Tantri Lekh

સરકારની વ્યસન પ્રીતિ

By GS Team
1 Sep 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં લઠ્ઠાકાંડ બાદ અન્ય વ્યસનોની ઉપેક્ષા સામે સવાલ ઉઠ્યા છે. શાળાઓમાં લાયબ્રેરી, પ્રયોગશાળા અને રમતગમતના મેદાન વિના પ્રતિભાઓનું નિર્માણ અશક્ય છે. છેલ્લા 3-4 દાયકાથી શાળાઓમાં ટકાવારીનું ભૂત સવાર છે, જેના કારણે વિદ્યાર્થીઓ સામાન્ય ગૃહસ્થના ગુણો પણ કેળવી શકતા નથી. 75% શિક્ષકો વ્યસની હોવાથી બાળકોનું કલ્યાણ થઈ શકતું નથી. માતાપિતાની જાગૃતિ જ સારા પરિણામો લાવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારની વ્યસન પ્રીતિ

હમણાં શરાબ અનેક લઠ્ઠાકાંડ તરફ સરકારનું ધ્યાન ગયું છે અલબત્ત થોડા સમય માટે પરંતુ બીજા વ્યસનો સાઈડમાં રહી ગયા છે અથવા તો ઈતર વ્યસનો અને એના વ્યસનીઓ તરફ સરકારની સહાનુભૂતિ છે. આપણા ગુજરાતમાં એવી કોઈ પ્રાથમિક શાળા છે કે જેના સો વિદ્યાર્થીઓ આઈએએસ થયા હોય ? નથી. કાંઈ વાંધો નહિ. દસ વરસમાં દસ વિદ્યાર્થીઓ આઈએએસ થયા હોય એવી કોઈ શાળા ગુજરાતમાં ખરી કે નહિ ? નહિ. એવી હાઈસ્કૂલો કેટલી ? કોલેજો કેટલી ? લાયબ્રેરીઓ વિનાની શિક્ષણ સંસ્થાઓ બેકાર છે. ગુજરાતી પ્રજા શાળા કોલેજના તોતિંગ બાંધકામ જોઈને ચિક્કાર ફી આપીને એડમિશન મેળવે છે. લાયબ્રેરી, પ્રયોગશાળા અને રમતના મેદાન વિના પ્રતિભાઓનું નિર્માણ શક્ય નથી. ગ્રાન્ટેડ શાળાઓની લાયબ્રેરીની અનુદાનિત રકમ જૂના આચાર્યો ગળી જતા. હવે સરકાર પોતે જ પુસ્તકો ખરીદીને દરેક શાળામાં મોકલાવે છે. એ પુસ્તકો કબાટમાં પડયા જ રહે છે. કોણ વાંચે ? ભણેલા અભણોના દેશમાં પુસ્તકનું મૂલ્ય કોને સમજાય ?
સારા પુસ્તકનું એક વાક્ય વિદ્યાર્થીની આખી જિંદગી બદલાવે છે. એ નક્કી નથી કે ક્યું વાક્ય એના ચિત્ત-આકાશમાં ચમકશે અને ક્યારે એનો નવ્યાવતાર થશે. પરંતુ પ્રતિભાના ઉદઘાટન માટેની સર્વ વ્યવસ્થા સંસ્થાઓએ કરી આપવી જોઈએ. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી શાળાઓ પર ટકાવારીનું ભૂત સવાર છે. વાલીઓ પણ એ દોડમાં જોડાયા છે. એનું પરિણામ એ આવ્યું છે કે વિદ્યાર્થી મોટા થાય ત્યારે સામાન્ય ગૃહસ્થ તરીકેના સુલક્ષણો પણ એનામાં કેળવાતા નથી. નથી એને કરિયાણું લેતા આવડતું કે નથી એને શાકભાજીમાં ખબર પડતી. એટલે ભારે ભણતર પછીય એના પોતાના ઘરમાં અઢળક રાસાયણિક ખાતરયુક્ત ખોરાક ઠલવાય છે ને આખો પરિવાર દવાખાનાના મેદાનમાં ચક્કી પિસિંગ એન્ડ પિસિંગ !
