Tantri Lekh

મોંઘવારીના કારમા ઘા

By GS Team
8 Aug 20264 mins read
TukuTouch Logo
દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, જેના કારણે લોકોનું પારિવારિક બજેટ ખોરવાયું છે. અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણ મુજબ, ગ્રામીણ અને શહેરી ભારતમાં ખર્ચ સમાન છે, જે દર્શાવે છે કે લોકો સ્ટેટસ જાળવવા બિનજરૂરી ખર્ચ કરે છે. પરિણામે, બચતો ઘટી રહી છે અને જૂની બચતો પણ તૂટી રહી છે. આ સ્થિતિમાં, સરકારે ખર્ચ સંયમ અને પુરુષાર્થ પર ધ્યાન આપવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારીના કારમા ઘા

દેશમાં મોંઘવારીએ ઊંચી છલાંગ લગાવી છે અને ચોતરફ વિવિધ રૂપે-સ્વરૂપે એની બુમાબુમ જોવા મળે છે. માત્ર ભાજપ સરકારના છેલ્લાં દસ-બાર વરસનું આ ફલિતવ્ય છે એમ માનવાને કોઈ કારણ નથી. કેટલીક યોજનાઓ દ્વારા અને છુટક પ્રયાસો દ્વારા પ્રજાહિતનાં કામો થયા હોય તોય એનો સરવાળો સરખો બેસતો નથી. આ વિકટ સમયે માત્ર રાજકીય પક્ષો કે શાસકો પર આક્ષેપ કરતા રહેવાને બદલે ભારતીય સમાજની જીવનશૈલી તરફ પણ નજર નાંખવાની જરૂર છે. સ્ટેટસ જાળવવાના લોભમાં મોહાંધ થઈને લોકો પોતાના પારિવારિક બજેટને ઊંચુ લઈ જતા જોવા મળે છે. વિવિધ પ્રસંગો અને સમારંભો પણ પરિવારની પ્રતિષ્ઠાના મહામૂલા વિજયધ્વજ બની ગયા છે.
અર્થશાસ્ત્રીઓએ છેલ્લે કરેલા 'ઈન્ડિયન એક્સપેન્ડિચર'ના સર્વેક્ષણોમાં આશ્ચર્યજનક હકીકત એ છે કે અનેક પ્રકારના ખર્ચમાં ગ્રામીણ ભારત અને શહેરી ભારતનો ખર્ચ સમાન છે. એટલે કે ગ્રામ વિસ્તારોમાં પારિવારિક ખર્ચની પડતર બહુ નીચી આવે છે એ માન્યતા અખિલ ભારતની સરેરાશે સાચી ઠરતી નથી. આપણે ત્યાં એવાં પણ રાજ્યો છે જેના ગ્રામ વિસ્તારોમાં પારિવારિક ખર્ચ વધુ ઊંચી સરેરાશે પહોંચે છે. પોષાક, પ્રસંગો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને મોજશોખમાં ખર્ચ સરખો રહે છે. આપણે ત્યાં જેને 'હટાણું' કહેવાતું એટલે કે નજીકની મોટી બજારમાં ખરીદી કરવા આવતા ગ્રામવાસીઓનું સામુદાયિક અભિવર્તન - તે હજુ પણ જિલ્લા અને તાલુકા કેન્દ્રો તરફ ચાલુ રહેલું છે. ભારતીય કન્ઝયુમર માર્કેટ તરફ દુનિયાભરના ઉત્પાદકોનું આકર્ષણ એટલે જ વધ્યું છે કે ભારતીય પ્રજા બિનજરૂરી અને વધારાની ખરીદી કરતી વખતે વૈચારિક ક્ષમતાઓને સ્થગિત કરી દેવાની કુશળતા ધરાવે છે.
