મેડિકલ વેસ્ટ કૌભાંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિકાસની આંધળી દોડમાં માનવીય મૂલ્યો અને નૈતિકતા કઈ હદે ભોંયતળિયે જઈ બેઠા છે, તેનું આનાથી વધુ ભયાવહ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? નફાખોરીની ગીધવૃત્તિએ આજે સમાજને એવા વળાંક પર લાવીને ઊભો કરી દીધો છે જ્યાં અમુક અસામાજિક તત્ત્વો માટે માનવજીવનનું મૂલ્ય કાગળના થોડા ટુકડાઓથી વિશેષ રહ્યું નથી. સંપૂર્ણ પોષણ આપતા દૂધમાં રસાયણોની ભેળસેળ કે નકલી દવાઓનો કાળો કારોબાર એ અત્યાર સુધી નૈતિક પતનની ચરમસીમા મનાતી હતી. પરંતુ તાજેતરમાં પંજાબમાં પકડાયેલા 'બાયોમેડિકલ વેસ્ટ' અર્થાત તબીબી કચરાના ગેરકાયદેસર રિસાયક્લિંગ કૌભાંડે આખી વ્યવસ્થાની કરોડરજ્જુમાં ભયનું લખલખું પસાર કરી દીધું છે. જ્યારે બીમારીના ઈલાજ માટે વપરાયેલી અને લોહીથી ખરડાયેલી સામગ્રી નાશ પામવાને બદલે સસ્તા રમકડાં બનીને કોઈ માસૂમ બાળકના હાથમાં પહોંચે, ત્યારે તે માત્ર કાયદાનો ભંગ નથી રહેતો, તે માનવતા પર આચરાયેલો એક અક્ષમ્ય અને ક્રૂર અપરાધ બની જાય છે.
હોસ્પિટલો, બ્લડ બેંકો અને પેથોલોજી લેબમાંથી નીકળતો કચરો એ કોઈ સામાન્ય કચરો નથી; તે રોગચાળાનો જીવતો જાગતો ટાઈમ-બોમ્બ છે. પંજાબમાં પોલીસના દરોડા દરમિયાન ગોદામોમાંથી લોહીવાળા કોટન પેડ, વપરાયેલી સિરિંજ, ગ્લોવ્ઝ અને બ્લડ સેમ્પલની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો, જે સીધો જ ભંગારના ડીલરો મારફતે પ્લાસ્ટિક ઉત્પાદકો સુધી પહોંચતો હતો. આ કોઈ છૂટીછવાઈ કે અકસ્માતે બનેલી ઘટના નથી, પરંતુ એક અત્યંત સુવ્યવસ્થિત અને ઘાતક સિન્ડિકેટનો હિસ્સો છે. બાયોમેડિકલ વેસ્ટમાં વપરાતું પ્લાસ્ટિક ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે, જેની સસ્તી ઉપલબ્ધતા ઉત્પાદકોનો ખર્ચ ઘટાડે છે. આ જ લાલચમાં હેપેટાઇટિસ, એચઆઈવી અને અન્ય બેક્ટેરિયલ ચેપથી લથબથ આ સામગ્રીઓ સીધી જ બજારમાં, આપણા ઘરોમાં અને રોજિંદા વપરાશની વસ્તુઓમાં છૂપા મોતના રૂપમાં પ્રવેશી રહી છે.
આ સમગ્ર નાટકમાં સૌથી વધુ આઘાતજનક અને ચિંતાજનક બાબત આપણી નિયમનકારી વ્યવસ્થાની ગુનાઇત શિથિલતા છે. ભારત સરકારે 'બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, ૨૦૧૬' અંતર્ગત કચરાના સંગ્રહ અને નિકાલ માટે અત્યંત કડક અને સ્પષ્ટ માર્ગદર્શિકાઓ ઘડી છે. માત્ર પંજાબની જ વાત કરીએ તો ત્યાં છ જેટલી સત્તાવાર ટ્રીટમેન્ટ સુવિધાઓ છે, જે રોજના ૨૦,૦૦૦ કિલોગ્રામ કચરાનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવા સક્ષમ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ભઁભમ્) દ્વારા વાહનોનું જીપીએસ ટ્રેકિંગ અને બારકોડ આધારિત ઓનલાઈન ડેટા અપલોડ થતો હોવા છતાં, પકડાયેલા કચરા પર એક અધિકૃત કંપનીનો જ બારકોડ હોવો, એ સિસ્ટમની મિલીભગતની ચાડી ખાય છે. વહીવટીતંત્રની આંખ આડા કાન કર્યા વિના હોસ્પિટલના દરવાજેથી આ ઝેરી કચરો ભંગારના ગોદામ સુધી પહોંચી જ ન શકે.
કોવિડ-૧૯ની મહામારીએ આપણને બહુ કડવી રીતે શીખવ્યું છે કે મેડિકલ કચરાનું યોગ્ય વ્યવસ્થાપન ન થાય તો તે કેવી જીવલેણ આફત નોતરી શકે છે, છતાં આપણે તેમાંથી કોઈ ગંભીર બોધપાઠ લીધો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉર્લ્લં) અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (ેંશઈઁ) વારંવાર ચેતવણી આપે છે કે તબીબી કચરાના અયોગ્ય નિકાલથી માત્ર જમીન અને ભૂગર્ભ જળ જ પ્રદૂષિત નથી થતા, પરંતુ તેને ખુલ્લામાં કે ગેરકાયદે ભઠ્ઠીઓમાં સળગાવવાથી પેદા થતા ડાયોક્સિન અને ફ્યુરાન જેવા ઝેરી વાયુઓ લાંબા ગાળે કેન્સર જેવી ભયાનક બીમારીઓને આમંત્રણ આપે છે, પરંતુ કાયદાની છટકબારીઓ અને ભ્રષ્ટાચારને કારણે પકડાયેલી એજન્સીઓ સામાન્ય દંડ ભરીને ફરીથી આ જ કાળા કારોબારમાં સક્રિય થઈ જાય છે.
આ સમસ્યાનો ઉકેલ માત્ર સરકાર કે પોલીસના ભરોસે છોડી શકાય તેમ નથી; તેમાં સમગ્ર આરોગ્ય માળખાની સમાન જવાબદારી છે. હોસ્પિટલના સંચાલકોથી લઈને ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કચરો પરિવહન કરતી એજન્સીઓએ પોતાની નૈતિક અને કાનૂની ફરજ નિભાવવી પડશે. દરેક હોસ્પિટલમાં કચરાના વર્ગીકરણ માટે સઘન દેખરેખ અને ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવી અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત, જાગૃત નાગરિકો તરીકે આપણે પણ બજારમાં મળતા અત્યંત સસ્તા અને શંકાસ્પદ ગુણવત્તાવાળા પ્લાસ્ટિક ઉત્પાદનોની ખરીદી ટાળવી જોઈએ. માંગ ઘટશે તો જ આ ગેરકાયદેસર સપ્લાય ચેઇન પર પ્રહાર થઈ શકશે. એક સમાજ તરીકે આપણે નફાખોરીના આ ષડયંત્ર સામે જાગૃત થવું જ પડશે.









