વેઠ ઉતારતા શ્રીમંત માસ્તરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એક જમાનામાં આપણા ગુજરાતની શાળાઓમાં એવા આચાર્ય હતા કે જે પોતાના શિક્ષકોનું નેતૃત્વ કરતા હતા. હવે તો આચાર્ય અને શિક્ષક બંને એક જ પાન-માવામાંથી અડધો અડધો મસાલો ખાય છે. જો કે બધી જગ્યાએ કદાચ આવું ન હોય તો પણ વ્યસનની ટકાવારી બહુ ઊંચી છે. ગુજરાતના તમામ આચાર્યોની એક સભા બોલાવવામાં આવે અને એમની લેખિત પરીક્ષા લેવામાં આવે, જેમાં એક જ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારા પ્રિય પુસ્તકનો પરિચય આપો તો એંસી ટકા આચાર્યો નાપાસ થાય. કારણ કે તેમનામાં વાંચનની અભિરુચિ બિલકુલ નથી. આ આચાર્યોના ઘરે દરોડા પાડવામાં આવે તો બેંકોની પાસબુકો, ફિક્સ ડિપોઝિટના સર્ટિફિકેટ પોસ્ટલ પાસબુક, વીમાના કાગળિયા અને સોના-રૂપા મળે, પરંતુ તેઓના ઘરમાંથી દસ સારા પુસ્તકો ન મળે. આ આચાર્યો કે જેમને તેમના જ્ઞાનના વળતરરૂપે અને જ્ઞાનની સારી રીતે વહેંચણી કરવાના કૌશલ સ્વરૂપે ઊંચો પગાર આપવામાં આવે છે તે આચાર્ય પોતાના પગારની બે ટકા રકમ પણ જ્ઞાન સંપાદન પાછળ વાપરતા નથી. આજે શિક્ષકોને આત્મદર્શનની અને જાગ્યા ત્યારથી સવારની જરૂર છે.
આનું પરિણામ એ આવ્યું છે કે ગુજરાતના તમામ કૂવાઓમાં પાણી ખાલસા થઈ ગયું છે એટલે અવેડાઓમાં તો ક્યાંથી આવે? અને જો અવેડામાં ન આવે તો જેને આ શિક્ષકો બે પગા પશુથી વિશેષ કંઈ માનતા નથી તેઓના ભાગે અમૃત આવે એ તો કલ્પનાનો વિષય બની જાય છે. ખરેખર આપણા રાજ્યમાં એક જમાનામાં દરેક શાળામાં રમત ગમતના વીરપુરુષ કહેવાય એવા પીટી ટીચરો હતા, મહાન ચિત્રકાર જેવા કલા શિક્ષકો હતા અને ગ્રંથાલય અને લેબોરેટરીને સતત અપડેટ રાખનારા ગુરુજનો પણ હતા. હવે જે કંઈ છે તે પગારદારોની મોટી ફોઝ છે. વિદ્યાધરો નહિવત્ છે. તેમાંના મોટાભાગના તો આજની તારીખે અપડાઉનનિયા છે. આ લોકો જ્યાં તેમને રોટલો મળે છે તે ગામને ધિક્કારે છે એટલે નજીકના શહેરમાં વસવાટ કરે છે. જે સરકારના કાયદાથી વિરુદ્ધ છે.
હવે તો ગુજરાત સરકારે આ શિક્ષકોનો પીછો કરીને વિવિધ પરીક્ષાઓનું અને ઓનલાઇન મોનિટરિંગનું એવું વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે કે અપડાઉનનિયા લોકો અગાઉની જેમ ડૂબકી દાવ રમી શકતા નથી. દરેક શાળામાં ઓછામાં ઓછા દસ ટકા વિદ્યાર્થીઓ તો આખા રાષ્ટ્રને ઉપયોગી થાય એવી પ્રતિભા ધરાવતા હોય છે. જન્મદરની તુલનામાં આ એવરેજ કુદરતે નક્કી કરેલી છે. દરેક ટોળામાં દસ ટકા તો વિદ્વાનો હોય છે. પરંતુ શાળાના શિક્ષકો એવી રીતે પોતાના વર્ગખંડોને હાંકે છે કે પ્રતિભાઓ હોય તો પણ એના પર અજ્ઞાનતાની ધૂળના એક પછી એક પડળ ચડાવી દે. પેલી પ્રતિભાને જિંદગીભર ખબર જ ન પડે કે કુદરતે એને ચોક્કસ વિષયોમાં કેવી ચોક્કસ બૌદ્ધિક ઊંચાઈ આપેલી છે. શિક્ષકોના વ્યવસાયમાં મનુષ્યની જિંદગી સાથે કામ પાડવાનું હોય છે અને એટલે એમાં જરાક જ બેદરકારીથી વિદ્યાર્થીઓની જિંદગી ઠેબે ચડી જાય છે.
અને એનું પાપ આ શિક્ષકોને લાગે છે. કોઈ પણ શિક્ષકે તેના નોકરીના સમયગાળા દરમિયાન પોતાના વિદ્યાર્થીઓને વાત્સલ્યપૂર્વક સારી રીતે વિદ્યા આપી છે કે નહીં તેનો હિસાબ આ શિક્ષકોના સંતાનોમાં પડઘા રૂપે જોવા મળે છે. જે શિક્ષકોએ પોતાને ખોળે સમાજે મૂકેલા વિદ્યાર્થીઓને ઘડવામાં વેઠ ઉતારેલી છે, તેમના પોતાના સંતાનો વેઠ ઉતારેલા જ દેખાય છે. આ કામચોર શિક્ષકોના સંતાનોને દુનિયામાં કોઈ રાખતું નથી અને જિંદગીના અંત સુધી તેઓ તેમના મૂર્ખ અને ફરજ શૂન્ય માતા પિતાના પેન્શન સામે તાકી રહેતા હોય છે. વડીલોના પેન્શનના ટુકડા પર પોતાની જિંદગી બેઠા ઘાટે બરબાદ કરનારા આવા શિક્ષક સંતાનો સમગ્ર ગુજરાતના ગામેગામ જોવા મળે છે, જે બતાવે છે કે પાછલા પચાસ વર્ષ આપણા એક એવા બદનસીબ વીતેલા છે કે અનેક આળસુના પીર અને અજ્ઞાની શિક્ષકોએ પ્રજાની નવી પેઢીનું ઘડતર કરવામાં ઘોર બેદરકારી દાખવી છે.
શિક્ષકો ધારે તો શાળા સિવાયના સમયમાં ઘણું ગહન અધ્યયન કરી શકે. આ દેશમાં એવા ઘણા શિક્ષકો છે કે જેઓ અભ્યાસ કરતા કરતા રાષ્ટ્રીય ક્ષિતિજે પોતાનું નામ બનાવી ચૂક્યા છે અને નામ ન થાય તો કંઈ નહીં અસલ શિક્ષક જીવનનો આનંદ તો એમને આઠે પહોર મળે. ખરેખર જ જો એમને શિક્ષક તરીકેનું યોગ્ય પર્ફોર્મન્સ ન કરવું હોય તો આ ક્ષેત્ર છોડી દેવું જોઈએ અને જીવનમાં કંઈક બીજું જ અને એ પણ ગમતું જ કરવું જોઈએ. કારણ કે જે કામ તમે હાથેથી કરો છો એનું કોઈ પરિણામ આવતું નથી, જે કામ દિલથી કરો એનું જ તમને અને સમાજને સારું પરિણામ મળે.




