Utility

EPFO વેજ સીલિંગ રૂ.25,000 થઈ: 51 લાખ કર્મચારીઓને સીધો લાભ, પણ હાથમાં આવતો પગાર ઘટશે

By GS Team
17 Sep 20263 mins read
TukuTouch Logo
સરકારે EPFOની વેજ સીલિંગ લિમિટ 15,000થી વધારીને 25,000 રૂપિયા કરી છે. આ નિર્ણયથી 51 લાખથી વધુ કર્મચારીઓ PF, પેન્શન અને વીમા જેવી સામાજિક સુરક્ષા હેઠળ આવશે. જોકે, કર્મચારીઓની ટેક-હોમ સેલરી ઘટશે, કારણ કે હવે PFમાં દર મહિને 1,800 ને બદલે 3,000 રૂપિયા જમા થશે. કંપનીઓ પર પણ ખર્ચ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

EPFO વેજ સીલિંગ રૂ.25,000 થઈ: 51 લાખ કર્મચારીઓને સીધો લાભ, પણ હાથમાં આવતો પગાર ઘટશે
IMAGE - IANS

EPFO wage ceiling hike 2026: સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની વેજ સીલિંગ લિમિટ (પગાર મર્યાદા) દર મહિનાના 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી દીધી છે. વેજ સીલિંગ એટલે કે તે મહત્તમ સેલરી જેના પર ફરજિયાત પણે PF કપાય છે. સરકારના આ નિર્ણયથી એક તરફ કર્મચારીઓની ટેક-હોમ સેલરી ઘટશે, તો બીજી તરફ આશરે 51 લાખ જેટલા વધુ કર્મચારીઓ EPF, પેન્શન (EPS) અને વીમા (EDLI) જેવી સામાજિક સુરક્ષાના દાખલામાં આવી જશે.

સેલરી પર કેવી અને કેટલી અસર પડશે?

પીએફમાં દર મહિને કર્મચારી અને કંપની બંને મળીને કુલ 12 ટકાનું યોગદાન આપે છે. અગાઉ 15,000 રૂપિયાના 12 ટકા એટલે કે 1,800 રૂપિયા જમા થતા હતા, જે હવે 25,000 રૂપિયાના 12 ટકા એટલે કે 3,000 રૂપિયા થઈ જશે.

આનો સીધો અર્થ એ છે કે કર્મચારી અને એમ્પ્લોયર બંને તરફથી દર મહિને 1,200 રૂપિયા વધુ કપાશે. આ રકમ તમારી સેલરીમાંથી કપાઈને સીધી તમારા પીએફ ખાતામાં જમા થશે. જોકે, આનાથી તમારી ટેક-હોમ સેલરી (હાથમાં આવતી રકમ) ઘટી જશે, પરંતુ તે નાણાં તમારી રિટાયરમેન્ટ સેવિંગ્સ તરીકે સુરક્ષિત જમા થઈ રહ્યા છે.

ટેક-હોમ સેલરી ઘટવાના બે રસ્તાઓ

નિષ્ણાતોના મતે, આ વધેલા ખર્ચને કંપનીઓ બે અલગ-અલગ રીતે હેન્ડલ કરી શકે છે:

ઓપ્શન 1 (ફક્ત 1,200 રૂપિયાની કપાત):

આમાં કંપની પોતાની તરફથી વધેલા 1,200 રૂપિયાનો બોજ ખુદ ઉઠાવે છે અને કર્મચારીના પગારમાંથી પણ માત્ર 1,200 રૂપિયા જ કપાય છે. એટલે કે તમારી ટેક-હોમ સેલરી દર મહિને 1,200 રૂપિયા (વાર્ષિક 14,400 રૂપિયા) ઘટે છે, પરંતુ તે પૂરેપૂરા નાણાં તમારા પીએફમાં જમા થાય છે.

ઓપ્શન 2 (પૂરા 2,400 રૂપિયાની કપાત):

આ વ્યવસ્થામાં કંપની પોતાનો વધેલો ખર્ચ પણ કર્મચારી પર નાખી દે છે. એટલે કે તમારી ટેક-હોમ સેલરીમાંથી દર મહિને 2,400 રૂપિયા એટલે કે વાર્ષિક 28,800 રૂપિયા કપાઈ જાય છે. જોકે, કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે નવા લેબર કોડ હેઠળ કંપનીઓ માટે આ રીતે પગાર કાપવો મુશ્કેલ છે.

કાનૂની અડચણ શું છે?

સોશિયલ સિક્યોરિટી કોડ, 2020ની ધારા 124 મુજબ, નવા વેજ સ્ટ્રક્ચર પર શિફ્ટ થવાને કારણે કર્મચારીની ટેક-હોમ સેલરીમાં ઘટાડો થવો જોઈએ નહીં. આ જ કારણ છે કે માત્ર પીએફનો ખર્ચ વધવાને કારણે કંપનીઓ માટે કર્મચારીનો પગાર કાપવો કાનૂની રીતે મોટો પડકાર બની રહેશે.

કંપનીઓ પર શું અસર પડશે?

જો કંપની કર્મચારીનો પગાર ન કાપે અને પીએફનો વધેલો ખર્ચ પોતે જ ઉઠાવે, તો તેનો ઓપરેટિંગ ખર્ચ વધી જશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો CTC વાર્ષિક 20 લાખ રૂપિયા હોય, તો કંપનીએ વધારાના વાર્ષિક 14,400 રૂપિયા (દર મહિનાના 1,200 રૂપિયા લેખે 12 મહિનાના) ચૂકવવા પડી શકે છે, જેનાથી સીટીસી વધીને 20.14 લાખ રૂપિયા થઈ જશે.

જો કે, કંપનીઓ માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે પીએફનો ફાયદો તો કર્મચારીને રિટાયરમેન્ટ વખતે મળે છે, જ્યારે કંપનીને તેનો કોઈ સીધો આર્થિક ફાયદો થતો નથી. ખાસ કરીને મોટા પેરોલ ધરાવતી કંપનીઓ માટે આ એક મોટો મુદ્દો બની શકે છે.