સુરેન્દ્રનગરમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: સાયલા, લીંબડી અને ચુડા પંથકમાંથી ₹58.73 લાખની વીજચોરી પકડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surendranagar PGVCL Power Theft Mega Drive: સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરો સામે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ(PGVCL) દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. જેમાં PGVCLના અધિક્ષક ઈજનેરની સીધી રાહબરી હેઠળ ગેરકાયદે વીજજોડાણો પકડવા માટે સમગ્ર જિલ્લામાં 'મેગા ચેકિંગ ડ્રાઈવ' યોજવામાં આવી હતી. આ સઘન કામગીરી દરમિયાન સાયલા, લીંબડી અને ચુડા તાલુકાના વિવિધ ગામોમાંથી કુલ રૂપિયા 58.73 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.
52 ટીમોના દરોડાથી ગ્રામ્ય વિસ્તારના વીજચોરોમાં ફફડાટ
પ્રાપ્ત વિગતો મુજબ, PGVCL તંત્ર દ્વારા અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ સહિતની 52 અલગ-અલગ ટીમો બનાવીને એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ટીમોએ સાયલા, લીંબડી અને ચુડા તાલુકા તેમજ તેને અડીને આવેલા હડાળા, ધારાડુંગરી, સાપર, બોરાણા, અંકેવાળીયા સહિતના અનેક ગામોમાં સવારના ચેકિંગ હાથ ધર્યું હતું. અચાનક ત્રાટકેલી ટીમોને જોઈને વીજચોરી કરતા તત્ત્વોમાં દોડધામ મચી ગઈ હતી.
719 જોડાણોમાંથી 203 જગ્યાએ ગેરરીતિ ઝડપાઈ
તપાસ ટીમ દ્વારા આ વિસ્તારોમાં આવેલા કુલ 719 ઘરવપરાશના વીજ જોડાણોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ પૈકી 118 જોડાણોમાં મીટર સાથે છેડછાડ કે અન્ય રીતે વીજચોરી આચરાતી હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં, 85 અન્ય સ્થળોએ તો કોઈ પણ જાતના વીજ જોડાણ(મીટર) વગર જ વીજચોરી કરવામાં આવતી હોવાના ગંભીર કેસો પકડાયા હતા.
રૂ.58.73 લાખના દંડ ફટકાર્યો
ગેરરીતિ આચરનારા તમામ 118 કનેક્શનધારકો અને 85 સીધી ચોરી કરનારાઓ મળીને કુલ 203 કિસ્સાઓમાં PGVCL દ્વારા રૂ.58.73 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે PGVCL તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચાલુ જ રહેશે અને વીજચોરી કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. PGVCLના આ કડક વલણથી સમગ્ર જિલ્લાના વીજચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.









