કોર્પોરેટ ધાડપાડુઓની બેન્કલૂંટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બેન્ક હડતાળ અટકી ને સ્થિતિ ત્રિશંકુ જેવી થઈ છે. હવે ઉચ્ચ સ્તરીય કમિટી તરફ બેન્કિંગ સેક્ટરની નજર છે. કેન્દ્ર સરકારનું હજુ જોઈએ તેવું ધ્યાન બેન્કોને લૂંટી લેતા ચાલબાજો તરફ નથી. ગઈ વખતના અનુભવોને ધ્યાનમાં રાખીને મોદી સરકાર તેની આ ખુદની છેલ્લી લાગતી ઇનિંગમાં બેન્ક પરના કોર્પોરેટ ધાડપાડુઓને સીધા કરશે એમ હજુ લોકોને આશા છે. બીજી બાજુ જો કે બેન્કોની દાનત પણ લેણદારો પર ગુનો દાખલ કરવાની નથી એનું કારણ એ છે કે કેટલાક મેનેજરો પાછલે બારણેથી તગડી કમાણી કરતા થઈ ગયા છે. બૅન્કોના પાછા ન ફરતા ધિરાણની સમસ્યાના ઉકેલ માટે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાના પરિપત્રની સામે બૅન્કોની મુખ્ય ફરિયાદ એ હતી કે વ્યાજ કે મુદ્દલની ચુકવણીમાં કંપની એક દિવસનો પણ ડિફોલ્ટ કરે તો એને નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) જાહેર કરવાની જોગવાઈ વધુ પડતી સખત અને અવ્યવહારુ છે.
સર્વોચ્ચ અદાલતે આ પરિપત્રને ગેરકાયદે ઠરાવ્યો એ પછી રિઝર્વ બન્કે જે નવો પરિપત્ર બહાર પાડયો તેમાં બન્કોની આ ફરિયાદની નોંધ લઈ એક દિવસને બદલે તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. હવે બૅન્કો આ મામલામાં ઝડપથી આગળ વધે એવી આશા અસ્થાને નથી. બૅન્કો જો સમસ્યાના ઉકેલમાં ગલ્લાંતલ્લાં કરે કે ડૂબમાં જતી લોનને એનપીએ તરીકે જાહેર ન કરવા માટે કંપનીઓને વધારાની નવી લોન આપે તો રિઝર્વ બન્કે લાઠી પણ ઉગામી છે. આવા કિસ્સાઓમાં બન્કોએ વધુ જોગવાઈ કરવી પડશે. એટલું જ નહિ, તેમને દંડની જોગવાઈ પણ નવા પરિપત્રમાં છે. બન્કોનાં નાણાં પરત મેળવવાના આ પ્રયત્નોમાં બન્કોએ જે યોજના બનાવવાની છે-રિઝોલ્યુશન પ્લાન-તે જો ડિફોલ્ટના ૧૮૦ દિવસમાં અમલમાં ન આવે તો બન્કોએ જોગવાઇમાં ૨૦ ટકાનો વધારો કરવો પડશે અને જો ૩૬૫ દિવસ પછી પણ એવી જ પરિસ્થિતિ રહે તો વધારાના ૧૫ ટકાની જોગવાઈ કરવી પડશે.
