Surat

સુરતના યુવાનોનો ગણેશ ભક્તિ સાથે તાપી બચાવવાનો સંદેશ: કોઝવેના ઉપરવાસમાં બિરાજમાન બાપ્પા, વિસર્જન કૃત્રિમ તળાવમાં

By GS Team
24 Sep 20264 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશોત્સવ દરમિયાન રાંદેરના પાંચપીપળા સ્ટ્રીટના યુવાનોએ તાપી નદીમાં ફાઇબર પ્લેટફોર્મ પર ગણેશજીની સ્થાપના કરી. તેમણે નદીના પ્રદૂષણને રોકવા તાપીમાં વિસર્જન ન કરવાનો નિર્ણય લીધો. આ યુવાનોએ નદીકાંઠે કૃત્રિમ તળાવ બનાવી તેમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાનો સંકલ્પ લીધો છે. આમ, ગણેશ ભક્તિ સાથે તાપી શુદ્ધિકરણનો સંદેશ અપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના યુવાનોનો ગણેશ ભક્તિ સાથે તાપી બચાવવાનો સંદેશ: કોઝવેના ઉપરવાસમાં બિરાજમાન બાપ્પા, વિસર્જન કૃત્રિમ તળાવમાં

Surat Ganeshotsav : ગણેશોત્સવમાં ભક્તિની સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતી અનોખી પહેલ રાંદેરના પાંચપીપળા સ્ટ્રીટના યુવાનોએ કરી છે. કોઝવેના ઉપરવાસમાં તાપી નદીની વચ્ચે ફાઇબરનું પ્લેટફોર્મ બનાવી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ નદીઓના પ્રદૂષણને અટકાવવા પ્રતિમાનું વિસર્જન તાપીમાં નહીં કરવાની પહેલ કરવામાં આવી છે. તાપી નદીમાંથી લાખો સુરતીઓને પીવાનું પાણી પૂરું પડતું હોવાથી તેમાં ગણેશ પ્રતિમા, પૂજાપો, ફૂલહાર, પ્લાસ્ટિક કે અન્ય કચરો ન પધરાવવા માટે યુવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તાપી નદી સાથે પેઢીઓથી જોડાયેલા પાંચપીપળા સ્ટ્રીટના યુવાનોએ નદીકાંઠે પોતાના ખર્ચે કૃત્રિમ તળાવ તૈયાર કરી તેમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાનો સંકલ્પ લીધો છે. આમ, ગણેશ ભક્તિની સાથે તાપી શુદ્ધિકરણ અને જળસ્રોતની સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


સુરતના ગણેશોત્સવમાં અનેક થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને તેમાં પણ સેવાના કાર્યો સાથે ગણેશોત્સવને જોડવામાં આવ્યો હતો. વિવિધ થીમ વચ્ચે સુરતના રાંદેર પાંચ પીપળાના સેલર યુવકોએ તાપી નદીમાં થતા પ્રદુષણ અટકાવવા માટે લોકોને અનોખો સંદેશો આપ્યો છે. પાંચ પીપળા યુવક મંડળના મેશ, યોગેશ, કમલેશ પારસ હર્ષ મનોજ તથા હિતેશ સેલર તથા મંડળના અન્ય સભ્યોએ તાપી નદીમાં ગણેશજીની સ્થાપના માટે નદીની વચ્ચે ફાઈબરનું પ્લેટફોર્મ બનાવી ગણેશજીની સ્થાપના કરી છે. જોકે, તાપી નદીમાં પ્રતિમા સ્થાપિત કર્યા બાદ પણ વિસર્જન નદીમાં નહીં કરવાનો નિર્ણય લઈ તેમણે ભક્તિ સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો છે.

ગૌરવ સેલર કહે છે, પાંચપીપળા સ્ટ્રીટના યુવાનોના જણાવ્યા મુજબ તેમના વડવાઓનો વ્યવસાય નદી અને દરિયા સાથે જોડાયેલો રહ્યો છે. જેના કારણે પાણી અને તાપી નદી સાથે તેમનો વર્ષોથી નાતો રહ્યો છે. સુરત શહેર માટે તાપી નદી માત્ર નદી નહીં પરંતુ જીવાદોરી સમાન છે. શહેરની મોટી વસ્તીને પીવાનું પાણી તાપીમાંથી જ પૂરું પાડવામાં આવે છે ત્યારે આવી નદીમાં ગંદકી ન થાય અને પાણીનું પ્રદૂષણ અટકે તે માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ વર્ષે ગણેશોત્સવ માં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. યુવાનોએ તાપી નદીની વચ્ચે શ્રીજીની સ્થાપના કરી હોવા છતાં વિસર્જન માટે નદીનો ઉપયોગ નહીં કરવાનો સંકલ્પ લીધો છે. ગણેશજીની પ્રતિમાનું વિસર્જન તાપી નદી કિનારે યુવાનોએ બનાવેલા કૃત્રિમ તળાવનો ઉપયોગ કરવામાં આવે છે. જો અમે નદીમાં ગણેશજીની સ્થાપના કરી પ્રતિમા બહાર લાવી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરીએ છીએ તો લોકોએ પણ તાપી નદીમાં શ્રીજીની પ્રતિમા જ નહી પરંતુ જાપો કે અન્ય કચરો પધરાવવો નહીં’ તેવી અપીલ કરીએ છીએ. ખાસ કરીને અનંત ચૌદશના દિવસે મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનને પગલે તાપી, તળાવો અને અન્ય જળાશયોમાં પ્રદૂષણનું જોખમ વધતું હોય છે. આવી સ્થિતિમાં રાંદેરના યુવાનોએ પોતાની ગણેશ સ્થાપનાની સાથે જ વિસર્જન માટે પણ પર્યાવરણને અનુકૂળ માર્ગ પસંદ કરીને અન્ય ગણેશ મંડળો અને સુરતીઓને પણ તાપી શુદ્ધિકરણનો સંદેશ આપ્યો છે. ‘તાપી આપણી જીવાદોરી છે, તેમાં કચરો નહીં પધરાવીએ’ તેવી અપીલ સાથે યુવાનોએ ગણેશ ભક્તિને સ્વચ્છતા અને પર્યાવરણની જવાબદારી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.


