Tapi

તાપી: શાળા બચાવવા ભૂતિયા વિદ્યાર્થીઓ ઊભા કરી સરકારી નાણાંની લૂંટ!, કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
તાપી જિલ્લાની ડોલારા ગામની બ્રધરન હાઈસ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ દર્શાવી સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ આચરવાના ગંભીર આરોપો લાગ્યા છે. RTI અરજદારે જણાવ્યું કે, શાળાના ઓનલાઇન પોર્ટલ પર વર્ષો સુધી આભાસી વિદ્યાર્થીઓના નામે હાજરી દર્શાવી છેતરપિંડી થઈ છે. અગાઉના તપાસ રિપોર્ટ છતાં માહિતી ન મળતા, દોષિત શિક્ષકો તેમજ અધિકારીઓ સામે ફોજદારી તપાસ અને SIT રચનાની માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તાપી: શાળા બચાવવા ભૂતિયા વિદ્યાર્થીઓ ઊભા કરી સરકારી નાણાંની લૂંટ!, કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા

Tapi Dummy Students School Scam: તાપી જિલ્લાની એક સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળામાં ડમી વિદ્યાર્થીઓ દર્શાવવા, ખોટી હાજરી પૂરવી અને સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ આચરવાના મામલે RTI અરજદારે પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ ગંભીર આરોપો કર્યા છે. અરજદારે લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, શાળાના ઓનલાઇન પોર્ટલ પર વર્ષો સુધી આભાસી વિદ્યાર્થીઓના નામે હાજરી દર્શાવીને સરકારી નાણાંની છેતરપિંડી કરવામાં આવી છે. આમ છતાં, શિક્ષણ વિભાગના અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

તપાસ અહેવાલ છતાં માહિતી આપવામાં આનાકાની

અરજદારે દાવો કર્યો છે કે, અગાઉ થયેલી તપાસમાં ‘ધરણી હાઇસ્કૂલ, ડોલારા’માં વ્યાપક ગેરરીતિઓ અને બોગસ વિદ્યાર્થીઓ હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. તેમ છતાં, માહિતી અધિકાર (RTI) હેઠળ માગવામાં આવેલી માહિતી અંગે જાહેર માહિતી અધિકારી (PIO) દ્વારા 'માહિતી ઉપલબ્ધ નથી' તેવો જવાબ આપવામાં આવ્યો છે, જે કાયદાની જોગવાઈઓનું સીધું ઉલ્લંઘન છે.

શિક્ષકો સામે કડક ફોજદારી તપાસની માગ

અપીલમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, શાળાના કેટલાક શિક્ષકોએ પોતાની નોકરી કાયમી કરવા અને પૂરો પગાર મેળવવા માટે વિદ્યાર્થીઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ઓનલાઇન રેકોર્ડમાં ફેરફાર કર્યા હતા. અરજદારે આ સમગ્ર પ્રકરણને પૂર્વઆયોજિત ષડયંત્ર ગણાવી સાયબર ક્રાઇમ, દસ્તાવેજોની બનાવટ અને સરકારી રેકોર્ડ સાથેની છેડછાડ અંગે સ્વતંત્ર તપાસની માગ કરી છે. તેમણે દોષિત શિક્ષકોને સસ્પેન્ડ કરવા, તેમની સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા તેમજ સમગ્ર કૌભાંડની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની માગણી કરી છે. આ ઉપરાંત, રાજ્ય શિક્ષણ વિભાગ, કેન્દ્ર સરકાર અને બાળ અધિકાર આયોગને પણ આ મામલે લેખિત જાણ કરવામાં આવી છે.

ડોલારાની શાળામાં ડમી વિદ્યાર્થીઓના નામે કૌભાંડનો આક્ષેપ

મહત્વનું છે કે તાપી જિલ્લાના ડોલારા ગામની બ્રધરન હાઇસ્કૂલમાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં આભાસી, ભૂતિયા અને ડમી વિદ્યાર્થીઓના નામે ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ફરિયાદ અનુસાર, વિદ્યાર્થીઓ શાળામાં ગેરહાજર હોવા છતાં વર્ગશિક્ષકો દ્વારા હાજરીપત્રકમાં તેમની ખોટી હાજરી પૂરવામાં આવે છે અને પરીક્ષાના પેપર પણ અન્ય લોકો પાસે લખાવવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ વર્ષોથી અભ્યાસ છોડીને ઘરકામ કે ખેતીકામ સાથે સંકળાયેલા હોવા છતાં તેમના નામ શાળાના રેકોર્ડમાં ચાલુ રાખવામાં આવ્યા છે. ફરિયાદીએ આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાની માગ કરી છે.