Tapi

તાપીમાં મુશળધાર વરસાદ, ડોલવણમાં 15 ઈંચમાં પાણી જ પાણી, મીંઢોળા નદીમાં ઘોડાપુર, દુકાનોમાં પાણી ઘૂસ્યાં

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના તાંડવથી તાપી જિલ્લો જળબંબાકાર બન્યો છે. ડોલવણ, વાલોડ અને વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદથી જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. ડોલવણમાં 15 ઈંચ વરસાદ બાદ વ્યારા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવતા વ્યારા-ચીખલી લો-લેવલ પૂલ બંધ થયો છે. નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાપીમાં મુશળધાર વરસાદ, ડોલવણમાં 15 ઈંચમાં પાણી જ પાણી, મીંઢોળા નદીમાં ઘોડાપુર, દુકાનોમાં પાણી ઘૂસ્યાં

Tapi Rain Updates : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે તાંડવ મચાવી રહ્યા છે, જેમાં તાપી જિલ્લો જળબંબાકાર બની ગયો છે. જિલ્લાના ડોલવણ, વાલોડ અને વ્યારા તાલુકામાં મૂશળધાર વરસાદ પડતાં સમગ્ર પંથકમાં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. ડોલવણમાં પંદર ઈંચ જેટલો ભારે વરસાદ ઝીંકાયા બાદ વ્યારા સહિતના આસપાસના વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ક્યાંક રસ્તાઓ નદીમાં ફેરવાયા છે તો ક્યાંક નીચાણવાળા રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

Tapi News.jpg
image.png

સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના તાજેતરના આંકડા મુજબ, આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળામાં જ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં વ્યારા તાલુકામાં સૌથી વધુ 99 મીમી (આશરે 4 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડોલવણમાં 67 મીમી (2.64 ઈંચ), વાલોડમાં 48 મીમી (1.89 ઈંચ), સોનગઢમાં 50 મીમી (1.97 ઈંચ) અને ઉકાઈ વિસ્તારમાં 65 મીમી (2.56 ઈંચ) વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ વધુ વિકટ બની છે. ઉલ્લેખનીય છે કે બુધવાર સવારના 6 વાગ્યાથી ગુરુવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં તાપીના ડોલવણમાં 14.88 ઈંચ જેટલો વરસાદ પહેલાથી જ ખાબકી ચૂક્યો હતો.

image.png

અવિરત વરસાદના કારણે વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ઘોડાપૂર આવ્યા છે. નદી બે કાંઠે વહેતાં વ્યારાથી ચીખલીને જોડતા માર્ગ પર આવેલો લો-લેવલ પૂલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. માર્ગો બંધ થતાં વાહનચાલકો તેમજ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

image.png

સ્થિતિ એટલી ગંભીર બની છે કે વ્યારા શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે. આ પાણી માર્ગો પરથી ઉભરાઈને નીચાણવાળા વિસ્તારમાં આવેલી અનેક દુકાનો અને મકાનોમાં ઘૂસી ગયા છે, જેના કારણે વેપારીઓનો માલસામાન પલળી જતાં ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.