Tantri Lekh

અમેરિકાનો ઘોર જાતિવાદ

By GS Team
16 Sep 20263 mins read
TukuTouch Logo
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીયોને નિશાન બનાવતી જાતિવાદી જાહેરાત યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા બહાર પાડવામાં આવી હતી. “મિસ્ટર સિંહ” ને લક્ષ્ય બનાવતી આ જાહેરાત સોશિયલ મીડિયા પરથી હટાવી દેવાઈ છે. યુ.એસ.માં હિન્દુ, શીખ અને ડેમોક્રેટિક નેતાઓના વિરોધ બાદ આ પગલું લેવાયું હતું. આ ઘટના ભારતીયોને નિશાન બનાવવાની ઝુંબેશનો ભાગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાનો ઘોર જાતિવાદ

ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતીયોને વંશીય રીતે નિશાન બનાવવાની કોઈ તક ગુમાવતું નથી, પરંતુ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી એક વિવાદાસ્પદ જાહેરાતે તેની સંકુચિત માનસિકતાનો પર્દાફાશ કર્યો છે. જો કે, યુએસમાં હિન્દુ, શીખ અને ડેમોક્રેટિક નેતાઓના ઉગ્ર વિરોધ બાદ, ભારતીયો માટે નક્કી કરેલા પ્રતીકાત્મક નામ ''મિસ્ટર સિંહ'' ને લક્ષ્ય બનાવતી જાહેરાત સોશિયલ મીડિયા પરથી દૂર કરવામાં આવી હતી. ફક્ત એક પોસ્ટ દૂર કરવા છતાં આ અપ્રિય ઘટનાને ચોક્કસપણે અવગણી શકાય નહીં કારણ કે તે અમેરિકામાં ભારતીયોને નિશાન બનાવવાની ઝુંબેશનો એક ભાગ છે. યુએસમાં લાઇસન્સ વિનાના વાણિજ્યિક ડ્રાઇવરો સામેના અભિયાન સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવેલી આ જાહેરાતમાં દાઢીવાળા, ઘઉંવર્ણા માણસની છૈં-જનરેટેડ છબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની સાથે અપશબ્દોથી ભરેલો ચેતવણી મેસેજ પણ હતો.
મેસેજમાં કહ્યું હતું કે ''અમારા રસ્તાઓ પરથી ઉતરી જાઓ, તમને વાહન ચલાવતા નથી આવડતું, મિસ્ટર સિંહ.'' ત્યારબાદ ધમકી આપવામાં આવી : ''દેશ છોડી દો અથવા પરિણામોનો સામનો કરો.'' આ પ્રયાસે યુએસને ખુલ્લું પાડયું છે, જે માનવતા, ધર્મનિરપેક્ષતા, મૂળભૂત અધિકારો અને સંવાદિતા જેવા કઠોર શબ્દોનો ઉપયોગ કરીને દાયકાઓથી વિશ્વભરની સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સ્વાભાવિક રીતે, આ જાહેરાત સામે આવ્યા પછી, ભારતીય-અમેરિકન અને શીખ સંગઠનો, તેમજ ડેમોક્રેટિક નેતાઓએ આ પોસ્ટને જાતિવાદી અને ભેદભાવપૂર્ણ ગણાવીને સખત નિંદા કરી. ઇમિગ્રેશન કાયદા લાગુ કરવામાં અથવા ખતરનાક ડ્રાઇવરો સામે પગલાં લેવામાં કંઈ ખોટું નથી. ખરેખર, જ્યારે બેદરકારી અથવા ગુનાઈત વર્તન મૃત્યુનું કારણ બને છે, ત્યારે સરકારોની ફરજ છે કે તે પગલાં લે. જો કે, કાયદો વ્યક્તિના વર્તનના આધારે લાગુ થવો જોઈએ, તેની જાતિ, દેખાવ, ધર્મ અથવા અટકના આધારે નહીં.
