સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ઈંધણ વેચાણ સામે લાલઆંખ: વસ્તડી નજીક પંપ સીલ કરી બાયોડીઝલ સીઝ કરાયું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગેરકાયદે બાયોડીઝલ/HVO (હાઇડ્રોટ્રીટેડ વેજીટેબલ ઓઇલ) ફ્યુઅલનું વેચાણ કરતા પેટ્રોલ પંપ પર તંત્રએ લાલઆંખ કરી છે. મામલતદાર, પુરવઠા વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડીને બોગસ પંપ પરથી 1240 લીટર HVO ફ્યુઅલનો જથ્થો સીઝ કરી પંપને સીલ કરી દીધો છે.
સંયુક્ત ટીમે આકસ્મિક દરોડો પાડી પંપ સીઝ કર્યો
મળતી માહિતી અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઇવે પર મોમાઈ હોટેલ સામે આવેલી ‘સમુદ્ર એગ્રો એજન્સી (અલગારી પ્રોડક્ટ)’ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ ખાતે પરવાનગી કે આધારભૂત આધાર વગર અનઅધિકૃત રીતે HVO ફ્યુઅલનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે સુરેન્દ્રનગર ડિવિઝનના મદદનીશ પોલીસ અધીક્ષક (ASP), વઢવાણ મામલતદાર, નાયબ મામલતદાર (પુરવઠા) તેમજ પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમે સ્થળ પર અચાનક દરોડો પાડ્યો હતો. ટીમે સ્થળ તપાસ કરીને પંપ પરથી વેચાતા ફ્યુઅલના સેમ્પલ એકત્ર કર્યા હતા અને આગળની કાયદેસરની તપાસ માટે આખો પેટ્રોલ પંપ સીઝ કરી દીધો હતો.
1.16 લાખની કિંમતનું 1240 લીટર ઈંધણ જપ્ત
દરોડા દરમિયાન પંપ પર આવેલા અલગ-અલગ ટેન્કની તપાસ કરતા પહેલા ટેન્કમાંથી 1040 લીટર અને બીજા ટેન્કમાંથી આશરે 200 લીટર મળીને કુલ 1240 લીટર HVO ફ્યુઅલનો જથ્થો મળી આવ્યો હતો. 94 રૂપિયા પ્રતિ લીટરના દર અનુસાર પ્રથમ ટેન્કના જથ્થાની કિંમત 97,760 રૂપિયા અને બીજા ટેન્કના જથ્થાની કિંમત 18,800 રૂપિયા થાય છે. આમ, સંયુક્ત ટીમે કુલ 1,16,560 રૂપિયાની કિંમતનો ફ્યુઅલનો જથ્થો સીઝ કર્યો છે.
આ સમગ્ર સીઝીંગ કાર્યવાહી દરમિયાન સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર પંચનામું કરી જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. એકત્ર કરવામાં આવેલા ફ્યુઅલના નમૂનાઓને પ્રયોગશાળા (લેબોરેટરી) ખાતે ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી ચકાસણીના રિપોર્ટ અને તપાસમાં સામે આવનારી વિગતોના આધારે જરૂરી ચીજવસ્તુ ધારા અને પુરવઠા નિયમો અનુસાર પંપ સંચાલકો સામે આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




