Tantri Lekh

સ્વવિનાશક નગર નિર્માણ

By GS Team
11 Aug 20263 mins read
TukuTouch Logo
જળવાયુ પરિવર્તનથી સમુદ્ર સપાટી વધે છે, પણ દરિયાકાંઠાના શહેરો જમીનમાં વધુ ઝડપથી ધસી રહ્યા છે. 'નેચર કમ્યુનિકેશન્સ'ના અભ્યાસ મુજબ, 71% દરિયાકાંઠાની વસ્તી આવા વિસ્તારોમાં છે. ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ, તેલ-ગેસ ખનન, અને વેટલેન્ડ્સ પર બાંધકામ મુખ્ય કારણો છે. જકાર્તા તેનું જીવંત ઉદાહરણ છે, જ્યાં રાજધાની ખસેડાઈ. આ માનવસર્જિત વિનાશ ધીમે ધીમે શહેરોને પાતાળ તરફ ધકેલી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્વવિનાશક નગર નિર્માણ

જળવાયુ પરિવર્તન - કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ચર્ચા જ્યારે પણ થાય છે, ત્યારે આપણી નજર હંમેશાં ઊછળતા સમુદ્ર અને પીગળતા ગ્લેશિયર પર મંડાયેલી રહે છે. આપણે આકાશ તરફ જોઈને વાતાવરણનો દોષ કાઢીએ છીએ અથવા સમુદ્ર તરફ જોઈને તેની વધતી સપાટીથી ડરીએ છીએ. પરંતુ, વિનાશનું એક બીજું ભયાવહ અને શાંત મોજું બરાબર આપણા પગ નીચે આકાર લઈ રહ્યું છે, જેની તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન છે. વાસ્તવિકતા એ છે કે સમુદ્ર જેટલી ઝડપથી ઉપર નથી આવી રહ્યો, તેના કરતાં વધુ ઝડપથી આપણાં કાંઠાનાં શહેરો જમીનમાં નીચે જઈ રહ્યાં છે. આ એક એવી ભયાનક વૈચારિક વિડંબના છે જ્યાં એક મહાનગર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના જ પાયાને ખોખલો કરી રહ્યું છે; જાણે કે કોઈ શહેર પોતાની તરસ છીપાવવા માટે પોતાની જ કબર ખોદી રહ્યું હોય!
વર્ષ ૨૦૨૬માં પ્રસિદ્ધ થયેલા 'નેચર કમ્યુનિકેશન્સ'ના અત્યંત ગંભીર અને આંખ ઉઘાડનારા વૈશ્વિક અભ્યાસે આ અદ્રશ્ય સંકટનો પર્દાફાશ કર્યો છે. આ વૈજ્ઞાાનિક વિશ્લેષણ મુજબ, વિશ્વની દરિયાકાંઠાની લગભગ ૭૧ ટકા વસ્તી એવા વિસ્તારોમાં વસવાટ કરે છે જ્યાં જમીન ધીમે ધીમે નીચે ધસી રહી છે. આંકડાઓ એટલા ચોંકાવનારા છે કે તે સામાન્ય માનવીની કલ્પનાની બહાર છે. ક્લાઈમેટ ચેન્જના કારણે સમુદ્રની સપાટી વાર્ષિક સરેરાશ ૩ મિલીમીટર જેટલી વધે છે, પરંતુ કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે સાપેક્ષ દરિયાઈ સપાટીનો વધારો (વાર્ષિક ૬ મિલીમીટર જેટલો નોંધાઈ રહ્યો છે! અર્થાત્, સમુદ્રના વધવા કરતાં જમીનના ધસવાની ઝડપ બમણી છે. આ માત્ર ભૂસ્તરશાનો વિષય નથી, આ એક સજ્જડ માનવસર્જિત મહાવિનાશની શરૂઆત છે.
