ભારતમાં ચોમાસાની ઋતુમાં રાત્રે લાઈટ પાસે આવતા ઉડતા જીવડાંઓથી પરેશાન છો? જાણો આ ત્રાસમાંથી મુક્તિ મેળવવાના સરળ અને દેશી ઉપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Natural Remedies For Monsoon Flying Insects: હાલ સમગ્ર ભારતમાં ચોમાસાની ઋતુ પૂરબહારમાં ખીલી છે. વરસાદના કારણે વાતાવરણમાં વધેલા ભેજને લીધે રાત્રિ પડતાં જ ઘરોમાં ઉડતા નાના-નાના જીવડાંઓનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. સાંજે ઘરની લાઈટ ચાલુ કરતાં જ આ જીવડાંઓ બલ્બ અને ટ્યુબલાઈટની આસપાસ ઝુંડ બનાવીને ઉડવા લાગે છે, જેના કારણે જમતી વખતે, બેસતી વખતે કે ઊંઘતી વખતે લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. કેમિકલવાળા સ્પ્રેનો ઉપયોગ કર્યા વિના માત્ર સરળ અને દેશી ઉપાયો અજમાવીને આ જીવડાંઓથી કાયમી છુટકારો મેળવી શકાય છે.
ચોમાસામાં રાત્રે લાઈટની આસપાસ કેમ ઉભરાય છે આ જીવડાં?
ચોમાસા દરમિયાન વરસાદના પાણી અને ભેજવાળા વાતાવરણમાં જમીન અને છોડવાઓમાંથી અસંખ્ય નાના જીવડાંઓ પેદા થાય છે. રાત્રિના સમયે આ કીટકો પ્રકાશ તરફ કુદરતી રીતે આકર્ષાય છે. તેથી ઘરની બાલ્કની, બારી કે દરવાજા પાસેની તેજ લાઈટ શરૂ થતાં જ તેઓ સીધા ઘરની અંદર ધસી આવે છે.
ઉડતા જીવડાંઓથી છુટકારો મેળવવાના અસરકારક ઘરગથ્થુ ઉપાયો
તેજ સફેદ બલ્બને બદલે વોર્મ LED લાઈટ: ચોમાસા દરમિયાન ઘરના પ્રવેશદ્વાર, બાલ્કની કે બારી પાસે અતિશય તેજસ્વી સફેદ બલ્બ લગાવવાનું ટાળો. તેના બદલે વોર્મ યલો કે ઓછી રોશનીવાળી LED લાઈટનો ઉપયોગ કરવાથી જીવડાંઓનું આકર્ષણ ઘણું ઘટી જાય છે.
સરસિયાનું તેલ અને પોલીથીનની દેશી પદ્ધતિ: એક પ્લાસ્ટિકની નાની પોલીથીન પર સરસિયાનું તેલ લગાવીને તેને લાઈટ કે બલ્બથી થોડા અંતરે લટકાવી દો. સરસિયાના તેલની તીવ્ર સુગંધથી જીવડાં દૂર ભાગે છે અને નજીક આવતા જીવડાં તેલની ચીકાશવાળી સપાટી પર ચોંટી જાય છે.
વિનેગર અને લિક્વિડ સાબુનો અસરકારક ટ્રેપ: એક ખુલ્લા વાસણમાં સહેજ હૂંફાળું એપલ સાઇડર વિનેગર લઈ તેમાં ડીશવોશ લિક્વિડના થોડાં ટીપાં ઉમેરીને લાઈટની બરાબર નીચે મૂકી દો. વિનેગરની સુગંધથી આકર્ષાઈને જીવડાં વાસણ પર આવશે અને સાબુવાળા પાણીને લીધે તેમાં ડૂબી જશે.
સુગંધિત હર્બ્સ અને એસેન્શિયલ ઓઈલ: બારી અને બાલ્કની પાસે તુલસી, લેમનગ્રાસ, લવંડર કે રોઝમેરી જેવા છોડ લગાવવાથી તેમની કુદરતી સુગંધ જીવડાંઓને ઘરમાં પ્રવેશવા દેતી નથી. આ સિવાય પેપરમિન્ટ, નીલગિરી કે સિટ્રોનેલા ઓઈલને પાણીમાં ભેળવીને દરવાજા અને બારીઓની આસપાસ સ્પ્રે કરી શકાય છે.
પાણી ભરેલા પહોળા વાસણનો ઉપયોગ: જ્યાં જીવડાંઓનું ટોળું વધુ હોય, ત્યાં લાઈટની નીચે પહોળા વાસણમાં પાણી ભરીને રાખી દો. લાઈટના પ્રતિબિંબ તરફ ખેંચાઈને જીવડાં સીધા પાણીમાં પડશે, જેથી ઘરની લાદી કે ફર્નિચર ગંદુ થશે નહીં.
ચોમાસામાં આ બાબતોનું રાખો વિશેષ ધ્યાન
- સાંજના સમયે અંધારું થતાં જ બારી-બારણાં બંધ રાખવા અથવા ઝીણી મચ્છરજાળી લગાવવી.
- ઘરમાં પંખો ફૂલ સ્પીડમાં રાખવો જેથી હવાની ગતિના કારણે હળવા વજનના નાના જીવડાં સ્થિર ઉડી ન શકે.
- લાઈટનું મોં સીધું ઘરની બહાર રાખવાને બદલે દીવાલ તરફ રાખવું જેથી બહારથી જીવડાં અંદર ન ખેંચાય.
- રસોડામાં કે ડાઇનિંગ ટેબલ પર ખાવાની વસ્તુઓ અને ડસ્ટબિન હંમેશાં ઢાંકીને રાખવી.
- સવારે લાઈટ, સ્વિચબોર્ડ અને બારીઓની આસપાસ જમા થયેલી ગંદકીની વ્યવસ્થિત સફાઈ કરવી.




