ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત, કાર પાણીમાં ખાબકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hakabha Gadhvi Accident: ગુજરાતના જાણીતા અને લોકપ્રિય લોક સાહિત્યકાર હકાભા ગઢવીને માર્ગ અકસ્માત નડ્યો છે. બૈસાબગઢ નજીક આવેલા પવિત્ર હિંગળાજ માતાજીના દર્શન કરી કારમાં પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે.
રસ્તા પર અચાનક સાપ આવતા સર્જાયો અકસ્માત
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચેના રસ્તા પર હકાભા ગઢવીને અકસ્માત નડ્યો હતો. તે કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર એક સાપ આડો ઉતર્યો હતો. સામે આવેલા સાપને બચાવવાના ચક્કરમાં તેણે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા જ પૂરપાટ ઝડપે જતી કાર રસ્તા કિનારે આવેલા પાણીના ખાડામાં ખાબકી હતી.
પાછળ આવતા મિત્રોએ સમયસૂચકતા વાપરી બહાર કાઢ્યા
અકસ્માત સર્જાયો તે સમયે જ હકાભા ગઢવીની કારની પાછળ અન્ય એક કારમાં તેના મિત્રો આવી રહ્યા હતા. આ ઘટના બનતાની સાથે જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને હકાભા ગઢવીને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. મિત્રોની સમયસૂચકતાને કારણે આ અકસ્માતમાં હકાભા ગઢવીને કોઈ પણ પ્રકારની નાની કે ગંભીર ઈજા થઈ નથી. તે સંપૂર્ણપણે સુરક્ષિત હોવાના સમાચાર મળતા જ તેના ચાહકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.









