Tantri Lekh

અર્થતંત્ર પડખું ફેરવે છે

By GS Team
5 Aug 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રના બજેટ બાદ GST સુધારણાથી બજારો પાટે ચડ્યા છે. બાંધકામ ક્ષેત્રે મંદીમાંથી બહાર આવી નવા પ્રોજેક્ટ શરૂ થયા છે. રાજ્ય સરકારે ડબલ જંત્રી મોકૂફ રાખી રિયલ એસ્ટેટને મોટી દુર્ઘટનામાંથી બચાવ્યું. જોકે, GST અને નોટબંધીથી બેરોજગારી વધતાં શહેરોમાં બાંધકામ ક્ષેત્રે મંદી છવાઈ છે. આગામી ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા લક્ષ્મીનો પ્રવાહ બજારમાં રોનક લાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અર્થતંત્ર પડખું ફેરવે છે

બજારમાં સતત સુધારો ચાલુ છે. કેન્દ્ર સરકારે ગત બજેટ રજૂ કર્યા પછી બજારમાં કંઇ લીલી વાડી તો થઈ ન હતી પરંતુ બજેટ પહેલા જે જીએસટીની ભૂલ સુધારણાનો ગંજાવર વ્યાયામ કરવામાં આવ્યો એને કારણે દેશના વિવિધ બજારો હવે ધીરે ધીરે રહી રહીને પાટે ચડવા લાગ્યા છે. દેશના બાંધકામ ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી મંદીનો માહોલ છે. એમાં હવે બિલ્ડરોને પોતાની જૂની મૂડી સામાન્ય નફા સાથે છૂટી થતી જોવા મળે છે. એનાથી હવે નવા પ્રોજેક્ટના આરંભ પણ દેખાવા લાગ્યા છે. રાજ્ય સરકારે નવી ડબલ જંત્રીનો અમલ મોકૂફ રાખ્યો એ ડહાપણનું કામ છે. એનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટી આર્થિક દુર્ઘટના ટળી છે. દેશના મોટા ભાગના બિલ્ડરો કોસ્ટકટિંગની નાગચૂડમાં ફસાયેલા છે. મંદીની આ એક વિશેષ લાક્ષણિકતા છે જે આગળ જતાં ખુદ બિલ્ડરોને બજારમાં નિષ્ફળ બનાવે છે. પડતર નીચે લાવવાના પ્રયત્નો બાંધકામ અને તત્ સંબંધિત મેનેજમેન્ટની આભા ખલાસ કરે છે.
દેશના મહાનગરો અને મધ્યમ કક્ષાના શહેરો પણ હવે નવા રિંગ રોડથી વીંટળાવા લાગ્યા છે. એનો અર્થ એ છે કે આ રિંગ રોડ નામની અભિનવ માર્ગ સંસ્કૃતિ દરિયા કિનારા સિવાયના દેશના તમામ શહેરોને ભવિષ્યમાં વર્તુળાકારમાં રૂપાંતરિત કરી દેશે. આપણા શહેરો તબક્કાવાર એક બાઝારમાં રૂપાંતરિત થઈ રહ્યા છે અને એને કોઈ અટકાવી શકે એમ નથી. બજારનો એક ફાયદો એ છે કે એમાં સ્વતંત્રતાનું હવામાન હોય છે જેનો લાભ સમજણ ધરાવતા ગ્રાહકોને મળે છે. ગુજરાતના ગ્રામવિસ્તારોમાંથી શહેરમાં આવવાનો પ્રવાહ અવિરત ચાલુ હતો અને એ જ બાંધકામ ક્ષેત્ર માટે વસંત ઋતુના પગલા હતા. પરંતુ જીએસટી અને નોટબંધી પછી દેશમાં જે લોકો ચાલુ નોકરીએ હતા ને એમાંથી વિસ્થાપિત થઈ ગયા તેવા નવા બેરોજગારો અઢળક સર્જા. તેને કારણે શહેર તરફ જવાની દોડ ધીમી પડી ગઈ છે. આ ધીમી દોડને કારણે જ દેશના શહેરોમાં બાંધકામ ક્ષેત્રે મંદી આવી છે.