જમીન ધસવાની આ પ્રક્રિયા પાછળ કોઈ કુદરતી ભૂકંપ કે ભૌગોલિક આફત જવાબદાર નથી, પરંતુ આપણો જ અણઘડ અને આંધળો વિકાસ જવાબદાર છે. જમીન નીચેથી બેફામપણે ભૂગર્ભજળ ઉલેચવું, તેલ અને ગેસનું અનિયંત્રિત ખનન કરવું અને વેટલેન્ડ્સ (ભેજવાળી જમીન) ને સૂકવીને તેના પર સિમેન્ટ-કોંક્રીટના અબજો ટનના જંગલો ઊભા કરવા 'આ તમામ પ્રવૃત્તિઓ જમીનના આંતરિક બંધારણને ખેદાનમેદાન કરી નાખે છે. ભૌતિક વિજ્ઞાાનનો એક સાદો નિયમ છે : જ્યારે તમે જમીનની નીચે રહેલા પાણી કે પ્રવાહીને પમ્પ કરીને બહાર કાઢો છો, ત્યારે ખાલી પડેલી જગ્યા દબાણને કારણે સંકોચાય છે. પરિણામે ઉપરની જમીન નીચે બેસી જાય છે. સીધા શબ્દોમાં કહીએ તો, મહાનગરો પોતાની વધતી વસ્તીની અને ઉદ્યોગોની પાણીની જરૂરિયાત પૂરી કરવા પાતાળને ખાલી કરી રહ્યાં છે, અને તેના જ વજન હેઠળ આખું શહેર ધીમે ધીમે પાતાળ તરફ સરકી રહ્યું છે. આ કોઈ ભવિષ્યમાં થનારી કાલ્પનિક ઘટના નથી.
જકાર્તા, બેંગકોક, મનિલા અને વિશ્વના અનેક ડેલ્ટા શહેરો (નદીના મુખત્રિકોણ પ્રદેશમાં વસેલા શહેરો) આજે આ જ ભયાનક વાસ્તવિકતાનો પ્રત્યક્ષ સામનો કરી રહ્યા છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા તેનું સૌથી જીવંત અને કરુણ ઉદાહરણ છે. ભૂગર્ભજળના અતિશય શોષણને કારણે જકાર્તા એટલી ઝડપથી સમુદ્રમાં ગરકાવ થઈ રહ્યું છે કે ઇન્ડોનેશિયાની સરકારે હાર માનીને રાજધાની જ અન્ય સ્થળે ખસેડવાનો ઐતિહાસિક અને ખર્ચાળ નિર્ણય લેવો પડયો છે. બેંગકોક અને મનિલા જેવા એશિયન મહાનગરો પણ દર વર્ષે સેન્ટીમીટરોના હિસાબે જમીનમાં ધસી રહ્યા છે. જ્યારે ઉપરથી ભારે વરસાદ ખાબકે અને નીચેથી સમુદ્રનું સ્તર આગળ વધે, ત્યારે નીચે બેસી ગયેલા આ 'ખાડામાં વસેલા' શહેરો પાસે પાણીના નિકાલનો કોઈ માર્ગ બચતો નથી. તેઓ કોંક્રીટના એવા કટોરા બની ગયા છે જે માત્ર છલોછલ ભરાઈને ડૂબવાની રાહ જોઈ રહ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયા હવે એક એવા 'વિષચક્ર'નું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેમાંથી બહાર આવવું લગભગ અશક્ય લાગી રહ્યું છે. શહેરોને જીવતા રહેવા માટે મીઠા પાણીની અનિવાર્ય જરૂર છે. આ જરૂરિયાત પૂરી કરવા તેઓ વધુ ને વધુ ભૂગર્ભજળ ખેંચે છે, જેનાથી શહેરની જમીન વધુ બેસી જાય છે. જમીન નીચી જવાને કારણે સમુદ્રનું ખારું પાણી શહેરમાં સરળતાથી પ્રવેશે છે અને જમીનમાં ઊતરીને બાકી બચેલા મીઠા પાણીના ભંડારોને પણ પ્રદૂષિત કરી નાખે છે. આ ખારાશથી બચવા શહેરો વધુ ઊંડાણથી પાણી ખેંચવાનો પ્રયાસ કરે છે, જે જમીનને વધુ ઝડપથી નીચે તરફ ધકેલે છે. આ એક એવી ધીમી અને દર્દનાક આત્મહત્યા છે, જ્યાં નદી કે દરિયા કિનારે વસેલું શહેર ખુદ પોતાની જ જળ-સમાધિનું નિર્માણ કરી રહ્યું છે.