વિવિધ નવી કંપનીઓએ દેવાળુ ફૂંકીને રૂપિયા અમુક હજાર કરોડમાં બેન્કોને નવરાવી હોવાની વાત મુંબઈ બજારમાં વહેતી થઈ છે જેની મૂળભૂત હકીકતો પછીથી બહાર આવશે. બૅન્કો પાસે મૂડીની અછત છે અને જાહેર ક્ષેત્રની બૅન્કોને સરકારે નવી મૂડી ગયા નાણાકીય વર્ષના અંત ભાગમાં આપી એ પછી પણ પરિસ્થિતિ બહુ સુધરી નથી. આમ રિઝર્વ બૅન્કે બૅન્કોને શંકાસ્પદ લોન વસૂલી માટેની શરતો હળવી કરી આપી બૅન્કોની દુખતી નસ પકડી લીધી છે અને તેના ઉપયોગથી બૅન્કોને સમસ્યાના ઉકેલ માટે સક્રિય થવાની ફરજ પાડી છે. બૅન્કોના માથે આ લટકતી તલવાર રાખીને રિઝર્વ બૅન્કે તેમને ઝડપ દેખાડવાની ચિમકી આપી છે કેમ કે આ પ્રકારની જોગવાઈ કરવાનો વારો આવે તો નવી મૂડી પણ ધોવાઈ જવામાં ખતરો બૅન્કોની સામે છે. નવા પરિપત્રની જોગવાઈઓ જોઈએ તો જણાય છે કે નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, સ્મોલ ફાઇનાન્સ બન્કો, નાબાર્ડ, એક્ઝિમ બન્ક વગેરેને પણ હવે પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે. આ એક વ્યવહારુ વાત છે કારણ કે એનપીએ ફક્ત બન્કોની સમસ્યા નથી.
હવે બૅન્કોએ ડિફોલ્ટના એક મહિનાની અંદર ઇન્ટર-ક્રેડિટર એગ્રીમેન્ટ (આઈસીએ) તૈયાર કરવું પડશે. કંપનીને લોન આપનારાઓના જૂથમાં જે બન્કોની બાકી રહેતી રકમ કુલ રકમના ૭૫ ટકા જેટલી હોય તે અથવા ૬૦ ટકાની સંખ્યામાં ધિરાણકર્તાઓએ આઈસીએ સ્વીકારવું જોઈશે. તો જ આ કરાર કાનૂની ગણાશે. આ જોગવાઈને કારણે હવે બૅન્કોએ અત્યંત સક્રિય બનીને કામ કરવું પડશે. સમયનું આ માળખું કદાચ વધુ પડતું સખત લાગે, કારણ કે આપણા બૅન્કરો આટલી ત્વરાએ કામ કરવા ટેવાયેલા નથી, પણ સંજોગોનો આ તકાદો છે અને માંદગી જેટલી ગંભીર, એટલી જ જલદ દવા પણ હોવી જોઈએ. જોકે, નવા પરિપત્રમાં એક અસ્પષ્ટતા પણ જોઈ શકાય છે જે બૅન્કોને હેરાન કરી રહી છે.
રિઝર્વ બેન્કની ગંભીર ભૂલ એટલી જ કે એની નજર સામે જ બધું બનતું રહ્યું છતાં એણે સમયસર નીતિ-નિયમોનું ઘડતર કર્યું નહિ જેને કારણે બેન્કોના બાકી લ્હેણાં આસમાનને આંબી ગયા અને નવા નવા ઉદ્યોગપતિઓ બેન્કોને લૂંટતા જ રહ્યા. એનડીએ સરકારે સત્તા ગ્રહણ કર્યા પછી એટલે કે અંદાજે દસેક વરસ પહેલા બેન્કોની હાલત સુધારવા માટે હસ્તક્ષેપ કર્યો પરંતુ ત્યારેય મોડું તો થઈ જ ગયું હતું. વળી એ સમયે અરૂણ જેટલી બેન્કોના જે લોનધારકો હતા એના પર પગલા લેવામાં બહુ જ ઠંડા રહ્યા. તે એટલી હદ સુધી કે હજુ આજે પણ બેન્કોના નાણાં ડૂબાડનારાઓ પર ફોજદારી ફરિયાદની શરૂઆત થઈ નથી. દેશની પ્રજાને એ જ સમજાતું નથી કે પ્રજાના નાણાંની ઊઘાડી લૂંટ ચલાવનારાઓ પર કેન્દ્ર સરકાર કેમ હજુ પણ કુણુ વલણ દાખવે છે !




