્યારે કંપની નાદાર થવાનું જોખમ રહે છે.
- કંપનીની કુલ મૂડી સામે કુલ દેવાનો રેશિયો હંમેશાં તપાસવો.
- સલામત રોકાણ માટે ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો 1થી ઓછો હોવો જરૂરી છે.
- દેવામુક્ત કંપનીઓ ફંડામેન્ટલી સૌથી મજબૂત માનવામાં આવે છે.
4. ‘પમ્પ ઍન્ડ ડમ્પ’ ગેમ અને લિક્વિડિટીની અછત
પેની સ્ટોક્સમાં ટ્રેડિંગ વોલ્યુમ ઓછું હોવાથી માર્કેટ ઓપરેટર્સ નાના રોકાણકારોને ફસાવવા માટે પમ્પ ઍન્ડ ડમ્પની જાળ બિછાવે છે.
- પમ્પ ઍન્ડ ડમ્પ: ઓપરેટર્સ સોશિયલ મીડિયા કે અફવાઓના આધારે શેરના ભાવ કૃત્રિમ રીતે વધારે છે. રિટેલ રોકાણકારો ઊંચા ભાવે ખરીદી કરી લે પછી ઓપરેટર્સ મોટો નફો બુક કરીને શેર વેચી દે છે.
- લિક્વિડિટી ક્રંચ: આ શેરોમાં ખરીદ-વેચાણની તરલતા ઓછી હોવાથી જ્યારે ભાવ ઘટવા લાગે ત્યારે સતત લોઅર સર્કિટ લાગે છે, જેના કારણે બજારમાં કોઈ ખરીદદાર ન મળતાં રોકાણકારો ઇચ્છવા છતાં પોતાના શેર વેચી શકતા નથી.
5. રોકાણની મર્યાદા અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ
પેની સ્ટોક્સમાં શિસ્તબદ્ધ રોકાણ જ તમારી મૂડીનું રક્ષણ કરી શકે છે:
- તમારા કુલ પોર્ટફોલિયોના 2%થી 5%થી વધુ રકમ ક્યારેય પણ પેની સ્ટોક્સમાં ન ફાળવવી.
- આ શેરોમાં માત્ર તેટલા જ નાણાંનું જોખમ લેવું, જે સંપૂર્ણપણે ડૂબી જાય તો પણ તમારી નાણાકીય સ્થિતિ પર કોઈ અસર ન પડે.
- પેની સ્ટોક્સમાં રોકાણ કરતાં પહેલાં પોતાનું ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું અને મુખ્ય મૂડી નિફ્ટી 50, લાર્જ-કેપ શેરો અથવા ડાયવર્સિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સુરક્ષિત રાખવી.