હોડીમાં બેસીને તાપીના પાણીની વચ્ચે પહોંચતા શ્રદ્ધાળુઓ : અંધકાર વચ્ચે રોશનીથી ઝળહળતા શ્રીજીના દર્શનનો અનોખો અનુભવ

રાત્રિનો અંધકાર… તાપીના વહેતા પાણી વચ્ચે ધીમે ધીમે આગળ વધતી હોડી અને દૂરથી દેખાતી રોશનીથી ઝળહળતી શ્રીજીની પ્રતિમા… પાંચપીપળા સ્ટ્રીટના યુવાનો દ્વારા તાપીની વચ્ચે કરવામાં આવેલી ગણેશ સ્થાપના હાલ શ્રદ્ધાળુઓ માટે ભક્તિ સાથે રોમાંચનો પણ અનોખો અનુભવ બની રહી છે. કિનારેથી હોડીમાં બેસ્યા બાદ જેમ જેમ નદીની વચ્ચે પહોંચાય તેમ રોશનીમાં ઝળહળતા શ્રીજી વધુ નજીક આવતા જાય છે અને દર્શનનો માહોલ વધુ ભક્તિમય બની જાય છે. હોડી તાપીના પાણી પર આગળ વધતી હોય ત્યારે ચારેબાજુ અંધકાર અને વચ્ચે રોશનીથી શણગારાયેલા ગણેશજીના દર્શનનો નજારો શ્રદ્ધાળુઓને આકર્ષી રહ્યો છે. નદીના પાણીમાં શ્રીજીની રોશનીનું પ્રતિબિંબ પડતું હોવાથી સમગ્ર વાતાવરણમાં અલગ જ દૃશ્ય સર્જાય છે. હોડી શ્રીજીની નજીક પહોંચતા શ્રદ્ધાળુઓ હાથ જોડીને દર્શન કરે છે અને ગણપતિ બાપ્પાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઊઠે છે.

નદીની વચ્ચે પહોંચ્યા બાદ શ્રદ્ધાળુઓને નજીકથી શ્રીજીના દર્શન કરાવવામાં આવે છે. દર્શન બાદ હોડીમાં જ પ્રસાદ પણ આપવામાં આવે છે. પરિવાર સાથે આવેલા લોકો માટે આ માત્ર દર્શન નહીં પરંતુ ગણેશોત્સવની યાદગાર ક્ષણ બની રહી છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં તાપીની વચ્ચે હોડીમાં બેસીને શ્રીજીના દર્શન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર અનુભવ માત્ર દર્શન પૂરતો મર્યાદિત રહેતો નથી. હોડીમાં તાપીની વચ્ચે લઈ જતી વખતે શ્રદ્ધાળુઓને નદીની સ્વચ્છતા અંગે પણ સમજાવવામાં આવે છે. તાપીમાં પૂજાપો, ફૂલહાર, પ્લાસ્ટિક કે અન્ય કોઈપણ પ્રકારનો કચરો ન પધરાવવા અપીલ કરવામાં આવે છે.

સ્થાપના બાદ પણ રોજ બે વખત હોડીમાં શ્રીજીની આરતી

તાપીની વચ્ચે ગણેશજીની સ્થાપના કર્યા બાદ પણ પાંચપીપળા સ્ટ્રીટના યુવાનોની શ્રીજી પ્રત્યેની ભક્તિ રોજ તેટલી જ ઉત્સાહભેર જોવા મળી રહી છે. ગણેશજીની સ્થાપનાના પ્રથમ દિવસે બ્રાહ્મણને હોડીમાં બેસાડીને તાપીની વચ્ચે લઈ જવામાં આવ્યા હતા અને વિધિવત્ પૂજા-અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના બાદ હવે રોજ સવાર અને સાંજ યુવાનો હોડીમાં બેસીને તાપીની વચ્ચે સ્થાપિત શ્રીજી પાસે પહોંચે છે અને આરતી કરે છે. નદીની વચ્ચે હોડીમાં બેસીને બાપ્પાની આરતી કરવાનો આ અનોખો અનુભવ યુવાનો માટે પણ વિશેષ ભક્તિમય બની રહ્યો છે. તાપીના વહેતા પાણી વચ્ચે શ્રીજીની આરતી અને ગુંજતા જયઘોષથી વાતાવરણમાં ભક્તિનો માહોલ સર્જાય છે.