હપ્તો ભરવાથી છૂટકારો મેળવવાના ચક્કરમાં ભૂલ ના કરતાં! જાણો લોન પ્રિપેમેન્ટના ફાયદા અને નુકસાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Personal Loan Prepayment Guide: પર્સનલ લોનને નિર્ધારિત સમય કરતાં પહેલાં ચુકવી દેવાથી વ્યાજનો બોજ ઘટી શકે છે અને દર મહિને ભરાતા હપ્તામાંથી મુક્તિ મળી શકે છે. જોકે, પર્સનલ લોનનું પ્રી-પેમેન્ટ (સમય પહેલાં ચુકવણી) કરવું એ દર વખતે નાણાકીય દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય સાબિત નથી થતો. માત્ર કરજમાંથી જલ્દી મુક્ત થવાની ઈચ્છામાં પોતાની તમામ બચત લોન ચૂકવવામાં વાપરી નાખવી યોગ્ય નથી. પ્રી-પેમેન્ટ ત્યારે જ ફાયદાકારક બને છે જ્યારે વ્યાજમાં થતી બચત ફોરક્લોઝર ચાર્જ કરતા વધુ હોય અને લોન ચૂકવ્યા પછી પણ ઈમરજન્સી માટે પૂરતા પૈસા બાકી રહે.
શું છે લોન પ્રી-પેમેન્ટ?
પર્સનલ લોન પ્રી-પેમેન્ટનો અર્થ લોનની મુદ્દત પૂરી થાય તે પહેલાં જ બાકી રકમનો કાઈંક ભાગ અથવા તો આખી રકમ ચૂકવી દેવી તે છે. ગ્રાહક થોડું પ્રી-પેમેન્ટ કરીને મુદ્દલ રકમ ઓછી કરી શકે છે અથવા આખી રકમ ચૂકવીને લોન એકાઉન્ટ બંધ (ફોરક્લોઝ) કરી શકે છે. આનાથી ભવિષ્યમાં ચૂકવવાનું થતું વ્યાજ બચી જાય છે. જોકે, બેન્ક કે ધિરાણ આપતી સંસ્થાઓ તેમની શરતો મુજબ પ્રી-પેમેન્ટ કે ફોરક્લોઝર ચાર્જ વસૂલી શકે છે.
દરેક માટે એક જ નિયમ લાગુ પડતો નથી
પર્સનલ લોનનું પ્રી-પેમેન્ટ કરવું ત્યારે જ સમજદારીભર્યું ગણાય જ્યારે વ્યાજમાં થતી બચત ફોરક્લોઝર ચાર્જ અને અન્ય ખર્ચ કરતાં વધુ હોય તેમજ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહે. માત્ર દેવામુક્ત થવાની ઉતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ. વ્યાજની બચત, ફોરક્લોઝર ચાર્જ, બાકી રહેલી લોનની મુદ્દત અને ઈમરજન્સી ફંડનું સચોટ ગણિત વિચાર્યા પછી જ સમય પહેલાં લોન ચૂકવવાનો આખરી નિર્ણય લેવો જોઈએ.
રોકાણ પર મળતા વળતર સાથે સરખામણી કરો
લોનધારકે એ ગણતરી કરવી જરૂરી છે કે લોનની બાકી રહેલી મુદ્દતમાં કેટલું વ્યાજ ચૂકવવું પડશે અને તેને સમય પહેલાં બંધ કરવા પર કેટલો ફોરક્લોઝર ચાર્જ લાગશે. આ સાથે જ એ પણ જોવું જોઈએ કે જો એ જ રકમ અન્ય જગ્યાએ રોકાણ કે બચત તરીકે રાખવામાં આવે તો તેના પર કેટલું વળતર મળી શકે છે. આ તમામ બાબતોની યોગ્ય સરખામણી કર્યા પછી જ આગળ વધવું હિતાવહ છે.