આપણી પ્રાથમિક શાળાઓએ છેલ્લા ત્રણ-ચાર દાયકામાં માત્ર બાઘાઓનું નિર્માણ કર્યું છે. જેના પર સરકારો અભિમાન લેતી હોય છે એ શાળાના ઓરડાઓ અને શૌચાલયો છે. આજ સુધી કદી કોઈ સરકારે શાળાઓમાં રહેલા પુસ્તકોની સંખ્યા પ્રજાને કહી નથી. સાવ ખોટા મુદ્દાઓના જ ઢોલ વગાડયા છે. વળી પ્રજાએ સાંભળ્યા છે. આ બાઘા વિદ્યાર્થીઓની માતાઓ માથે બેડા લઈને ગામને પાદરે જેમનું સ્વાગત કરવા ટોળે વળે છે એ લોકોએ જ એમના સંતાનોના ભવિષ્ય માટે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.
પ્રજાએ એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે કોઈ સરકાર કે કોઈ નેતા એના સંતાનોની એકેડેમિક લાઈફમાં કોઈ ચમત્કાર કરી શકે નહિ. એવી અપેક્ષા રાખવી એ જ મૂર્ખતા છે. શિક્ષકો ધારે તો બાજી પલટાવી શકે. પરંતુ સ્ત્રીઓ એટલે કે શિક્ષિકાઓ સિવાયના જે શિક્ષકો છે એમાંથી પંચોતેર ટકા શિક્ષકો પાન-મસાલા-ગુટખા-ગુટખીના વ્યસની છે. વ્યસની વિદ્યાવાન ન હોઈ શકે એટલે એ પગારદાર દુર્જનો તમારા સંતાનોનું કલ્યાણ કરી ન શકે. એમના વ્યસનો પર આચાર્યો કે કેળવણી નિરીક્ષકોનો અંકુશ નથી કારણ કે મહત્ કિસ્સાઓમાં ખુદ ગબ્બર વ્યસની છે. ગુજરાત પ્રજાએ પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી કમાયેલા પૈસા જ્યાં રીતસર પાણીમાં જાય છે એ વિદ્યાક્ષેત્ર છે.
છતાં કેટલાક સારા પરિણામો જોવા મળે છે એનું કારણ માતાપિતાની જાગૃતિ છે. તેઓ પોતાના પાલ્યના શિક્ષકો અને આચાર્યને નિયમિત મળે છે. વિદ્યાર્થી ઘરે હોમવર્ક કરે ત્યારે પિતા પાસે બેસે છે. માતા તો હોમ(નું) વર્ક આખો દિવસ કરતી જ હોય છે. પરંતુ પિતાની નજર પડે તો ફેર પડે છે. જ્યાં સિંગલ પેરેન્ટ ચાઈલ્ડ હોય એટલે કે એકલવાયી માતા જ જવાબદારી ઉપાડતી હોય ત્યાં એણે આકરા થવું પડે તો જ સંતાનની ગાડી પાટે ચડે. શિક્ષણનું મુખ્ય કામ પાઠય વિષયોમાં એની રસવૃત્તિને સક્રિય કે પ્રવૃત્ત કરવાનું છે અને એ તો ભાગ્યે જ કોઈને આવડે છે. અભ્યાસક્રમ પૂરો કરવામાં જિંદગીના પાઠ અધૂરા રહી જતા હોય છે એ કહેવાતા મા-સ્તરના પગારદાર માનસને કોણ સમજાવે ?
ટેકનોલોજીના ધૂમ વિકાસનો ઉપયોગ જો આવડે તો વિદ્યાર્થીઓ હવે પહેલા જેટલા શાળા-કોલેજ પર નિર્ભર નથી. દરેક વિદ્યાર્થીને એકલવ્ય બનવાની અને ઉચ્ચ ગિરિશિખરો સર કરવાની તક ઈન્ટરનેટે આપી જ દીધી છે. એમ માનો કે અર્વાચીન યુગની આ એક ચમત્કૃતિ છે. પણ એને આત્મસાત કરવા માટે જે આત્મશક્તિ અને સંકલ્પ જોઈએ એ તો વિદ્યાર્થીમાં જ વિદ્યમાન હોવા જોઈએ. એ કંઈ ટેકનોલોજી ન આપે.