Tantri Lekh

દૂરનું યુદ્ધ, ભારતના દરવાજે

By GS Team
17 Jul 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન સંઘર્ષ ભારત માટે મોટો આર્થિક અને રાજકીય પડકાર બન્યો છે. ક્રૂડના ભાવ વધતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ ફુગાવો વધ્યો છે, અને રૂપિયાનું મૂલ્ય ઘટ્યું છે. અખાતી દેશોમાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા અને તેમના દ્વારા આવતા વિદેશી હૂંડિયામણ પર પણ ખતરો છે. ભારત માટે કૂટનીતિની કસોટી છે કે કોઈનો પક્ષ લીધા વિના પોતાના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું.

Summarized by AI; it may make mistakes. Check important info

દૂરનું યુદ્ધ, ભારતના દરવાજે

ભૌગોલિક રીતે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ભારતથી હજારો કિલોમીટર દૂર હોઈ શકે છે, પરંતુ જ્યારે ત્યાં આગ લાગે છે, ત્યારે તેની ઝાળ ભારતીય રસોડા, પેટ્રોલ પંપ અને અર્થવ્યવસ્થાને દઝાડયા વિના રહેતી નથી. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તાજેતરનો સંઘર્ષ એ માત્ર વિદેશી ધરતી પર લડાતું કે ન્યૂઝ ચેનલો પૂરતું સીમિત કોઈ પારકું યુદ્ધ નથી; તે ભારત માટે એક અત્યંત પ્રત્યક્ષ આર્થિક અને રણનીતિક ખતરો છે. આપણી ઊર્જા સુરક્ષા, વિદેશી હૂંડિયામણ (રેમિટન્સ), દરિયાઈ વ્યાપાર, મોંઘવારી પરનું નિયંત્રણ અને કૂટનીતિક સમતુલા - આ બધું જ સીધી રીતે અખાતના દેશો સાથે જોડાયેલું છે.
આ પરિસ્થિતિની ગંભીરતા સમજવા માટે ભૂરાજનીતિનો એક અત્યંત વ્યવહારુ નિયમ યાદ રાખવો પડેઃ પશ્ચિમ એશિયાના યુદ્ધને ભારતને નુકસાન પહોંચાડવા માટે આપણી સરહદ સુધી આવવાની કોઈ જરૂર નથી. તે માત્ર 'ઓઇલ રૂટ' (ક્રૂડ સપ્લાયની નસ) સુધી પહોંચી જાય, એટલું જ પૂરતું છે. આ જ આજના સમયની સૌથી મોટી વાસ્તવિકતા છે.
ભારત માટે આ સંઘર્ષમાંથી મુખ્યત્વે ત્રણ ગંભીર પડકારો ઊભા થાય છે, જેને નજરઅંદાજ કરવાની ભૂલ કોઈ પણ સરકાર કરી શકે નહીં. પહેલો પડકાર છે - ક્રૂડ, ફુગાવો અને રૂપિયો. હોર્મુઝની સામુદ્રધુની અને લાલ સમુદ્રથી બાબ અલ-મંડબ સુધીનો પટ્ટો દુનિયાના સૌથી સંવેદનશીલ જળમાર્ગો છે. અમેરિકન એજન્સી ભૈંછના આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક દરિયાઈ તેલ વેપારનો ચોથો ભાગ અને વપરાશનો પાંચમો ભાગ આ જળમાર્ગોમાંથી પસાર થાય છે. જ્યારે આ માર્ગ પર અમેરિકા-ઈરાન ટકરાવનું જોખમ તોળાય છે, ત્યારે બ્રેન્ટ ક્રૂડ ૮૬ ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી જાય છે અને એક જ સપ્તાહમાં તેમાં ૧૩ ટકા જેટલો રાક્ષસી ઉછાળો નોંધાય છે. આ માત્ર