આજે મુંબઈ, સુરત અને વાપી-વલસાડમાં એવા અનેક પરિવારો છે જેઓ વતનમાં પાછા આવી ગયા છે અથવા પાછા ફરવાનું વિચારી રહ્યા છે. વતનમાં પણ કોઈ રોજગારીના અવસરો નથી એટલે અત્યારે તો હજુય અનેક ફરી નવી નોકરી ઝંખતા લોકો આવતીકાલની આશાએ જ્યાં છે ત્યાં ટકી રહ્યા છે. હવે જો ખરેખર જ બજાર ધમધમતી ન થાય તો તે પરિવારો અને ગૃહસ્થો માટે મોટું સંકટ સાબિત થશે. તેમની સ્થિતિ જાયે તો જાયે કહાઁ જેવી થઈ શકે છે. બીજી તરફ ઘણા લાંબા સમય પછી દેશના શિક્ષિત બેરોજગારો એવા વળાંક પર આવી પહોંચ્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં હવે તેમને સંકોચ થવાનો નથી, કોઈ પણ કામ તેમણે હાથમાં લેવું પડશે. હવે યુવા વર્ગને આખું પકોડા પ્રકરણ સમજાઈ ગયું છે.
તેમને ખ્યાલ આવી ગયો છે કે તેમના ઉદ્ધારક તેઓ પોતે જ છે. આ દેશના કોઈ પણ રાજનેતાની કોઈ પણ વારતાઓ સાંભળવાથી તેમનું કલ્યાણ થવાનું નથી. એન્જિનિયરો પ્રાથમિક શાળામાં ભણાવે છે અને એમ. એ. એમ. ફિલ. થયેલાઓ તલાટી થવાની કસોટી આપે છે. આ તો માત્ર શરૂઆત છે. નાની પોસ્ટમાં અતિલાયકાત ધરાવતા લોકોની રેસ જોવા મળે છે. કેળવણી જ ન હોય અને માત્ર ડિગ્રી અને ટકા હોય એવો મોટો સમુદાય આ બેરોજગારોમાં છે. તેઓ હજુય વોટસએપ અને ફેસબુકમાં રમે છે. તેઓ જાણતા જ નથી કે કેવો મહામૂલો સમય તેઓ અન્યત્ર આપે છે. નજરોનજર દેખાય છે કે ઘર માટે કરિયાણું કમાઈ લેવાના સમયમાં તેઓ સોશ્યલ મીડિયામાં રમતરાળા કે ચેનચાળા કરતા હોય છે. રોજીરોટી કમાવાના વિકલ્પમાં મનોરંજનની મહેફિલ શું પરિણામ લાવે ? એવા વિનીપાતથી નવી પેઢીએ પોતે જ પોતાને ઉગારી લેવાની છે.
ભારતમાં ચૂંટણીઓ આવે ત્યારે બજારમાં નવો રૂપિયો ફરતો થાય છે ને એનો લાભ પણ બજારને મળે છે. કેન્દ્ર સરકારે અથાક પ્રયત્નો કરીને છેલ્લા પાંચ વરસમાં ભારતીય બજારને ડહોળવાની પૂરેપૂરી કોશિશ કરી છે અને એનો મુખ્ય યશ તો દિવંગત અરૂણ જેટલીને ફાળે જાય છે. સીતારામને સંયોગો સુધારી આપ્યા છે. પરંતુ આગામી વિવિધ રાજ્યોની ચૂંટણીનો જંગ જીતવા માટે બધા જ રાજકીય પક્ષો લક્ષ્મીનો જે મહાનદ વહેતો કરશે તે બજારની રોનક જમાવી દેશે. એનો અર્થએવો નથી કે શેરબજાર હજુ વધુ સુધારો બતાવી ઊંચા મથાળે પહોંચશે.