જીએસટીની શરૂઆતના તબક્કામાં કોઈ કોઈ રેસ્ટોરન્ટને ઘણા લાંબા વરસો પછી રવિવારે સૂમસામ રહેવાનો મોકો મળ્યો હતો, પરંતુ એ માત્ર થોડાં સપ્તાહોનો જ સન્નાટો હતો. આજે તમામ રેસ્ટોરન્ટ્સ પર હતો એવો ને એવો ઘેરાવો-ધસારો થઈ ગયો છે. બજારની મોસમી ભીડમાં એ અવાજ ક્યારેય સંભળાતો નથી જે પરિવારની બચતો ભેખડની જેમ ધસી પડવાથી, તૂટી પડવાથી થાય છે. એક તો બચતો પરના વ્યાજ ઘટી રહ્યા છે. ભાજપ સરકારે નાની બચતોનો તા કેન્દ્રમાં સત્તા પર આવતાવેંત મૃત્યુઘંટ વગાડેલો છે. આજે એ દુર્ઘટનાને બાર-તેર વરસ થવા આવ્યા છે. રાષ્ટ્રીયકૃત બેન્કો વ્યાજના દરો ઘટાડવા માટે દર ત્રણ મહિને રિઝર્વ બેન્ક સામે તાકીને જોયા કરે છે. બચતો ઘટી એ તો ઠીક છે પણ જૂની બચતો પણ હવે ભંગાણને આરે આવવા લાગી છે. બજારમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો જૂની બચતોને તોડતા જોવા મળે છે. મોંઘવારી જ્યારે એની પરાકાષ્ઠાએ હોય છે ત્યારે દેખાતાં આ લક્ષણો છે.
ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં કહ્યું છે કે ગૃહસ્થને જ્યારે સાધુ થવાનું મન થાય અને સાધુને જ્યારે ગૃહસ્થ થવાનું આકર્ષણ જન્મે ત્યારે માનવું કે કલિયુગનો પ્રભાવ વધ્યો છે. મોંઘવારીને કારણે ગૃહસ્થને એની નિભાવ ખર્ચની માસિક જવાબદારી પરત્વે કમ સે કમ વૈરાગ ન આવી જાય તે જોવાની જવાબદારી સરકારની નથી, એના ખર્ચ સંયમની અને એના પૂરતા પુરુષાર્થની છે. પહેલા કદી જોવા ન મળતો એવો એક વર્ગ છે, જેને કોઈ જ કામ કરવું નથી. તેઓ મનોરંજન, મોબાઈલ અને બેઠાડુ જીવનના શિકાર બની ગયા છે. બેરોજગારી છે એ હકીકત છે, પરંતુ કામ ન કરનારાઓ પણ છે ને એ પણ હકીકત છે. એવા કામચોર લોકોની સંખ્યા ભારતમાં નાની નથી.
રંગ અવધૂત મહારાજ એક જમાનામાં નર્મદાના કાંઠે બેઠા બેઠા ગુજરાતી પ્રજાને કહેતા હતા કે મગજ ઠંડુ રાખો અને હાથપગ ગરમ રાખો એટલે કે શાંતિથી કામકાજ આગળ ધપાવતા રહો. નવી પેઢીને કોઈ ને કોઈ કામકાજમાં જોડવામાં વાલીઓ ગોથાં ખાઈ રહ્યા છે અને એનું પરિણામ પણ જોઈ રહ્યા છે. ભારતીય શૈક્ષણિક પરંપરામાં વ્યાવસાયિક શિક્ષણ મહદ અંશે બાદ થઈ ગયું છે. ઈ.સ. ૧૯૭૦ સુધી આપણે ત્યાં દરેક પ્રાથમિક શાળાઓમાં ઉદ્યોગ ભવનો હતા. તેમાં ખાદી કાંતવાના પ્રયોગો થતા. પરંતુ પ્રજાને જ રસ ન પડવાથી એ પરંપરા અટકી ગઈ. હજુ પણ જૂની કેટલીક શાળાઓમાં એ ખખડધજ ઉદ્યોગ ભવનો ઊભા છે. એના રિપ્લેસમેન્ટમાં શાળાઓએ માત્ર વધારાના પોતાના જ કોચિંગ વધારીને ટકાવારીની રેસ ચાલુ કરી છે, પરંતુ એ રેસ બહુ જ ઓછા વિદ્યાર્થીઓને કામમાં આવે છે. તો પણ એક નવો વર્ગ પણ છે કે જેઓ કમાતા જાય છે ને ભણતા જાય છે. કોલેજના પહેલા વરસમાં આવે ત્યારથી જ જો વિદ્યાર્થી આમ કમાણી કરતા શીખે તો જ એ એના લગ્ન સુધીમાં પરિવારનો નિભાવ ખર્ચ કે એથી વધુ કમાણી કરવા સુધી પહોંચે એ આ બદલાયેલા સમયનો તકાજો છે.