સુરેન્દ્રનગર: સાયલાના કોટડા ગામમાંથી 7 કિલો પોશડોડાનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ, મુખ્ય સપ્લાયર ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કોટડા ગામે રાજકોટ રેન્જ પોલીસની ટીમે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદે પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. રહેણાંક મકાનમાંથી 1.07 લાખ રૂપિયાની કિંમતનો 7 કિલો 160 ગ્રામ પોશડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક શખસની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર ગણાતો અન્ય એક શખસ ફરાર થઈ ગયો છે.
રહેણાંક મકાનમાંથી પોશડોડાનો જથ્થો પકડાયો
મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ પોલીસની ટીમને કોટડા ગામે નશીલા પદાર્થનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમે એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનની તલાશી લેતાં તેમાંથી 7 કિલો 160 મ પોશડોડા (અફીણના ડોડા)નો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 1.07 લાખ રૂપિયા આંકવામાં આવી છે. દરોડા દરમિયાન FSLની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ કરી પકડાયેલો જથ્થો પોશડોડા જ હોવાની પુષ્ટિ કરી હતી.
એક આરોપીની ધરપકડ, મુખ્ય સપ્લાયર ફરાર
પોલીસે સ્થળ પરથી અમરા વાળા નામના શખસની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ આ જથ્થો સુદામડા ગામના બિપીન ગોર નામના શખસ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ બિપીન ગોર ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે સાયલા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




