તાપીના વ્યારામાં પિકઅપ ટેમ્પો પલટતા 3 લોકોનાં મોત, 5થી વધુ ઈજાગ્રસ્ત, ખેત મજૂરો બન્યા અકસ્માતનો ભોગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tapi Accident : તાપીના વ્યારાના કટાસવાણા ગામે સીમમાં ખેતમજૂરો ભરેલો પિકઅપ ટેમ્પો પલટી મારતા અકસ્માત સર્જાયો છે. ખેતરમાં ડાંગર કાપવાની મજૂરી અર્થે જઈ રહેલા શ્રમિકો પૈકી 2 મહિલાઓ અને એક પુરુષ મળી કુલ 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યું પામ્યા છે. જ્યારે 5થી વધુ શ્રમીકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ટેમ્પા ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી પ્રમાણે, પિકઅપ ટેમ્પામાં આશરે 10 જેટલા મજૂરો ખેતરમાં ડાંગરના લણણી માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતા સમયે ટેમ્પા ચાલકે અચાનક કાબૂ ગુમાવી દેતા ટેમ્પો પલટી ગયો હતો. દુર્ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
રોજીરોટી માટે નીકળેલા 3 શ્રમિકોના મોત
અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ટેમ્પા નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા. દુર્ઘટનામાં ગંભીર ઈજાના કારણે 3 શ્રમીકો ઘટના સ્થળે મૃત્યું પામ્યા હતા. જ્યારે 5 જેટલા શ્રમીકો ઈજાગ્રસ્ત થયા છે જેમની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રોજીરોટી માટે નીકળેલા શ્રમીકોના મોતથી મૃતકોના પરિજનોમાં ભારે આક્રંદ છવાયો છે.
ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.




