વિપક્ષી શંભુમેળો જ્ઞાનેશ કુમારના લોહીનો તરસ્યો કેમ થયો છે એ જાણવા જેવું છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
ચીફ ઇલેક્શન કમિશનર (સીઇસી) જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ અને એના મળતિયા કહેવાતા સેક્યુલર પક્ષો છેલ્લા થોડા દિવસથી એકધારું આંદોલન ચલાવી રહ્યા છે. એ કોઇ પણ હિસાબે જ્ઞાનેશ કુમારને સીઇસી પદેથી હટાવવા મરણિયા થયા છે. લગભગ રોજ પાટનગર નવી દિલ્હીના જંતર મંતર પર હજારો કહેવાતા વિપક્ષી કાર્યકરો દેખાવો કરે છે.
આંદોલનમાં પોલીસ અને સિક્યોરિટી પર હુમલા પણ થતા રહ્યા છે. ૮મી ઓક્ટોબરે તો જંતર મંતરની આસપાસ એટલો ટ્રાફિક જામ થયેલો કે ઓછામાં ઓછા પાંચ હજાર પ્રવાસીઓ નવી દિલ્હીથી ઊપડતી પોતાની ટ્રેન ચૂકી ગયા એવા અહેવાલો મિડિયામાં પ્રગટ થયા હતા. થોડા આકરા શબ્દોમાં કહીએ તો આ લોકો જ્ઞાનેશ કુમારના લોહીના તરસ્યા થયા છે. એની પાછળ કયાં કારણો છે એ શાંતિથી સમજવા જેવું છે.
જ્ઞાનેશ કુમારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર-સર) દ્વારા લાખ્ખો મતદારોને ચૂંટણીમાં મત આપતાં રોક્યા છે, એ રીતે લોકશાહીની હત્યા કરવાનું દુષ્કૃત્ય કર્યું છે એવો આક્ષેપ આ આંદોલનકારીઓ સતત કરતા રહ્યા છે. કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ફરી કરાવવાની માગણી પણ આ લોકો કરી રહ્યા છે. જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે એવી જાહેરાત પોલિટિકલ પાર્ટીઓ ઉપરાંત કોક્રોચ અને કાનખજુરિયા જેવી ટોળકીઓ પણ કરી રહી છે.
વાત થોડી જુદી છે. આ લોકો જ્ઞાનેશ કુમારના લોહીના તરસ્યા કેમ થયા છે એ સમજવા જેવું છે. એકડે એકથી વાતની શરૂઆત કરીએ. ૨૦૧૯ના ઓગસ્ટની પાંચમીએ મોદી સરકારે જમ્મુ કશ્મીરને અપાયેલો ખાસ દરજ્જો અર્થાત્ બંધારણની ૩૭૦મી કલમ રદ કરી. યાદ છે ને ? આ આખી પ્રક્રિયાના નિયમો અને બાયલાઝ કોણે તૈયાર કરેલા, વારુ ? નંબર બે, અયોધ્યામાં રામ મંદિર મોદી સરકારે બનાવ્યું. પરંતુ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનો ડ્રાફ્ટ અને એના ધારાધોરણો કોણે તૈયાર કર્યાં, વારુ ? ભારતીય હવાઇ દળ માટે રૂપિયા ૫૮,૮૯૧ કરોડના ખર્ચે ફ્રાન્સ પાસેથી ખરીદાયેલા ૩૬ રાફાલ ફાઇટર વિમાનના વિવાદમાં મોદી સરકારે આપેલા જવાબનો ડ્રાફ્ટ કોણે તૈયાર કરેલો, વારુ ? દેશના વિવિધ રાજ્યોમાં ગેરકાયદે ઘુસી જઇને મતદાર બની બેઠેલા રોહિંગ્યા કે બાંગ્લાદેશી નાગરિકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવવા જોઇએ, આવા ઘુસણખોરોને તગેડી મૂકવા જોઇએ એવો મૂળ વિચાર અને એનો અમલ કરવાની યોજના કોણે તૈયાર કરેલી, વારુ ?
આ તમામ સવાલોનો જવાબ એક જ છે- જ્ઞાનેશ કુમાર. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ, તૃણમૂલ કોંગ્રેસ અને બીજા ફુટકળિયા સેક્યુલર પક્ષોને આ માણસ આંખમાં કણાની જેમ ખૂંચે એમાં કોઇ નવાઇ ખરી ? વિપક્ષી શંભુમેળો ફક્ત સર કે ચૂંટણીમાં કહેવાતી ગોલમાલ માટે જ્ઞાનેશ કુમારની પાછળ નથી પડયા. એક કરતાં વધુ કારણે આ માણસ વિપક્ષોની આંખમાં હતો. આપણે સદ્ગત વડા ચૂંટણી કમિશનર ટી એન શેષન સાથે કોઇની તુલના નથી કરવી. આમ છતાં જ્ઞાનેશ કુમારને પિછાણવા આજની તારીખે અનિવાર્ય છે. આવો, જાણીએ એમના વિશે.
જ્ઞાનેશ કુમાર કેરળ કેડરના સનદી અધિકારી છે. કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઑફ ટેક્નોલોજી (આઇઆઇટી)માંથી તેઓ બી ટેક (બેચલર ઑફ ટેક્નોલોજી) થયા છે. આટલેથી નહીં અટકતાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. એ જે કંઇ કરે છે એ પૂરતી પૂર્વતૈયારી સાથે અને આયોજનપૂર્વક કરે છે. કોઇથી ડરતા નથી. એમણે કરેલા કાર્યને સુપ્રીમ કોર્ટે પણ બહાલી આપી છે. પોતે જે કંઇ કરે છે એ દેશના હિતમાં કરે છે એ અંગે જ્ઞાનેશ કુમાર ખુલ્લા મનના છે. એટલે જ એ વિપક્ષી આંદોલનથી જરાય અપસેટ નથી.
વિપક્ષી શંભુમેળાને દુઃખે છે પેટ અને કૂટે છે માથું. બેલટ પેપરથી નવેસર બિહાર અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી કરાવો એવી વિપક્ષોની માગણીને સુપ્રીમ કોર્ટ સ્વીકારવાની નથી. સાવ સાચી વાત કરો તો જ્ઞાનેશ કુમાર તો મહોરું છે. વિપક્ષોને હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત મોદીનું માથું જોઇએ છે. બંને વરિષ્ઠ નેતાઓ આ વાત બરાબર જાણે છે એટલે જ જરાય ઉતાવળ કર્યા વિના શાંતિથી પોતાનું કામ કર્યે જાય છે.




