ભારત પાસે વાળ,ચીન પાસે વિગ 940 મિલિયનના ડોલરનો વેપાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એક કિલો વાળની કિંમત અંદાજે ૮૫,૦૦૦ રૂપિયા
- પ્રસંગપટ
- તિરૂપતિમાં વાળની હરાજી થાય છે. ગયા મહિને આવા અંદાજે ૯૦૦ કિલો પ્રીમિયમ વાળની હરાજી કરવામાં આવી હતી
- સૌથી લાંબા વાળને રેકોર્ડ ધરાવનાર રેણુ ઘારીયા અને ચીનમાં વેચાતી વિગ
લાબાં વાળ વાળી મહિલા કે ચોટલો અને અંબોડા સાથેની મહિલાઓ ભાગ્યે જ જોવા મળે છે.
તૈયાર અંબોડા ને ચોટલા બંને બજારમાં મળે છે. માથાના વાળનું બજાર ગરમ છે. નાના બાળકની બાબરી ઉતરાવાય તેના વાળથી માંડીને લાંબાવાળ કાપતા સલૂનો સુધી કપાયેલા વાળની ડિમાન્ડ છે. દક્ષિણના રાજ્યોમાં મહિલાઓ વાળ નથી કપાવતી. તેને આભૂષણ ગણે છે
જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક વગેરેમાં લાંબાવાળ વાળી મહિલા ખાસ કરીને જોબ કરતી મહિલાઓ લાંબા વાળને સમસ્યા ગણતી આવી છે. કુદરતી વાળ કાપી નખાવવા એ કમનસીબી છે પરંતુ કેટલાક માટે તે શોખનો વિષય હોય છે. કોઇ મહિલા વાળ વેચવા માટે નથી કપાવતી પરંતુ ક્યાંતો શોખ માટે વાળ કપાવે છે કે મંદિરોમાં વાળ અર્પણ કરીને પોતાની ભકિતના દર્શન કરાવે છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે તમને ગમતી વસ્તુ ભગવાનને દાનમાં આપી દેવી. અહીં વાત શ્રધ્ધાની છે. લોકો પહેરેલા ઘરેણાની સાથે વાળ પણ ઉતારી નાખે છે.
ભારતની મહિલાઓના વાળની ડિમાન્ડ વૈશ્વિક બજાર ખાસ કરીને ચીનમાં બહુ મોટા પાયે છે. ભારતમાં લાંબા વાળ વાળી મહિલાઓની સ્પર્ધામાં માંડ ૨૦૦ મહિલાઓ ભાગ લે છે કેમ કે લાંબા વાળ કપાવવાની ફેશન ચાલે છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી લાંબા વાળ વાળી મહિલાનું નામ રેણુ ધારીયા છે. તે ઉત્તરાખંડના છે. તેમના વાળ ૮ ફૂટ ૧૦ ઇંચ લાંબા છે. વાળની સાચવણી અને તેને ચોખ્ખા રાખવા વગેરે બહુ સમય લેતી વાત છે.
ચીનમાં દાણચોરીના માર્ગે ભારતના વાળ ઘૂસાડાય છે. જાણકારો કહે છે કે ભારતના વાળની વિગ બનાવવામાં બહુ ઉપયોગ બને છે. ચીનના વાળ થીકનેસમાં ભારતના વાળની સરખામણીમાં બહુ નબળા હોય છે. ભારતીય વાળ તેના મૂળ રંગો અને ઉચ્ચ ગુણવત્તા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ માંગવાળી ચીજવસ્તુ તરીકે ઉભરી આવ્યા છે. ભારતમાં વિગનું બજાર બહુ મર્યાદીત છે.
ભારતમાં લાંબાવાળની ફેશન ભલે ભૂલાતી હોય પરંતુ વિગની ફેશન પણ ભારતમાં પ્રવેશી ચૂકી છે. વાળના મોટા જથ્થાનું સપ્લાયર ભારત હોવા છતાં તેની વિગ જેવી બાય પ્રોડક્ટ બનાવવામાં તે ચીન કરતાં પાછળ છે.
આજે પણ ટાઉન લેવલે અને શહેરોમાં મહિલાઓની વાળની ગૂંચ વેચાતી લેનારા લોકો ફરતા જોવા મળે છે. વિગ બનાવવા જોઇતા કાચાવાળની ડિમાન્ડ ઉભી થઇ છે. કાચા વાળ દુર્લભ બની રહ્યા છે તો બીજી તરફ વીગની ડિમાન્ડ વધી છે. વર્ષ ૨૦૨૬માં ભારતે ૯૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના વાળની નિકાસ કરી છે. અહીં દાણચોરીથી ચીનમાં મોકલાતા વાળની ગણત્રી નથી કરી.
તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કુટીર ઉદ્યોગોમાં હજારો મોટાભાગની મહિલા કામદારો દ્વારા છૂટા પાડીને તેને સીધા કરવામાં આવે છે.
ચીનના હેનાન પ્રાંતના એક શહેરને ઘણીવાર વિશ્વની વિગ રાજધાની કહેવામાં આવે છે, જે તૈયાર વાળના ઉત્પાદનોના લગભગ ૬૦% ઉત્પાદન કરે છે. વાળનો કાચો માલ કાંસકામાં ગૂંચવાયેલા વાળ જે ઘરો, સલૂનમાંથી એકત્રિત કરવામાં આવે છે. કાપેલા વાળનો મોટો જથ્થો તિરુપતિમાં વેંકટેશ્વર મંદિર જેવા તીર્થસ્થાનોમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાનમાં આપવામાં આવે છે. વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે સામાન્ય રીતે વાળની કિંમત પ્રતિ કિલો અંદાજે ૮૫,૦૦૦ રૂપિયા છે.
તિરૂપતિ મંદિરમાંથી હરાજી મારફતે ગ્રેડ સાથેના વાળ મળે છે. જેમકે શ્રેષ્ઠ, ગ્રેડ-૧ કાળા વાળા-૨૭ ઇંચ કે તેથી વધુ લાંબા - જે ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવ્યા હતા. ગયા મહિને આવા અંદાજે ૯૦૦ કિલો પ્રીમિયમ વાળની હરાજી કરવામાં આવી હતી. લાંબા વાળ ધરાવતી મહિલાઓ જ્યારે ભગવાનને વાળ અર્પણ કરે છે ત્યારે તે વાળની વધુ કિંમત ઉપજતી હોય છે.
નિકાસકારો દાવો કરે છે કે ચીન ભારતીય વાળ ખરીદે છે અને દાણચોરી પણ કરે છે. અમેરિકન અને યુરોપિયન બજારોમાં પ્રીમિયમ કિંમતે તૈયાર વિગ વેચાય છે. ખરેખર, ભારત પાસે વાળ છે પરંતુ વિગ બનાવવાની ટેકનીક નથી.