આંતરરાષ્ટ્રીય બજારના આંકડા નથી. ક્રૂડ મોંઘું થવાનો સીધો અર્થ છે - પેટ્રોલ, ડીઝલ, ટ્રાન્સપોર્ટ, શાકભાજી, ખાતર, ઉડ્ડયન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું સીધું જ મોંઘુ થવું. તાજેતરમાં રોઈટર્સના અહેવાલે નોંધ્યું છે કે ક્રૂડના આ ઉછાળાને કારણે ભારતીય રૂપિયાએ છેલ્લા નવ સપ્તાહનો સૌથી મોટો કડાકો જોયો છે. ટૂંકમાં, યુદ્ધ ત્યાં લડાય છે, પણ મોંઘવારીનું બિલ ભારતનો સામાન્ય માણસ ચૂકવે છે.
અખાતમાં વસતા ભારતીયોની સુરક્ષા બીજો પડકાર છે. આ યુદ્ધ માત્ર તેલ કે આર્થિક ગણિત પૂરતું સીમિત નથી; આ એક માનવ સુરક્ષાનો પણ વિકટ પ્રશ્ન છે. બહેરીન, કતાર, કુવૈત, યુએઈ અને સાઉદી અરેબિયા જેવા અખાતી દેશોમાં લાખો ભારતીયો વસે છે, જેમના શ્રમથી અબજો રૂપિયાનું હૂંડિયામણ ભારતમાં આવે છે. જો આ સંઘર્ષ વ્યાપક બને અને આસપાસના દેશો કે શિપિંગ ઝોનને પોતાની ઝપેટમાં લે, તો આ પ્રવાસી ભારતીયોની નોકરીઓ અને તેમની સુરક્ષા સીધી જોખમમાં મુકાશે. એ સંજોગોમાં ભારત માટે આ માત્ર ઊર્જા કટોકટી નહીં, પરંતુ ઇવેક્યુએશન (યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નાગરિકોને બહાર કાઢવા) અને તેમના આર્થિક પુનર્વસનનો એક વિશાળ પારિવારિક અને રાષ્ટ્રીય પડકાર બની જશે.
ત્રીજો પડકાર એટલે કૂટનીતિની ધાર પર ચાલવાની કસોટી. અમેરિકા, ઈરાન, ઈઝરાયેલ, અખાતી રાજશાહીઓ અને રશિયા - આ તમામ દેશો સાથે ભારતના પોતાના અલગ, ઊંડા અને જટિલ સંબંધો છે. આવા બહુઆયામી સંઘર્ષમાં, મૌન સેવવું એ હંમેશાં ડહાપણ નથી હોતું અને કોઈ એકનો ખુલ્લો પક્ષ લેવો એ હંમેશાં હિંમત નથી હોતી. ભારતનો અસલી પડકાર એ છે કે કોઈ પણ એક વૈશ્વિક છાવણીનું પ્યાદું બન્યા વિના, પોતાના અત્યંત સંવેદનશીલ રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કઈ રીતે કરવું.
ઈરાન-અમેરિકાના આ ઘર્ષણમાં ભલે ભારત સીધો ભાગીદાર ન હોય, પરંતુ તે આ પરિસ્થિતિનો એક બહુ મોટો હિતધારક ચોક્કસ છે. આ સમયે ભારતીય કૂટનીતિ અને નેતૃત્વની સાચી કસોટી લાઉડસ્પીકર પર થતા ઘોંઘાટભર્યા રાષ્ટ્રવાદથી નહીં થાય. તેની કસોટી થશે આપણી 'શાંત અને સઘન સજ્જતા'થી.
વ્યૂહાત્મક ઓઇલ રિઝર્વનું કુનેહપૂર્વક સંચાલન, ડોલર સામે રૂપિયાના મૂલ્યની જાળવણી, સંભવિત ઇવેક્યુએશન માટેનું આગોતરું આયોજન, અને આંતરિક ફુગાવા પર કડક નિયંત્રણ - આ નીતિગત પગલાંઓ જ નક્કી કરશે કે અખાતની આગની કેટલી ગરમી ભારત સુધી પહોંચે છે. જ્યારે સંકટ દૂરથી આપણા દરવાજે ટકોરા મારતું હોય, ત્યારે સમજદારી માત્ર બારીઓ બંધ કરવામાં નથી, પરંતુ ઘરની અંદરની આર્થિક અને વ્યૂહાત્મક વ્યવસ્થાને અડીખમ બનાવવામાં છે.