ભારતીય અને અન્ય ઇમિગ્રન્ટ્સે અમેરિકાની સમૃદ્ધિને પોતાના લોહી અને પરસેવાથી પોષી છે. તેમની સમૃદ્ધિ અથાક પ્રયત્નો અને મહેનતનું પરિણામ છે, જેને આજે ગોરા અમેરિકનો ઈર્ષ્યાથી અસ્વીકાર્ય માને છે. અત્યાર સુધી, અમેરિકામાં ભારતીયોનો વિરોધ ઘણીવાર ગુપ્ત હતો, પરંતુ ટ્રમ્પના શાસનમાં, તે ખુલ્લેઆમ થાય છે. જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં એક જવાબદાર ફેડરલ એજન્સી, DHS, આવા કૃત્યમાં સામેલ થાય છે, ત્યારે તે શરમજનક છે. ભારતમાં આદરણીય ''સિંહ'' અટકનો તેની જાહેરાતમાં દુર્ભાવનાપૂર્ણ ઉપયોગ ચિંતાજનક છે. આ અટક શીખોમાં સામાન્ય છે, અને કેટલાક હિન્દુઓ પણ તેનો ઉપયોગ કરે છે. આ શબ્દને ગેરકાયદે ઇમિગ્રેશન અથવા ખતરનાક ડ્રાઇવિંગ સાથે જોડવાથી એક સામાન્ય સાંસ્કૃતિક ઓળખ મજાકમાં ફેરવાઈ જાય છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ૯/૧૧ ના હુમલા પછી શીખ સમુદાયને શ્રેણીબદ્ધ નફરતના ગુનાઓનો સામનો કરવો પડયો. તેમની ઓળખ અજાણતા હુમલાખોરો સાથે જોડવામાં આવી હતી. આ સમુદાય માટે આ બધું અત્યંત પીડાદાયક રહ્યું છે. DHS દલીલ કરી શકે છે કે આ કામગીરીનો હેતુ ગંભીર ગુનાઓના આરોપી વિદેશી નાગરિકો સાથે સંકળાયેલા ચોક્કસ કેસોને પ્રકાશિત કરવાનો હતો.
જો એમ હોય, તો આ કેસોની તપાસ થવી જોઈએ, અને જ્યાં જરૂરી હોય ત્યાં કાનૂની કાર્યવાહી થવી જોઈએ. પરંતુ કોઈ વ્યક્તિના દુષ્કૃત્યોનો ઉપયોગ સમગ્ર સમુદાય પર શંકા કરવાના કારણ તરીકે ન થવો જોઈએ. ખરેખર, સરકારોએ જાહેર સલામતીને પ્રોત્સાહન આપવું જોઈએ અને કાયદેસર ઇમિગ્રેશનને સરળ બનાવવું જોઈએ - સમગ્ર સમુદાયોની મજાક ઉડાવવી અને બદનામ ન કરવી જોઈએ. યુનાઇટેડ સ્ટેટ્સે તેના કાયદાઓ નિષ્પક્ષ રીતે લાગુ કરવા જોઈએ. સમાન નિયમો અને નિયમનો બધા નાગરિકોને લાગુ થવા જોઈએ, પછી ભલે તેમની અટક, ધર્મ, ચામડીનો રંગ અથવા રાષ્ટ્રીય મૂળ ગમે તે હોય. જન્મથી મળતી અમેરિકન નાગરિકતાના મુદ્દે પણ બંધારણીય સંઘર્ષ સર્જાયો છે. તાજેતરમાં એક ફેડરલ ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટીતંત્રના એવા નવા આદેશને અટકાવ્યો હતો જેમાં અમેરિકામાં જન્મેલા એવા કેટલાક બાળકોને નાગરિકતાથી વંચિત કરવાની કોશિશ કરવામાં આવી હતી જેમના માતા-પિતા નાગરિક ન હોય. ન્યાયાધીશે આ પગલાને બંધારણીય માળખા અને સુપ્રીમ કોર્ટના લાંબા સમયથી ચાલતા કાનૂની સિદ્ધાંતો સાથે અસંગત ગણાવ્યું હતું.