હિસાબ અને કિતાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આમ તો આજે રમા એકાદશી છે. આજથી દીપોત્સવીના તહેવારોનો આરંભ થઈ ગયો છે. ખરેખર તો અમાસની ગાઢ અંધકારમય રાત્રિને અયોધ્યાના નગરજનોએ પ્રાચીન કાળમાં એના રાજકુમાર રામના વનવાસ પછીના પુનરાગમનને વધાવવા જે દીવડાઓનો ઝળહળ અંબાર રજૂ કરી નક્ષત્રોને પોતાના ઝરૂખે ને આંગણે અવતાર્યા તેનું દરેક દીપોત્સવ એક ઐતિહાસિક પુનરાવર્તન છે. જગતમાં કોઇની પણ સામે ફરિયાદ વિનાના મહાપુરુષ તરીકેની જીવનલીલાને કારણે દેવપદ સુધી પહોંચેલા છે રામ. રામના સમકાલીન તપસ્વી વાલ્મીકિએ એમને સર્વોત્તમ મનુષ્ય તરીકે આલેખ્યા છે. પછીથી તુલસીદાસે રામના સત્ ચરિત્રને વિરાટ ફલક પર છતાં લાઘવમાં રાઘવના નવ્યતમ ગુણસંપુટનત્પ્રગટ કરી આપેલા છે. મધ્યકાળના અંધકારયુગમાં તુલસીવાણીએ જ રામરસધારા ભારતીય પ્રજામાં વહેતી રાખીને સામુદાયિક આત્મોન્નતિનો પથ સુગમ કરી આપેલો છે. ગુજરાતીઓ માટે ધનતેરસ જેમ લક્ષ્મીપૂજનનું પર્વ છે એમ દીપોત્સવ પણ રિદ્ધિ-સિદ્ધિ માટેની ઉપાસનાનું મહાપર્વ છે.
મહાજાતિ ગુજરાતી જે કેટલીક વિશિષ્ટ બાબતોમાં વખણાય છે તેમાં એક છે એના હિસાબ-કિતાબ. જો કોઈ ઈતર રાજ્યનો નાગરિક આ સાંભળે અને સમજે તો ખોટું એમ પણ સમજે કે ગુજરાતીઓ બહુ ગ્રંથરસિયા હશે ને બહુ કિતાબો વાંચતા હશે. હકીકતમાં હિસાબ-કિતાબ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે, જેનો અર્થ થાય છે હિસાબની કિતાબ. ગુજરાતી પ્રજા ભવ્ય વાંચનસુખથી વંચિત છે. એટલે કે એની પુસ્તકોની દુનિયા અલ્પવાંચનગ્રસ્ત છે. પરંતુ હિસાબની કિતાબ વાંચવામાં તેઓ એક્કા છે. તેઓ હવામાં સરવાળા અને બાદબાકી કરી શકે છે. અડધિયા, દોઢા કે અઢિયા માટે એમને પાટી-પેનની જરૂર નથી. ગુજરાતી શબ્દનો અર્થ વેબસ્ટર ડિક્શનરી આપે છે કે આ એક વર્લ્ડ વાઈડ બિઝનેસ કોમ્યુનિટી છે. જૂની પેઢી હવે આથમવા આવી છે અને નવી પેઢીમાં કોઈક વીરલા જ કેલ્કયુલેટર વગર પગલાં ભરી શકે છે. તો પણ ગુજરાતીઓ જે રીતે હવામાંથી ધંધો સુંઘી શકે છે એ તાકાત મારવાડ સિવાય ભાગ્યે જ બીજે જોવા મળે.
જગતમાં સંખ્યાબંધ એવા બિઝનેસ છે જેનો ગુજરાતીઓએ પહેલીવાર ઊઘાડ કર્યો હોય. હજુ પણ લોકોના અનેક કડવા અનુભવો હોવા છતાં સરેરાશ ગુજરાતી વેપારી વચનનો પાકકો છે. બિઝનેસ જાય, નફો જાય, અરે મૂડી પણ જાય, પણ વચન ન જાય. એવા અસ્સલ ગુજરાતીઓને વંદન કરવાનો આજનો દિવસ છે કે એમણે આપણી શાખ જાળવી રાખી છે. એવું નથી કે ગુજરાતી લક્ષ્મીનો દાસ છે, પરંતુ લક્ષ્મી એને પ્રિય છે. ત્રેવડ ત્રીજો ભાઈ એવી જે કહેવત છે એમાં ત્રેવડ એટલે નાણાંશક્તિ. બેન્ક બેલેન્સ છલકાયેલા હોય એ દરેક ગુજરાતીનું સર્વકાલીન સ્વપ્ન હોય છે. સંયોગોને કારણે કદાચ ગુજરાતી પ્રજાની એક કેડર ગરીબ હોઈ શકે છે, પરંતુ એ નિર્ધન ન હોય. નાનામાં નાના માણસ પાસે એનું પોતાનું સ્પષ્ટ બજેટ હોય છે. આસમાની અને સુલતાની એમ અનેક આપત્તિઓ આવ્યા પછી પણ ગુજરાતી માનસમાં જે ગોડગિફટેડ ફાઇનાન્સિયલ સોફ્ટવેર છે એ સલામત છે.
દેવોની અને દેવીઓની પૂજા સાથે હિસાબવહીઓનું પણ પૂજન એ આપણા વિશિષ્ટ સંસ્કાર છે. વિક્રમના આવનારા નવા વરસ માટેના હિસાબના કોરા કડાક ચોપડાઓનું અબિલ-ગુલાલ-કંકુથી દેવચરણે ધરીને પૂજન કરવામાં આવે છે. એમાં સહુ પ્રથમ શ્રી સવા લખવામાં આવે છે. એનો અર્થ છે કે અમારો વેપાર સવાયો થજો જેથી નફો પણ આપોઆપ સવાયો થાય. સારા વેપારીનો ચોપડો એટલે કે એકાઉન્ટ બુક્સ ચિત્રગુપ્તના ચોપડા જેવી પારદર્શક હોય છે. એકાઉન્ટ કોમ્પ્યુટરોમાં રૂપાંતરિત થઈ ગયા તો પણ સૂક્ષ્મ અર્થમાં તો એ હિસાબની કિતાબ જ છે. જે જમાનામાં દુનિયાભરનાં બંદરો પર મહાન ગુજરાતી વેપારીઓના વાવટા ફરકતા હતા અને હાલારના બંદરોથી છેક આફ્રિકાના કિનારાઓ સુધી સામુદ્રિક વ્યાપારની બોલબાલા હતી એ સમયની હિસાબી પ્રણાલિકાઓનું હજુ પણ પાલન કરનારા શ્રીમંતો છે.
વેપારીઓ ખૂબ જ ઉત્સાહથી પોતાની ધનસંપત્તિ વંચિતોના સમુદાય વચ્ચે વહેંચતા હતા. સમાજ પરત્વેની જવાબદારી નિભાવવા માટે જ મહાજનો પહેલી હરોળમાં આવ્યા. દરેક વેપારીઓની કોમ્યુનિટીમાં ઠેર ઠેર તેમના મહાજન હતા. એક સાદી શેતરંજી પાથરીને મહાજન બેસે એટલે ભલભલા વિરાટ કામકાજ માટે રમતા રમતા ભંડોળ એકત્રિત થઈ જાય. ગુજરાતી પ્રજાએ પાછલી સદીમાં અનેક સંકટોમાં મહાજનની હૂંફ મેળવેલી છે. તેમાં અબોલ પશુઓ-પંખીઓ પરત્વેની કરૂણા પણ આવી જાય.




