ટાઉન પ્લાનિંગ અદ્ધરતાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એ તો બહુ જ જાણીતી વાત છે કે ભારતીય જનતા પાર્ટી મુખ્યત્વે મહાનગરોની પાર્ટી છે, જ્યાં જ્યાં એની સરકાર છે ત્યાં ગામડાંઓ ભાંગવા લાગ્યા છે અને શહેરો વિકસવા લાગ્યાં છે. ગુજરાતમાં ભાજપે ગોકુળ ગ્રામથી શરૂઆત કરી હતી અને ત્યાંથી તેઓ હવે નગર સુધી આવી ગયા છે. આમાં ગ્રામ વિકાસનો ક્યાંય અત્તોપત્તો હવે નથી. ભોળાભાભા કેશુભાઈ પટેલની જે દુનિયા હતી એનાથી સંપૂર્ણ વિરુદ્ધમાં પક્ષ અત્યારે ચાલી રહ્યો છે. કેશુભાઈએ સત્તા પર આવતા પહેલાં જાહેર કર્યું હતું કે અમે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડત આપીશું. એના બદલે ભાજપના શાસન પછી અસામાજિક તત્ત્વોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે પ્રજાના ભયમાં વધારો થયો છે. અપરાધોની સંખ્યા ઊંચે જઈ રહી છે અને ભ્રષ્ટાચાર તો ટેબલે-ટેબલે ફેલાઈ ગયો છે.
અવારનવાર નમૂનારૂપ કેટલાક વરિષ્ઠ અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાતા જાય છે, પરંતુ તેઓ તો માત્ર અંદર છુપાયેલા વિકરાળ દર્દની એકમાત્ર લાક્ષણિકતા છે. આવાં દ્રષ્ટાન્તો તો જનમનરંજન માટે રજૂ કરાય છે જેથી એમ લાગે કે સરકાર કામ કરે છે.
વાસ્તવિકતા એનાથી ક્યાંય વધારે ભયાનક છે. પ્રજાનાં નાણાં ભરપૂર વેડફાઈ રહ્યાં છે. કોઈપણ ઉદ્યોગ સાહસિકને અને થોડાક જામી ગયેલા ઉદ્યોગપતિઓને સરકારમાંથી વિવિધ પ્રકારની મંજૂરીઓ લેવામાં નાકે દમ આવી જાય છે. હા, તમે લાંચના પૈસા આપો તો જાદુઈ રીતે તમારું કામ થઈ જાય છે. આ જાહેર ખાનગી વાત છે. કેટલી બધી સ્કૂલો તો એવી છે કે જેની પાસે નથી લાઈબ્રેરી, નથી મેદાન અને નથી લેબોરેટરી. છતાં કરોડોની ફી જનરેટ કરે છે.
સરકારનું એ તરફ ધ્યાન જ નથી. નેતાઓ માને છે કે અમે પ્રજાની બેફામ લોકલક્ષ્મી લૂંટીએ છીએ એની તુલનામાં તો શાળા સંચાલકો બિચારા સાવ ક્ષુલ્લક સ્ટેજ ઉપર છે એટલે એને ઉદારતાથી માફ કરી રહ્યા છે, પુરાણોમાં જેમ મોટો દુર્જન નાના દુર્જનને ક્ષમા કરે એમ. ભાજપ મહાનગરોની પાર્ટી છે એ વાત સાચી, પરંતુ હવે તે માત્ર અમદાવાદ મહાનગરની જ પાર્ટી હોય એવું દેખાય છે. રાજ્યનાં બીજા શહેરોના વિકાસમાં એને કોઈ પણ પ્રકારનો રસ નથી. વડોદરા, રાજકોટ, સુરત સહિતનાં અન્ય શહેરોનો વિકાસ ઠેબે ચડી ગયો છે. અમદાવાદને ઓલિમ્પિક નગર બનાવવા માટેનો મોટો ઉત્પાત ચાલી રહ્યો છે. રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓએ સરકારને સલાહ આપી છે કે તમે એક માત્ર અમદાવાદ પર કેન્દ્રિત ન થાઓ અને કો-ઓલિમ્પિક સીટી તરીકે વડોદરા-રાજકોટ જેવા શહેરોને પણ સાથે રાખો.
આટલી બધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થવાની હોય તો એમાંની કેટલીક સ્પર્ધાઓ વડોદરા થાય, કેટલીક રાજકોટ થાય એમ પણ રાખો, જેથી ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિકાસની સમતુલા જળવાય. પરંતુ સરકારે અદ્યાપિ એ વાત ધ્યાનમાં લીધી નથી અને ધ્યાનમાં લે એવું લાગતું પણ નથી. અમદાવાદમાં ટાઉન પ્લાનિંગની કોઈ પણ ફાઈલ અને ટીપી સ્કીમ રમતા રમતામાં ઓકે થઈ જાય છે, પરંતુ બાકીના મહાનગરોમાં આ ફાઈલો ૭-૮ વર્ષ સુધી ટેબલે-ટેબલે અથડાતી રહે છે અને છેવટે પરામર્શન માટે એને બોર્ડ સમક્ષ લાવવામાં આવે છે, જ્યાં પણ બાકીનાં વર્ષો પસાર કરવામાં આવે છે. અમદાવાદની ટીપી સ્કીમો મહિનાઓમાં મંજુર, પરામર્શ ને ફાઈનલ થઈ જાય છે. રાજકોટ સહિતનાં શહેરો હાંસિયામાં મૂકાઈ ગયા છે. એને કારણે મોટા ગજાના શહેરોનો વિકાસ અદ્ધરતાલ થઈ જાય છે. રાજ્યમાં શહેરી વિકાસ મંત્રાલય છે, પરંતુ મહાપાલિકાઓ અને નગરપાલિકાઓ પર મોનિટરિંગની એની પાસે કોઈ સિસ્ટમ નથી. અરે એની પાસે વર્તમાન કામકાજની ડેટા બેંક પણ નથી.
એના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પાસે રાજ્યના શહેરોના વિકાસનો કોઈ વ્યવસ્થિત રોડ મેપ પણ નથી અને ભાજપ જે પોતાના બજેટ સહિતના ભાષણોમાં આવતા પાંચ ને પચીસ વર્ષનાં સ્વપ્ન તરંગો રજૂ કરે છે એવા આવતા એક વર્ષના તરંગો પણ આ શહેરી વિકાસ ખાતા પાસે નથી. વળી, ભાજપના નગર વિકાસમાં કંઈ સાયન્ટિફિક સિસ્ટમ કે જ્યોગ્રોફિકલ એડવાન્સમેન્ટ નથી. ભાજપ પોતાના મિત્રશ્રીમંતોના કલ્યાણ માટેની ચાવી-કી પોતાના ખિસ્સામાં રાખે છે અને એટલે આ સરકારમાં ઈ-ગવર્નન્સ નથી પણ કી - ગવર્નન્સ છે એમ સચિવાલયોની લોબીમાં સાંભળવા મળે છે.








