Tapi

તાપી: સોનગઢ ચેકપોસ્ટ પાસે ગમખ્વાર અકસ્માત, લાકડાચોરોનો પીછો કરી રહેલા RFO સહિત 2ના મોત

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
તાપીના સોનગઢ પંથકમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગેરકાયદેસર લાકડા ચોરી કરી ભાગી રહેલા માફિયાઓનો પીછો કરતા વન વિભાગના RFO વિકાસ દેસાઈ અને રેહાન ગામીતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. RTO ચેકપોસ્ટ નજીક થયેલા આ ત્રિપલ અકસ્માતમાં વન વિભાગની કાર અને લાકડા ભરેલી શંકાસ્પદ કાર રસ્તા પર ઉભેલા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાપી: સોનગઢ ચેકપોસ્ટ પાસે ગમખ્વાર અકસ્માત, લાકડાચોરોનો પીછો કરી રહેલા RFO સહિત 2ના મોત

Tapi Road Accident: તાપી જિલ્લાના સોનગઢ પંથકમાં આજે (20મી જુલાઈ) વહેલી સવારે જંગલ સંપત્તિનું રક્ષણ કરતા વન વિભાગની ટીમ પર દુઃખદ આફત આવી પડી છે. તાપ્તી રેન્જના જંગલમાંથી ગેરકાયદે લાકડાની ચોરી કરી ભાગી રહેલા માફિયાઓનો પીછો કરતી વખતે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં વન વિભાગના RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અને અન્ય એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

વહેલી સવારે 4 થી 5 વાગ્યા વચ્ચે બની ઘટના

મળતી માહિતી અનુસાર, તાપી રેન્જના જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ગેરકાયદે ચોરી અને હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી વન વિભાગને મળી હતી. આ માહિતીના આધારે ફરજ પર તહેનાત RFO વિકાસ દેસાઈ અત્યંત સતર્ક હતા. વહેલી સવારે આશરે 4:00થી 5:00 વાગ્યાના સુમારે ઉકાઈ તરફથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ગાડીને રોકવા માટે વન વિભાગની ટીમે ઈશારો કર્યો હતો. પરંતુ, વન વિભાગની ટીમને જોતાં જ શંકાસ્પદ કારચાલકે વાહન ઊભું રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂક્યું હતું. જેથી RFO વિકાસ દેસાઈ અને તેમની સાથેના યુવકે સમયસૂચકતા વાપરીને લાકડા ચોરોની કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ત્રિપલ અકસ્માત

બંને વાહનો પૂરઝડપે સોનગઢ RTO ચેકપોસ્ટ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પીછો કરી રહેલી કાર અને લાકડા ભરેલી શંકાસ્પદ કાર રસ્તા પર ઊભેલા એક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક ત્રિપલ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા RFO વિકાસ દેસાઈ અને રેહાન ગામીત ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અકસ્માતગ્રસ્ત શંકાસ્પદ વાહનમાં ગેરકાયદે લાકડા ભરેલા હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે અને ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.