Gujarat

સિધ્ધસર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતાં મામલો ટી.ડી.ઓ. સમક્ષ પહોંચ્યો

By GS Team
21 Mar 20222 mins read
This article was originally published on 21 Mar 2022
સિધ્ધસર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતાં મામલો ટી.ડી.ઓ. સમક્ષ પહોંચ્યો

- આઠમાંથી પાંચ સભ્યોએ વિરોધ નોંધાવ્યો

- વિકાસકામો નિયમો અનુસાર થતાં ન હોવાની ગ્રા. પં.ના સભ્યોની રજૂઆત

સુરેન્દ્રનગર : વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જિલ્લાની ગ્રામપંચાયતોના સદસ્યોમાંથી નારાજગીના સુરો ઉઠી રહ્યા છે. મુળી તાલુકાના સિધ્ધસર ગામની ગ્રામપંચાયતની ખાસ બેઠકમાં ઉપસરપંચ સહિત પાંચ સભ્યોના વિરોધથી બજેટ નામંજુર થતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલો હવે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.

સિધ્ધસર ગ્રામ પંચાયતની ખાસ બેઠક ગઈકાલે સરપંચ સુરજબા ડી.મોરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં આગામી વર્ષનું બજેટ રજુ કરવામાં આવતા આઠમાંથી ઉપસરપંચ સહિત પાંચ સભ્યોએ વિરોધ કરતા બજેટ નામંજુર થયું હતુ. સાથોસાથ ખર્ચના બિલો મંજુરી માટે રજુ કરવામાં આવેલા તે પણ નામંજુર કરવામાં આવેલા હતા. બેઠકમાં ગામમાં વિકાસ કામોની સમીક્ષાનો મુદો ચર્ચામાં આવતા વિરોધ કરનાર પાંચ સભ્યોએ ગામમાં વિકાસકામો નિયમ અનુસાર થતા ન હોવાની રજુઆત કરીને વિકાસના કામો ના કરવાની રજુઆત કરી હતી આથી વિકાસ કામોને પણ મંજુરી મળી ન હોતી. બેઠકમાં બજેટ નામંજુર થતા ખળભળાટ થઈ ગયો હતો.

ગ્રામપંચાયતની ખાસ બેઠકમાં બજેટ, ખર્ચના બિલ સહિતની બાબતોનો વિરોધ કરનાર પાંચ સભ્યોમાં ઉપસરપંચ રાહુલભાઈ જગદીશભાઈ જીડીયા, તથા સદસ્યો ઉકાભાઈ ગણેશભાઈ રાઠોડ, જનકબેન શંકરભાઈ નંદેસળીયા, સરોજબેન રાજેશભાઈ .ઘેલીયા, તથા કૈલાસબા મહેન્દ્રસિંહ પરમારનો સમાવેશ થાય છે

ગ્રામ પંચાયતનો આ વિવાદ હવે મુળી તાલુકાના વિકાસ અધિકારી સમક્ષ પહોંચેલ છે. ટી.ડી.ઓ આ પ્રકરણમાં શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. ગ્રામ્ય પંથકમાં આ ઘટનાથી ખળભળાટ થઈ ગયો છે અને ચર્ચાનો વિષય બની ગયેલ છે.